રજત-રિન્કુની ટીમે માત્ર ૧૫૯ રનનો ટાર્ગેટ આપ્યો, ઈશાન-વૈભવની ટીમે ૩૯.૩ ઓવરમાં ૧૬૨/૬ નો સ્કોર કરીને ૪ વિકેટે જીત મેળવી
સેમી-ફાઇનલમાં સાત વિકેટ લઈને ઈસ્ટ ઝોનનો ફાસ્ટ બોલર મુકેશ કુમાર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં દુલીપ ટ્રોફી 2026ની પહેલી સેમી-ફાઇનલ ત્રીજા દિવસે સમાપ્ત થઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ૨૬૬ રન કરનાર સેન્ટ્રલ ઝોને બીજી ઇનિંગ્સમાં ૫૦.૨ ઓવરની રમતમાં ૧૫૮ રનનો સ્કોર કરીને માત્ર ૧૫૯ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. ઈસ્ટ ઝોને બીજી ઇનિંગ્સમાં ૩૯.૩ ઓવરમાં ૧૬૨/૬નો સ્કોર કરીને ૪ વિકેટે જીત મેળવી હતી.
૬ સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફીની ફાઇનલ મૅચ ચેપૉક સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમી-ફાઇનલમાં નૉર્થ ઝોન અને સાઉથ ઝોનમાંથી જે વિજેતા બનશે એ ફાઇનલમાં ઈસ્ટ ઝોન સામે ટકરાશે.

ADVERTISEMENT
ઈસ્ટ ઝોન માટે વૈભવ સૂર્યવંશીએ ૪૩ બૉલમાં ત્રણ ફોર અને બે સિક્સની મદદથી ૪૦ રન કર્યા
ટાર્ગેટ ચેઝ કરતા સમયે ઈસ્ટ ઝોન માટે વૈભવ સૂર્યવંશીએ ૪૩ બૉલમાં ત્રણ ફોર અને બે સિક્સની મદદથી ૪૦ રન કર્યા હતા. વાઇસ-કૅપ્ટન પછી કૅપ્ટન ઈશાન કિશને પણ ૪૧ બૉલમાં ચાર ફોર અને એક સિક્સના આધારે ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. કૅપ્ટન રજત પાટીદારની સેન્ટ્રલ ઝોન ટીમ માટે સ્પિનર હર્ષ દુબેએ ૧૪ ઓવરમાં ૫૩ રન આપીને ચાર વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર યશ ઠાકુર અને સ્પિનર સારાંશ જૈનને એક-એક વિકેટ મળી હતી.
