એશિયા કપની આ પરંપરા શનાકાની ટીમ જાળવે તો ભારત-શ્રીલંકા વચ્ચે રવિવારે રમાશે આઠમી ફાઇનલઃ હતાશ પાકિસ્તાને ટીમમાં એકસાથે પાંચ ફેરફાર કર્યા

ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પાકિસ્તાનનો ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમ
વન-ડેના એશિયા કપના ૩૯ વર્ષના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય ફાઇનલ નથી રમાઈ, પરંતુ આ વખતે રમાય એવી સંભાવના ફરી જાગી છે. જોકે આજે શ્રીલંકા ફરી એક વાર આ બન્ને કટ્ટર હરીફોની ફાઇનલ થવા દેવા સામે વિઘ્ન બની શકે છે.
આજે (બપોરે ૩.૦૦ વાગ્યાથી) શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે સુપર-ફોરનો મુકાબલો છે. બન્ને ટીમના બે-બે પૉઇન્ટ છે. ભારત ચાર પૉઇન્ટ સાથે રવિવારની ફાઇનલમાં પહોંચી ગયું છે અને બંગલાદેશ આઉટ થઈ ચૂક્યું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી એશિયા કપના ઇતિહાસમાં સાત ફાઇનલ રમાઈ છે.
આજે મૅચ ન રમાય તો શ્રીલંકા ફાઇનલમાં
કોલંબોમાં વરસાદ પડવાની સંભાવનાને જોતાં જો આજે વરસાદને કારણે મૅચ નહીં રમાય તો શ્રીલંકા (રનરેટ -૦.૨૦૦) ફાઇનલમાં જશે અને પાકિસ્તાન (રનરેટ -૧.૮૯૨) આઉટ થઈ જશે. જોકે મેઘરાજાની મહેર મૅચને ડકવર્થ-લુઇસની મેથડને અનુસરવાની ફરજ પાડે તો પણ નવાઈ નહીં.
પાકિસ્તાનની ટીમમાં પાંચ ફેરફાર
આઉટ-ઑફ-ફૉર્મ ફખર ઝમાનના સ્થાને મોહમ્મદ હૅરિસને ટીમમાં લેવામાં આવ્યો છે. સલમાન આગા આંખની નીચેના ભાગમાં થયેલી ઈજાને લીધે આઉટ છે અને તેના સ્થાને સાઉદ શકીલ રમશે. ઈજાગ્રસ્ત નસીમ શાહ અને રઉફના સ્થાને મોહમ્મદ વસીમ તથા ઝમાન ખાનને રમવા મળશે, જ્યારે ઑલરાઉન્ડર મોહમ્મદ નવાઝને ફહીમ અશરફના સ્થાને આવવા મળ્યું છે.
8
શ્રીલંકા સામેની તમામ આટલી વન-ડે પાકિસ્તાન જીત્યું છે.
11
શ્રીલંકા એશિયા કપની આટલી ફાઇનલમાં પહોંચ્યું છે અને એ બાબતમાં શ્રીલંકનો ભારત (૯) તથા પાકિસ્તાન (૫)થી આગળ છે.
પાકિસ્તાનને નસીબમાં નસીમની ઈજા પણ જોવાની આવી : આજે જીતવું મુશ્કેલ
રવિવાર અને સોમવારે કોલંબોમાં વરસાદનાં વિઘ્નો વચ્ચે ભારત સામેની સુપર-ફોરની મૅચમાં ૨૨૮ રનના વિક્રમજનક માર્જિનથી હારીને હતાશ થયેલા પાકિસ્તાનને આજે ફાસ્ટ બોલર નસીમ શાહનો સાથ નહીં મળે. જમણા ખભાની ઈજાને કારણે તે એશિયા કપની બહાર થઈ ગયો છે. ભારતના હાથે પટકાયેલા પાકિસ્તાને શ્રીલંકા સામે આજે જીતીને ભારે સંઘર્ષની સ્થિતિમાં ફાઇનલમાં જવાનો વખત આવ્યો છે ત્યાં એને નસીમનો સાથ નથી મળવાનો.