સેમી-ફાઇનલ મૅચ બાદ ગૌતમ ગંભીર કહે છે, ઇન્ટરનૅશનલ મૅચમાં તમારે સતત વધુ સારું પ્રદર્શન કરવું જોઈએ. એવું નહીં કહી શકાય કે અમે સંપૂર્ણપણે પર્ફેક્ટ રમત બતાવી છે.
ગૌતમ ગંભીર
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અજેય રહીને ફાઇનલ સુધી પહોંચવા છતાં ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર ટીમના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. સેમી-ફાઇનલ મૅચ બાદ ગૌતમ ગંભીર કહે છે, ‘ઇન્ટરનૅશનલ મૅચમાં તમારે સતત વધુ સારું પ્રદર્શન કરવું જોઈએ. એવું નહીં કહી શકાય કે અમે સંપૂર્ણપણે પર્ફેક્ટ રમત બતાવી છે. હું ક્યારેય પ્રદર્શનથી સંતુષ્ટ નહીં થઈ શકું. આપણે હજી એક મૅચ રમવાની છે. આશા છે કે એમાં પર્ફેક્ટ રમત રહેશે. અમે સતત સારું પ્રદર્શન કરવા માગીએ છીએ અને ક્રિકેટના મેદાન પર નિર્દય બનવા માગીએ છીએ, પરંતુ મેદાનની બહાર નમ્ર બનવા માગીએ છીએ.’
ટુર્નામેન્ટ દરમ્યાન કેટલાક પ્લેયર્સની ફીલ્ડિંગમાં અને શૉટ સિલેક્શનમાં ખામી જોવા મળી હતી.
ADVERTISEMENT
ગૌતમ ગંભીર આગળ કહે છે, ‘ક્રિકેટનો અર્થ છે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું. આ રીતે તમે ચમકો છો. જો દરેક વ્યક્તિ કમ્ફર્ટ ઝોનમાં રહેશે તો જડતા રહેશે. અમારા ડ્રેસિંગ રૂમમાં દરેક વ્યક્તિ પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર રહે છે, પછી ભલે તે કોચિંગ સ્ટાફ હોય કે ખેલાડીઓ. મને વર્તમાનમાં જીવવું ગમે છે અને હાલમાં મારું સંપૂર્ણ ધ્યાન ચૅમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર છે. આ પછી, અમે લાંબા ગાળાની રણનીતિ બનાવીશું, પરંતુ એ નવ માર્ચ (ફાઇનલ મૅચ) પછી થશે.’

