ભુવી કહે છે કે મારું કામ છે મેદાનમાં પર્ફોર્મ કરતા રહેવાનું, જો સિલેક્ટરોને યોગ્ય લાગશે તો તેઓ તેમનું કામ કરશે...
ભુવનેશ્વર કુમાર
IPL 2026 બાદ ભારતીય ટીમમાં કમબૅકની ચર્ચાઓ વિશે ભુવનેશ્વરની સ્પષ્ટ વાત
IPL 2026માં ભુવનેશ્વર કુમારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વતી રમીને સેકન્ડ હાઇએસ્ટ ૨૮ વિકેટ ઝડપીને ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેના આ પર્ફોર્મન્સને લીધે તેનો ટીમ ઇન્ડિયામાં ફરી સમાવેશ કરવાની માગણી થવા લાગી હતી. જોકે સિલેક્ટરોએ ઇન્જરીને લીધે ઘણા સમયથી ટીમમાંથી બહાર રહેલા હર્ષિત રાણા મોકો આપ્યો, પણ ઇન-ફૉર્મ ભુવનેશ્વરની અવગણના કરી હતી.
છેલ્લે ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ભુવનેશ્વરે સિલેક્ટરોની અવગણના વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું એવું દર્શાવવા નથી માગતો કે હું ફરી રમવા માગું છું, મારો એ સ્વભાવ છે. મને લાગે છે કે બધા તેમનું કામ કરી રહ્યા છે. સિલેક્ટરો તેમનું કામ કરી રહ્યાં છે અને હું મારું કામ કરી રહ્યો છું. કોને સિલેક્ટ કરવો તેમનું કામ છે. જો તેમને લાગશે કે હું યોગ્ય છું તો તેઓ મને સિલેક્ટ કરશે.’
ભારતીય ટીમ વતી ૨૧ ટેસ્ટ, ૧૨૧ વન-ડે અને ૮૭ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવા મળ્યાને પોતાનું સદ્ભાગ્ય માનતા ભુવીએ વધુમાં કહ્યું હતું કે ‘હું દેશ વતી રમ્યો અને હું જે કરવા માગતો હતો એ કર્યું. જો મને અત્યાર સુધી ભારતીય ટીમમાં રમવા જ ન મળ્યું હોત તો કદાચ એક મૅચ રમવા માટે અધીરો જરૂર હોત. મારા ખ્યાલથી ભારતીય ટીમમાં રમવું એ એક મોટી વાત છે અને હું ભાગ્યશાળી છું કે મને એવું કરવા મળ્યું.’
