૪૦ વર્ષનો મૅક્લમ હાલમાં (વર્તમાન સીઝનના અંત સુધી) કલકત્તા નાઇટ રાઇડર્સનો હેડ-કોચ છે

બ્રેન્ડન મૅક્લમ
ન્યુ ઝીલૅન્ડનો મહાન ક્રિકેટર બ્રેન્ડન મૅક્લમ ગઈ કાલે ઇંગ્લૅન્ડના ટેસ્ટ-ટીમના હેડ-કોચ તરીકે નિમાયો હતો. તેણે ચાર વર્ષનો કરાર કર્યો છે. થોડા દિવસ પહેલાં બેન સ્ટોક્સને કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ બ્રિટિશ ક્રિકેટ બોર્ડનું આ બીજું મોટું પગલું છે. ૪૦ વર્ષનો મૅક્લમ હાલમાં (વર્તમાન સીઝનના અંત સુધી) કલકત્તા નાઇટ રાઇડર્સનો હેડ-કોચ છે. બુધવારે આ ટીમ આઇપીએલના પૉઇન્ટ્સ-ટેબલમાં સાતમા નંબરે હતી.
વિકેટકીપર-બૅટર મૅક્લમ ૨૦૧૯માં નિવૃત્ત થયો હતો. જોકે ગયા વર્ષે તેના દેશની ટીમ સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં વિજેતા બની એમાં મૅક્લમનું મોટું યોગદાન હતું. તેણે ૨૦૦૪થી ૨૦૧૬ સુધીની કરીઅરમાં ૧૦૧ ટેસ્ટમાં ૬૪૫૩ રન, ૨૬૦ વન-ડેમાં ૬૦૮૩ રન અને ૭૧ ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ૨૧૪૦ રન બનાવ્યા હતા. તેણે આ મૅચમાં વિકેટની પાછળ કુલ ૫૩૦ શિકાર કર્યા હતા.