સર્વોચ્ચ અદાલતે હોદ્દેદારો માટેના કૂલિંગ-ઑફ પિરિયડમાં રાહત આપી એને પગલે સૌરવ ગાંગુલી પ્રમુખપદે અને જય શાહ સેક્રેટરીપદે ૨૦૨૫ સુધી રહી શકશે.

કીર્તિ આઝાદ
બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) અને દિલ્હી ક્રિકેટ અસોસિએશનમાંના કથિત ભ્રષ્ટાચાર સામે ભૂતકાળમાં જોરશોરથી અવાજ ઉઠાવી ચૂકેલા ક્રિકેટ-નિષ્ણાત કીર્તિ આઝાદે બોર્ડના બંધારણમાં ફેરફાર કરતાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે આનાથી તો બોર્ડમાં ૨૦૧૬માં હતી એના કરતાં પણ કપરી સ્થિતિ થશે. સર્વોચ્ચ અદાલતે હોદ્દેદારો માટેના કૂલિંગ-ઑફ પિરિયડમાં રાહત આપી એને પગલે સૌરવ ગાંગુલી પ્રમુખપદે અને જય શાહ સેક્રેટરીપદે ૨૦૨૫ સુધી રહી શકશે. બીજા હોદ્દેદારોને પણ ત્રણ વર્ષની વધુ એક મુદત પૂરી કરવાની તક મળી છે.
૧૯૮૩ વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમના મેમ્બર ૬૩ વર્ષના આઝાદે હોદ્દેદારોને મળેલી રાહતને લક્ષ્યમાં રાખતાં આઇ.એ.એન.એસ.ને કહ્યું છે કે ‘અગાઉના ચીફ જિસ્ટિસ ટી. એસ. ઠાકુરે બનાવેલી કમિટીએ બીસીસીઆઇમાં રહેલી કેટલીક ક્ષતિઓ વિશે ધ્યાન દોર્યું હતું, પરંતુ એ મુદ્દા નવા ફેંસલામાં કાઢી નાખવામાં આવ્યા છે. બીસીસીઆઇનો કારભાર ૨૦૧૬માં હતો એવો થઈ જશે અને ત્યારની જેમ ફરી કૌભાંડો થશે. ભ્રષ્ટાચાર ૨૦૧૬ની સાલ કરતાં પણ વધુ બેકાબૂ બનશે. રાજકારણીઓ કારભાર પોતાના હાથમાં લેશે અને કૌભાંડકારીઓ તેમનું કામ કરી લેશે. પારદર્શકતા જેવું કંઈ નથી.’
ADVERTISEMENT
બિહાર ક્રિકેટ માટે હું ખૂબ લડ્યો છું. મારે લીધે જ બીસીસીઆઇમાં શ્રેણીબદ્ધ સુધારા આવ્યા અને ગાંગુલી જેવી વ્યક્તિ પ્રમુખપદે છે. જોકે બિહાર પ્રત્યે આ લોકોનું હજી પણ ઓરમાયું વર્તન છે. પ્રજા પાયારૂપ માળખા માટે લડે છે. આદિત્ય વર્મા, (બિહાર ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ સેક્રેટરી)

