કોલંબો ટેસ્ટમાં વિદેશમાં પહેલી ટેસ્ટ સદી ફટકાર્યા બાદ ધ્રુવ જુરેલે ‘જય જવાન જય કિસાન’ ટૅટૂ દેખાડીને ઉજવણી કરી હતી. તેણે જણાવ્યું કે આ ટૅટૂ તેના ખેડૂત દાદા અને સૈનિક પિતાને સમર્પિત છે.
ધ્રુવ જુરેલ
કોલંબો ટેસ્ટ-મૅચના બીજા દિવસે અણનમ ૧૧૫ રન ફટકારનાર ધ્રુવ જુરેલે જય જવાન જય કિસાન ટૅટૂ વિશે ખુલાસો કર્યો હતો. ભારતીય ટીમ માટે ટેસ્ટ-કરીઅરમાં પહેલી વખત વિદેશમાં સદી ફટકાર્યા બાદ ધ્રુવ જુરેલે પોતાના ડાબા બાયસેપ પરનું જય જવાન જય કિસાન ટૅટૂ દેખાડીને ઉજવણી કરી હતી.
ધ્રુવ જુરેલ કહે છે, ‘આ ટૅટૂ મારી વાર્તા છે. મારા દાદા ખેડૂત હતા અને મારા પપ્પા સૈનિક હતા. આ મારાં મૂળ છે, હું અહીંથી આવ્યો છું અને હું તેમને ક્યારેય ભૂલવા માગતો નથી. તેથી એ ઉજવણી મારા પપ્પા અને દાદાને સમર્પિત હતી.’
ધ્રુવ જુરેલ વધુમાં કહે છે, ‘મેં શ્રીલંકામાં ઇન્ડિયા A સાથે ટૂર કરી હતી અને બે મૅચમાં એક સદી તથા એક ફિફ્ટી ફટકારી હતી. તેથી હું પરિસ્થિતિઓથી પરિચિત હતો. કોચ અને કૅપ્ટન હંમેશાં પરિસ્થિતિઓને સમજવા અને પરિસ્થિતિ શું ઇચ્છે છે એ સમજવા પર ભાર મૂકે છે.’
ઉત્તર પ્રદેશનો પચીસ વર્ષનો ધ્રુવ જુરેલ ભારત માટે ૧૧ ટેસ્ટ-મૅચમાં ૫૩૬ રન કરી ચૂક્યો છે. તે ભારત માટે ચાર T20 મૅચ પણ રમ્યો છે જેમાં તે ૧૨ રન જ કરી શક્યો હતો.
