ટૉસ જીતીને ભારતીય ટીમ ૧૮૫ રનમાં ઑલઆઉટ, આૅસ્ટ્રેલિયા ૧ વિકેટે ૯ : છેલ્લા બૉલે જસપ્રીત બુમરાહે ઉસ્માન ખ્વાજાની વિકેટ લઈને ઝટકો આપ્યો
રિષભ પંતે ગઈ કાલે ઇનિંગ્સની પાંત્રીસમી ઓવરમાં મિચલ સ્ટાર્કની કાતિલ બોલિંગ પોતાના શરીર પર ઝીલી હતી. સ્ટાર્કનો એક બૉલ તેને હાથ પર વાગ્યો હતો અને પછી હેલ્મેટ પર પણ વાગ્યો હતો.
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) માટેની પાંચ ટેસ્ટની સિરીઝની છેલ્લી મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો એ ભારે પડ્યો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની ઘાસવાળી અને પડકારજનક પિચ પર ભારતનો માત્ર ૧૮૫ રનમાં વીંટો વળી ગયો હતો. ભારતીય બૅટર્સ માત્ર ૭૨.૨ ઓવર રમી શક્યા હતા. ભારત આ સિરીઝમાં પાંચમી વાર ૨૦૦ કરતાં ઓછા સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. જોકે ઑલઆઉટ થયા પછી ભારતીય બોલરોને જે ત્રણ ઓવર નાખવા મળી એમાં દિવસના છેલ્લા બૉલે જસપ્રીત બુમરાહે ઉસ્માન ખ્વાજાને બીજી સ્લિપમાં કૅચઆઉટ કરાવીને ઑસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાનો સ્કોર દિવસના અંતે ૯ રન થયો હતો.
ઑસ્ટ્રેલિયા વતી સ્કૉટ બોલૅન્ડે સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. મિચલ સ્ટાર્કે ત્રણ, કૅપ્ટન પૅટ કમિન્સે બે અને નેથલ લાયને એક વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
શુભમન ગિલ (૬૪ બૉલમાં ૨૦) અને વિરાટ કોહલી (૬૯ બૉલમાં ૧૭) ઘણી બધી વાર ક્રીઝ પર ટકી રહ્યા પછી ખરાબ રીતે આઉટ થયા હતા. રિષભ પંતે પોતાના સ્વભાવથી વિપરીત ધીરજભરી ઇનિંગ્સ રમીને ૯૮ બૉલમાં ૪૦ રન કર્યા હતા, પણ અંતે તો તે ધીરજ ગુમાવીને ખરાબ શૉટ મારીને આઉટ થઈ ગયો હતો. મેલબર્ન ટેસ્ટની પહેલી ઇનિંગ્સનો સેન્ચુરિયન નીતીશકુમાર રેડ્ડી પહેલા જ બૉલમાં ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. જસપ્રીત બુમરાહે છેલ્લે ૧૭ બૉલમાં એક સિક્સ અને ત્રણ ફોર ફટકારીને બાવીસ મહત્ત્વપૂર્ણ રન કર્યા હતા.
બુમરાહને છંછેડવાનું ભારે પડ્યું કાંગારૂઓને
ગઈ કાલે પહેલા દિવસની રમતના અંત ભાગમાં જસપ્રીત બુમરાહને છંછેડવાનું કાંગારૂઓને ભારે પડી ગયું હતું. બુમરાહ બોલિંગ નાખવા રનઅપ લઈ રહ્યો હતો ત્યારે બે વાર ઉસ્માન ખ્વાજા બૅટિંગ કરવા તૈયાર નહોતો. એને પગલે બુમરાહ અકળાયો હતો. એ જોઈને નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા સૅમ કૉન્સ્ટૅસે બુમરાહને કંઈક કહ્યું હતું અને બુમરાહ પણ તેના તરફ ધસી આવ્યો હતો. એ વખતે અમ્પાયરે બુમરાહને રોકવો પડ્યો હતો. આ ચકમક પછી બુમરાહે તરત જ ઉસ્માન ખ્વાજાને બીજી સ્લિપમાં કૅચઆઉટ કરાવી દીધો હતો અને આ વિકેટનો જશન તેણે ઉસ્માનને બદલે તેને નડેલા કૉન્સ્ટૅસની સામે જઈને જાણે તેને સેન્ડ-ઑફ આપતો હોય એમ મનાવ્યો હતો.
ગોલ્ડન ડકથી બચ્યો વિરાટ કોહલી
વિરાટ કોહલી ગઈ કાલે ઑલમોસ્ટ ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો હતો. વિરાટે રમેલો પહેલો જ બૉલ સ્લિપમાં સ્ટીવ સ્મિથ પાસે ગયો હતો. બૉલ એકદમ નીચો હતો છતાં સ્મિથે એને ઉપાડીને માર્નસ લબુશેન તરફ ઉછાળ્યો હતો. લબુશેને બૉલ પકડીને કૅચની અપીલ કરી હતી, જે થર્ડ અમ્પાયરે અનેક રિપ્લે પછી રિજેક્ટ કરી હતી. જોકે કેટલાય ભૂતપૂર્વ ક્રિકેટરોનું મંતવ્ય હતું કે કોહલી આઉટ હતો.
રિષભ પંતે સિક્સ મારી એ પછી બૉલ લાવવા સીડી વાપરવી પડી
રિષભ પંત ગઈ કાલે સ્વભાવથી વિપરીત ધીમું રમ્યો હતો, પણ તેણે એક સ્ટ્રેઇટ સિક્સ ફટકારી એમાં બૉલ સાઇટ સ્ક્રીન પર જઈને પડ્યો હતો. ત્યાંથી બૉલ પાછો લાવવા ગ્રાઉન્ડ સ્ટાફે સીડી વાપરવી પડી હતી.

