કુલદીપ સતત બીજા દિવસે હીરો: ૧૫૦ વિકેટ પૂરી

તસવીર સૌજન્ય : એ.એફ.પી.
કોલંબોમાં એશિયા કપની ફાઇનલમાં પહોંચવા પાકિસ્તાન સાથેની હરીફાઈમાં ઝઝૂમી રહેલા શ્રીલંકા સામે ભારત ગઈ કાલે કોલંબોમાં ૪૧ રનથી વિજય મેળવીને ફાઇનલમાં પહોંચી ગયું છે. શ્રીલંકા ૨૧૪ના લક્ષ્યાંક સામે ૧૭૨માં ઑલઆઉટ થઈ ગયું હતું. કુલદીપ યાદવ ચાર વિકેટ લઈને સતત બીજા દિવસે હીરો બન્યો હતો. તેણે પાકિસ્તાન સામે પાંચ વિકેટ લીધી હતી. તેણે વન-ડે ક્રિકેટમાં ૧૫૦ વિકેટ પૂરી કરી છે. ગઈ કાલે દુનિથ વેલ્લાલાગે ૪૨ રને અણનમ રહ્યો હતો. બુમરાહ અને જાડેજાએ બે-બે વિકેટ તથા હાર્દિક-સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને ટીમ ઇન્ડિયા ૪૯.૧ ઓવરમાં ૨૧૩ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ એ માટે લેફ્ટ-આર્મ સ્પિનર દુનિથ વેલ્લાલાગે કારણરૂપ હતો. ભારતની પહેલી ચારેય વિકેટ તેણે લીધી હતી. રોહિત શર્માના બે સિક્સર અને સાત ફોરની મદદથી બનેલા ૫૩ રન ટીમમાં હાઇએસ્ટ હતા. સોમવારના બે હીરો કોહલી (૩) અને રાહુલ (૩૯) લાંબી ઇનિંગ્સ નહોતા રમી શક્યા. શાર્દૂલ ઠાકુરને બદલે ટીમમાં સમાવવામાં આવેલા સ્પિનિંગ ઑલરાઉન્ડર અક્ષર પટેલે એક સિક્સરની મદદથી ૨૬ રન બનાવ્યા હતા. તમામ ૧૦ વિકેટ સ્પિનર્સે લીધી હતી. દુનિથ વેલ્લાલાગેએ કુલ પાંચ, ચરિથ અસલંકાએ ચાર અને થીકશાનાએ એક વિકેટ લીધી હતી.હવે ગુરુવારે શ્રીલંકા-પાકિસ્તાનની અને છેલ્લે શુક્રવારે ભારત-બંગલાદેશની સુપર-ફોર રાઉન્ડની મૅચ રમાશે. રવિવારે ફાઇનલ છે.