વાનખેડેની સેમી ફાઇનલ માટેની પિચને ‘ગુડ’ સર્ટિફિકેટ
ફાઈલ ફોટો
૧૯ નવેમ્બરે અમદાવાદમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ જે પિચ પર રમાઈ હતી એને આઇસીસી તરફથી ‘ઍવરેજ’ સર્ટિફિકેટ મળ્યું છે. જોકે આઇસીસીના મૅચ રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે આઉટફીલ્ડને ‘વેરી ગુડ’ સર્ટિફિકેટ આપ્યું છે.
સ્લો પિચ પર ભારતીય ટીમ બૅટિંગ મળ્યા બાદ મંદ ગતિએ રન બનાવી શકી અને ૫૦ ઓવરમાં ફક્ત ૨૪૦ રન બન્યા હતા, જેમાં રાહુલના ૬૬ રન, કોહલીના ૫૪ રન અને રોહિતના ૪૭ રન હતા. સ્ટાર્કે ત્રણ તેમ જ હૅઝલવુડ અને કમિન્સે બે-બે વિકેટ અને મૅક્સવેલ તથા ઝૅમ્પાએ એક-એક વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ ૪૩ ઓવરમાં ૪ વિકેટે ૨૪૧ રન બનાવ્યા હતા, જેમાં ઓપનર ટ્રેવિસ હેડ ૧૬૬ મિનિટની બૅટિંગમાં ૧૨૦ બૉલમાં ૧૩૭ રન બનાવીને ટૉપ-સ્કોરર રહ્યો હતો. વિનિંગ ટોટલમાં માર્નસ લબુશેનનું અણનમ ૫૮ રનનું યોગદાન હતું. બુમરાહે બે તેમ જ શમી-સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
અન્ય પિચોને કયા સર્ટિફિકેટ મળ્યા?
(૧) અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી પિચને ‘ઍવરેજ’ સર્ટિફિકેટ
(૨) ભારતની સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા સામે અનુક્રમે કલકત્તા, લખનઉ, ચેન્નઈમાં રમાયેલી મૅચને પણ ‘ઍવરેજ’ સર્ટિફિકેટ
(૩) મુંબઈમાં ભારત-ન્યુ ઝીલૅન્ડ સેમી ફાઇનલ માટેની વાનખેડેની પિચને ‘ગુડ’ રેટિંગ
(૪) કલકત્તામાં ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકાની સેમી ફાઇનલ માટેની પિચને ‘ઍવરેજ’ રેટિંગ

