સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ હાલમાં ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ક્રિકેટજગત માટે આ સારા સંકેત નથી
એબી ડિવિલિયર્સ
મુંબઈ ઃ ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય પર સતત પ્રશ્ન ઊઠી રહ્યા છે. જોકે વન-ડે ક્રિકેટ પણ એનાથી દૂર નથી. ટેસ્ટ ક્રિકેટના ફૉર્મેટમાંથી ચાહકોનો લગાવ ઓછો થઈ રહ્યો છે, તો બીજી તરફ ચાહકો વન-ડે ક્રિકેટને બદલે ટી૨૦ ક્રિકેટના ફૉર્મેટને વધુ પસંદ કરવા માંડ્યા છે. એને પગલે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ એબી ડિવિલિયર્સે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટના ભવિષ્યને લઈને નારાજગી દર્શાવી છે. ડિવિલિયર્સે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું કે ‘એવું કહેવામાં જરાય ખોટું નથી કે ટેસ્ટ ક્રિકેટ હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ ક્રિકેટજગત માટે ખૂબ ખરાબ સંકેત છે.
જ્યાં વધુ પૈસા હશે...
એબી ડિવિલિયર્સનું માનવું છે કે વન-ડે ક્રિકેટ અને સમગ્ર સિસ્ટમ ટી૨૦ ક્રિકેટના ફૉર્મેટમાં જઈ રહ્યું છે. ડિવિલિયર્સે વધુમાં કહ્યું કે ‘બોર્ડ અને કોચ એના પર વધુ કામ કરે છે જેમાં વધુ પૈસા હોય. તમે તેને પરિવાર સાથે ભવિષ્ય વિશે વિચારવા માટે દોષી ન કહી શકો.’
ADVERTISEMENT
કેપટાઉનની પિચ સારી જ હતી
હાલમાં જ ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં ટેસ્ટ રમાઈ હતી. આ ટેસ્ટ મૅચ બીજા જ દિસે પૂરી થઈ ગઈ હતી, પણ ત્યાર બાદ કેપટાઉનની પિચ પર મોટી સંખ્યામાં પ્રશ્નો ઊઠ્યા હતા. જોકે ડિવિલિયર્સનું માનવું છે કે ‘કેપટાઉનની પિચમાં કોઈ વાંધો નહોતો. પિચ સારી જ હતી. કેપટાઉનની પિચ ઘણી સ્ટૉક-સ્ટેન્ડર્ડ વિકેટ હતી. જો તમે પહેલા દિવસે પહેલું સેશન સારી રીતે રમી શકતા હો તો તમારે માટે રમવું ઘણું સહેલું થઈ જાય. તમે એ મૅચ જોઈ હોય તો તમને ખ્યાલ આવશે કે જે બૅટ્સમૅન શૉટ સારી રીતે રમી રહ્યા હતા તેમને કોઈ તકલીફ પડી નહોતી. સહેલાઈથી તેઓ પોતાના શૉટ રમી રહ્યા હતા.


