સાઉથ આફ્રિકાએ જીતવાની સાથે પાકિસ્તાનમાં પહેલી જ વાર T20 સિરીઝ જીતવાનો ઇરાદો મજબૂત કર્યો
બાબર આઝમ
બે મૅચની ટેસ્ટ-સિરીઝ ૧-૧થી ડ્રૉ રહ્યા બાદ મંગળવારે શરૂ થયેલી T20 સિરીઝની પ્રથમ મૅચમાં યજમાન પાકિસ્તાનન પંચાવન રનથી હારી ગયું હતું. ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ રીઝા હેન્ડ્રિક્સના ૬૦, જ્યૉર્જ લિન્ડેના ૩૬ અને ટૉની ડી ઝોર્ઝીના ૩૩ રનના ઉપયોગી યોગદાન સાથે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૯૪ રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન ૧૮.૧ ઓવરમાં માત્ર ૧૩૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ૩૬ રન અને ૩૧ રનમાં ૩ વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ જ્યૉર્જ લિન્ડે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ ૩ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ લઈને પાકિસ્તાનમાં પહેલી વાર T20 સિરીઝ જીતવાનો ઇરાદો મજબૂત કરી લીધો છે.
ડિસેમ્બર ૨૦૨૪ બાદ T20 ક્રિકેટમાં કમબૅક કરી રહેલો બાબર આઝમ સાવ ફ્લૉપ રહ્યો હતો. પહેલાં ફીલ્ડિંગમાં એક સાવ આસાન કૅચ પડતો મૂક્યો હતો અને બૅટિંગમાં બીજા જ બૉલે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. T20 ઇન્ટરનૅશનલમાં રોહિત શર્માના ૪૨૩૧ રન હાઇએસ્ટ છે અને બાબરને આ રેકૉર્ડ તોડવા માટે માત્ર ૯ રનની જરૂર હતી. સ્ટેડિયમમાં ચાહકો બાબરને રોહિતથી આગળ નીકળતો જોવા ઊમટી પડ્યા હતા પણ તેમણે ભારે નિરાશ થવું પડ્યું હતું. હવે બાકીની બન્ને મૅચ લાહરોમાં શુક્રવાર અને શનિવારે રમાશે.


