ભારત સામે ૧૭ T20માંથી માત્ર એક જ મૅચ જીત્યું છે બંગલાદેશ
સૂર્યકુમાર યાદવ, લિટન દાસ
દુબઈમાં આજે રાતે ૮ વાગ્યે બંગલાદેશ સામે રમવા ઊતરશે ત્યારે ભારતીય ટીમનો ટાર્ગેટ T20 એશિયા કપ 2025માં વિનિંગ પંચ મારવા પર રહેશે. ગ્રુપ-સ્ટેજથી લઈને સુપર ફોરમાં પાકિસ્તાન સામેની મૅચ સુધી સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપની બેખૌફ અને દબંગ અંદાજમાં રમીને સતત ૪ મૅચ જીતી છે. બીજી તરફ બંગલાદેશે માંડ-માંડ સુપર ફોર સુધી પહોંચ્યા બાદ પહેલી જ ટક્કરમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકા પર ચોંકાવનારો વિજય મેળવ્યો હતો.
આંકડાઓને જોતાં આ એકતરફી મુકાબલો થવાની ધારણા છે, કારણ કે બંગલાદેશ ભારત સામે ૧૭ T20માંથી માત્ર એક જ મૅચ જીત્યું છે. જાન્યુઆરી ૨૦૦૯થી બંગલાદેશ સામે સળંગ ૮ મૅચ જીત્યા બાદ ભારતને નવેમ્બર ૨૦૧૯માં એક દ્વિપક્ષીય સિરીઝ દરમ્યાન દિલ્હીમાં પહેલી વખત ૭ વિકેટે હાર મળી હતી. ત્યારથી આજ સુધી ભારત આ હરીફ સામે સતત ૮ મૅચ જીત્યું છે. બન્ને વચ્ચે છેલ્લી ટક્કર ઑક્ટોબર ૨૦૨૪માં હૈદરાબાદમાં થઈ હતી.
ADVERTISEMENT
દરેક ટીમમાં ભારતને હરાવવાની ક્ષમતા છે, અમે તેમની ખામીઓ શોધીને જીતીશું : બંગલાદેશી કોચ ફિલ સિમન્સ
ભારત સામેની સુપર ફોર મૅચ પહેલાં બંગલાદેશના હેડ કોચ ફિલ સિમન્સે મોટો દાવો કર્યો છે. પ્રેસ-કૉન્ફરન્સમાં તેને પૂછવામાં આવ્યું કે શું વર્તમાન ટીમ ઇન્ડિયાને હરાવી શકાય એમ છે? ૯૦ના દાયકાના અંત સુધીના રમતના દિવસોમાં મજબૂત વેસ્ટ ઇન્ડીઝ ટીમ રમનાર સિમન્સે એનો જવાબ આપતાં કહ્યું કે ‘દરેક ટીમમાં ભારતને હરાવવાની ક્ષમતા છે. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું અને આશા રાખીએ છીએ કે ભારતના શસ્ત્રાગારમાં રહેલી ખામીઓ શોધીશું. આ રીતે અમે મૅચ જીતીશું.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘ભારત સાથે સંકળાયેલી મૅચમાં ચોક્કસ હાઇપ હોય છે, કારણ કે એ વિશ્વની નંબર-વન T20 ટીમ છે. હાઇપ તો હશે જ. અમે ફક્ત એ હાઇપનો લાભ ઉઠાવીશું.’ સુપર ફોરમાં આજે ભારત બાદ બંગલાદેશી ટીમને પાકિસ્તાન સામે રમવાનું છે. બૅક-ટુ-બૅક T20 મૅચને તેણે મુશ્કેલ અને અન્યાયી ગણાવી, પણ ટીમ પડકાર માટે તૈયાર છે એવી આશા પણ વ્યક્ત કરી હતી.


