નવ વિકેટ ગુમાવી દેવાને કારણે પદ્ધતિ હેઠળ ભારતની રન ટકાવારી ઓછી થઈ અને ઑસ્ટ્રેલિયાને મળેલા ટાર્ગેટમાં પાંચ રનનો તફાવત જોવા મળ્યો.
સુનીલ ગાવસકર
પર્થની વન-ડે મૅચમાં ૨૬-૨૬ ઓવરની મૅચ કર્યા બાદ ભારતના ૧૩૬ રન સામે ડકવર્થ-લુઇસ (DLS) મેથડ હેઠળ ઑસ્ટ્રેલિયાને ૧૩૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો. નવ વિકેટ ગુમાવી દેવાને કારણે પદ્ધતિ હેઠળ ભારતની રન ટકાવારી ઓછી થઈ અને ઑસ્ટ્રેલિયાને મળેલા ટાર્ગેટમાં પાંચ રનનો તફાવત જોવા મળ્યો.
ભારતની હાર બાદ DLS મેથડ વિશે વાત કરતાં સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે ઘણા લોકો આ પદ્ધતિને સમજે છે, પરંતુ એ ઘણા સમયથી ચાલી આવે છે. એક ભારતીયે VJD પદ્ધતિની શોધ કરી હતી જે મને ઘણી સારી લાગી, કારણ કે એના પરિણામે બન્ને ટીમ માટે પરિસ્થિતિ સરખી થઈ જાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ઘરેલુ ક્રિકેટમાં VJD પદ્ધતિનો ઉપયોગ કરે છે, પરંતુ વર્તમાન સમય વિશે મને ખાતરી નથી. ICCએ આ બાબતમાં તપાસ કરવાની જરૂર છે અને ખાતરી કરવાનો પ્રયાસ કરવાની જરૂર છે કે જ્યારે વરસાદ રમતમાં વિક્ષેપ પાડે છે ત્યારે મળતો ટાર્ગેટ બન્ને ટીમ માટે વાજબી હોય.’
ADVERTISEMENT
ભારતીય એન્જિનિયરે શોધી છે VJD મેથડ
કેરલાના સિવિલ એન્જિનિયર વી. જયદેવને વરસાદ-વિક્ષેપિત મર્યાદિત ઓવરની ક્રિકેટ-મૅચોમાં ટાર્ગેટ- સ્કોરની ગણતરી કરવાની પદ્ધતિ શોધી હતી. તામિલનાડુ પ્રીમિયર લીગ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઉપયોગમાં લેવાયેલી આ પદ્ધતિને ICCએ ઇન્ટરનૅશનલ સ્તરે મંજૂરી આપી નથી. ૧૯૯૯થી DLS પદ્ધતિનો ઉપયોગ ઇન્ટરનૅશનલ મૅચોમાં થતો આવ્યો છે. DLS મેથડથી બીજી ઇનિંગ્સનો ટાર્ગેટ નક્કી કરતા સમયે ઓવર અને વિકેટની ટકાવારીને ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે VJD મેથડમાં મૅચમાં ગુમાવેલી ઓવર, વર્તમાન સ્કોર અને છેલ્લી મૅચોના આંકડાકીય ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.


