ઘૂંટણની સર્જરી પછી રન-અપ સ્ટ્રેઇટ થયો હોવાનું કહીને ઉમેર્યું કે ‘કોઈ પણ લેગ-સ્પિનર ગુડ લેન્ગ્થ સ્પૉટ પર ટપ પાડીને ઘણી વિકેટ લઈ શકે’

કુલદીપ યાદવ
ભારતે સોમવારે એશિયા કપમાં રિઝર્વ ડેએ પાકિસ્તાનને ૩૫૭ રનના તોતિંગ લક્ષ્યાંક સામે માત્ર ૧૨૮ રન સુધી સીમિત રાખીને બાબર આઝમ અને તેની ટીમનું નાક કાપી નાખ્યું હતું. અણનમ ૧૨૨ રન બનાવનાર કોહલી અને અણનમ ૧૧૧ રન બનાવનાર કે.એલ. રાહુલ વચ્ચેની ૨૩૩ રનની અતૂટ ભાગીદારીનું આ વિજયમાં મોટું યોગદાન હતું જ અને કોહલી મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ પણ જીત્યો, પરંતુ બોલિંગમાં કુલદીપ યાદવ (૮-૦-૨૫-૫) સુપરહીરો હતો.
લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપે મૅચ પછી કહ્યું હતું કે ‘ગયા વર્ષે ઘૂંટણની સર્જરી કરાવ્યા પછી મારો રન-અપ ઘણો સ્ટ્રેઇટ થઈ ગયો છે અને રીધમ વધુ અગ્રેસિવ અને ફાસ્ટ થઈ ગયું છે. પેસ ન ઘટે એની કાળજી લેવા ઉપરાંત મેં સ્પિન અને ડ્રિફ્ટને પણ નથી ઘટવા દીધા. જો કોઈ લેગ-સ્પિનર વારંવાર ગુડ લેન્ગ્થ સ્પૉટ પર બૉલની ટપ પાડે તો વિકેટો લઈ શકે છે અને લુઝ બૉલની સંખ્યા પણ ઘટાડી શકે.’