કુલ ૯ વિકેટ લઈને સસેક્સને રોમાંચક જીત અપાવી : જયંત યાદવની પાંચ વિકેટથી મિડલસેક્સે મૅચ ડ્રૉ કરાવી

જયદેવ ઉનડકટ
હમણાં-હમણાં ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ ન કરવામાં આવતા ખેલાડીઓ ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમવા જતા રહ્યા છે અને ત્યાં સારું પર્ફોર્મ કરી રહ્યા છે.
ત્રણ દિવસ પહેલાં યુઝવેન્દ્ર ચહલે પોતાની પહેલી કાઉન્ટી મૅચમાં કેન્ટ વતી નૉટિંગહૅમશરની ત્રણ વિકેટ લીધી હતી. બુધવારે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ (પ્રથમ દાવમાં ૧૨.૪-૩-૨૩-૩ અને બીજા દાવમાં ૩૨.૪-૬-૯૪-૬) ચમક્યો હતો અને તેણે સસેક્સ વતી લેસ્ટરશર સામેની મૅચમાં પહેલા દાવમાં માત્ર ૨૩ રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને પગની ઘૂંટીની ઈજાને કારણે એ દાવમાં વધુ બોલિંગ ન કર્યા બાદ પગમાં દુખાવા છતાં બીજા દાવમાં રમીને ૯૪ રનમાં ૬ વિકેટ લઈને સસેક્સને રોમાંચક વિજય અપાવ્યો હતો.
હોવમાં ચેતેશ્વર પુજારાના સુકાનવાળી સસેક્સની ટીમે લેસ્ટરશરને જીતવા માટે ૪૯૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ૩૩૩ રનના ટોટલ સુધી લેસ્ટરશરને જીતવાની ઘણી આશા હતી, કારણ કે ત્યારે એની માત્ર પાંચ વિકેટ હતી. એ સ્કોર પર ઉનડકટે રેહાન અહમદ (૨૯ રન)ને આઉટ કર્યો હતો. એટલું જ નહીં, ત્યાર પછીની બાકીની ચારેચાર વિકેટ ઉનડકટે લીધી હતી. ૪૮૩મા રને લેસ્ટરશરની એક વિકેટ પડવાની બાકી હતી અને જીતવા માટે બાકીના માત્ર ૧૬ રન બનાવવાના હતા, પણ ફાઇટિંગ સ્પિરિટથી સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં ચૅમ્પિયન બનાવી ચૂકેલા ઉનડકટે કાઉન્ટી મૅચમાં પણ લડાયક ખમીર બતાવીને ૪૮૩મા સ્કોર પર લેસ્ટરશરની દસમી (પોતાની છઠ્ઠી) વિકેટ લઈને સસેક્સને જિતાડી દીધું હતું. લેસ્ટરશરની ટીમમાં કૉલિન ઍકરમનના ૧૩૬ રન હાઇએસ્ટ હતા.
392
ઉનડકટે કુલ આટલી વિકેટ ૧૦૫ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં લીધી છે.
22
ઉનડકટને ૧૩ વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરમાં કુલ આટલી જ મૅચ રમવા મળી છે જેમાં તે કુલ ૨૬ વિકેટ લઈ શક્યો છે.
જયંત યાદવની ૧૩૧ રનમાં પાંચ વિકેટ
સ્પિનર જયંત યાદવ (૩૩-૪-૧૩૧-૫) પણ પોતાની પ્રથમ કાઉન્ટી મૅચમાં ચમક્યો છે. તેણે મૅન્ચેસ્ટરમાં મિડલસેક્સ વતી રમીને લૅન્કેશરના પ્રથમ દાવમાં પાંચ વિકેટની વિરલ સિદ્ધિ મેળવી હતી. મિડલસેક્સે પ્રથમ દાવમાં ૧૯૪ રન બનાવ્યા બાદ લૅન્કેશરની ટીમે ૪૧૩ રન બનાવીને ૨૧૯ રનની લીડ લીધી હતી. બીજા દાવમાં લૅન્કેશરનો સ્કોર ૧૬૦/૩ હતો ત્યારે મૅચનો ડ્રૉ સાથે અંત આવ્યો હતો.