૪૧ વર્ષનો જેમ્સ ઍન્ડરસન લૉર્ડ્સમાં ૨૧ વર્ષની કરીઅરનો લાવશે અંત
જેમ્સ ઍન્ડરસન
ઇંગ્લૅન્ડના લેજન્ડરી ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને ગઈ કાલે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. T20 વર્લ્ડ કપ બાદ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ૩ ટેસ્ટમૅચની સિરીઝ માટે ઇંગ્લૅન્ડના પ્રવાસે જશે. લૉર્ડ્સના મેદાન પર ૧૦ જુલાઈથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ જેમ્સ ઍન્ડરસનની અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ બનશે. ૨૦૦૩માં ઝિમ્બાબ્વે સામે લૉર્ડ્સના મેદાન પર ટેસ્ટ-ડેબ્યુ કરનાર ‘કિંગ ઑફ સ્વિંગ’ જેમ્સ ઍન્ડરસન ૪૧ વર્ષની ઉંમરે આ જ મેદાન પર પોતાની ૨૧ વર્ષની કરીઅરનો અંત આણશે.
મુથૈયા મુરલીધરન (૮૦૦ વિકેટ) અને શેન વૉર્ન (૭૦૮ વિકેટ) બાદ ટેસ્ટમાં સૌથી વધુ ૭૦૦ વિકેટ લેનાર જેમ્સ ઍન્ડરસને ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે ‘ઘરેલુ સત્રમાં લૉર્ડ્સના મેદાન પર રમાનારી પ્રથમ ટેસ્ટ મારી અંતિમ ટેસ્ટ હશે. જે રમતને હું બાળપણથી પસંદ કરતો હતો એમાં પોતાના દેશનું ૨૦થી વધુ વર્ષ માટે પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે અવિશ્વસનીય રહ્યું.’
‘જિમી’ના ઉપનામથી જાણીતો ઍન્ડરસન ઇંગ્લૅન્ડ માટે ૧૮૭ ટેસ્ટ રમ્યો છે. ઇંગ્લૅન્ડ માટે સૌથી વધારે ટેસ્ટમૅચ રમનાર ઍન્ડરસન સચિન તેન્ડુલકર (૨૦૦ ટેસ્ટ) બાદ દુનિયામાં સૌથી વધારે ટેસ્ટમૅચ રમનાર ખેલાડી છે. ઍન્ડરસન તેની કાઉન્ટી ટીમ લૅન્કેશર તરફથી રમવાનું ચાલુ રાખશે કે નહીં એ હજી સ્પષ્ટ નથી.
ADVERTISEMENT
‘કિંગ ઑફ સ્વિંગ’નો શાનદાર પર્ફોર્મન્સ
ફૉર્મેટ મૅચ વિકેટ
ટેસ્ટ ૧૮૭ ૭૦૦
વન-ડે ૧૯૪ ૨૬૯
T20 ૧૯ ૧૮