ઑસ્ટ્રેલિયાએ ૪૧ બૉલમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને વન-ડે સિરીઝ ૩-૦થી જીતી લીધી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ
ઑસ્ટ્રેલિયાની જમીન પર ઇતિહાસ રચનાર વિન્ડીઝની ટીમનું વન-ડેમાં સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. વિન્ડીઝ ટીમે હાલમાં ગાબા ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો, પણ ત્યાર બાદ ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ૩-૦થી વિન્ડીઝનો વાઇટવૉશ કર્યો હતો, પણ વન-ડે સિરીઝની અંતિમ મૅચમાં વિન્ડીઝ ટીમે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઑસ્ટ્રેલિયાએ માત્ર ૭ ઓવરમાં વિન્ડીઝને મહાત આપી હતી.
વિન્ડીઝ ૮૬ રનમાં ઑલઆઉટ
ઑસ્ટ્રેલિયાના કૅનબેરામાં રમાયેલી વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મૅચમાં વિન્ડીઝની ટીમ ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરી હતી. ઑસ્ટ્રેલિયાનો આ નિર્ણય સાચો સાબિત થયો હતો. વિન્ડીઝની ટીમ ૨૪.૧ ઓવરમાં ૮૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર એલિક એથનાજે સૌથી વધુ ૩૨ રન કર્યા હતા. તો રોસ્ટન ચેઝે ૧૨ અને કાર્ટીએ ૧૦ રન કર્યા હતા. એ સિવાય એક પણ બૅટર વ્યક્તિગત બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહોતો. ઑસ્ટ્રેલિયા તરફથી જેવિયર બાર્ટલેટે સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. લાન્સ મૉરિસ અને ઍડમ ઝમ્પાએ બે-બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાએ ૭ ઓવરમાં મૅચ જીતી લીધી
જવાબમાં સામાન્ય લક્ષ્યાંકને પાર પાડવા મેદાન પર ઊતરેલી કાંગારૂની ટીમે માત્ર ૬.૫ ઓવરમાં બે વિકેટના ભોગે ૮૭ રનનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો. ઓપનર જૅક ફ્રેજર-મૅકગર્કે સૌથી વધુ ૪૧ રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી અલ્ઝારી જોસેફ અને ઓસાન થૉમસે ૧-૧ વિકેટ લીધી હતી.

