Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: વારાણસીમાં શિવની થીમ પર બનશે સ્ટેડિયમ

News In Short: વારાણસીમાં શિવની થીમ પર બનશે સ્ટેડિયમ

21 September, 2023 07:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભગવાન શિવના શહેર વારાણસીમાં તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભોલેનાથની ઝલક જોવા મળશે. સ્ટેડિયમના ડોમમાં ડમરુ, ફ્લડ-લાઇટમાં ત્રિશૂળ અને પ્રવેશદ્વારમાં બિલિપત્ર જેવો આકાર જોવા મળશે

વારાણસીમાં શિવની થીમ પર બનશે સ્ટેડિયમ

વારાણસીમાં શિવની થીમ પર બનશે સ્ટેડિયમ


ભગવાન શિવના શહેર વારાણસીમાં તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભોલેનાથની ઝલક જોવા મળશે. સ્ટેડિયમના ડોમમાં ડમરુ, ફ્લડ-લાઇટમાં ત્રિશૂળ અને પ્રવેશદ્વારમાં બિલિપત્ર જેવો આકાર જોવા મળશે. વળી સમગ્ર સ્ટેડિયમની ડિઝાઇન અર્ધ-ચંદ્રાકાર જેવી હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ સપ્ટેમ્બરે વારાણસીના પ્રવાસ દરમ્યાન આ સ્ટેડિયમનું ભૂમિપૂજન કરશે. ગંજારી-રાજાતાલાબમાં બનનારા આ સ્ટેડિયમમાં ૩૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ક્રિકેટ-સ્ટેડિયમ ૩૦.૬ એકરમાં ફેલાયેલું હશે, જેની ક્ષમતા ૩૦,૦૦૦ દર્શકોની હશે. એમાં સાત પિચ હશે. બે વર્ષમાં એ બનીને તૈયાર થશે.

મહિલા હૉકી ટીમ ચીન જવા રવાનાચીનના હાંગઝાઉ રવાના થતા પહેલા ભારતીય મહિલા હૉકી ટીમના કૅપ્ટન સવિતાએ આશા વ્યકત કરી હતી કે એશિયન ગેમ્સમાં ટીમ સારુ પ્રદર્શન કરશે. તેમજ વર્લ્ડ કપ માટે ક્વૉલીફાય થશે. ભારતનો પુલ-એ માં સમાવેશ કરાયો છે. જેમાં કોરિયા, મલેશિયા, હૉન્ગકૉન્ગ ચીન અને સિંગાપોર જેવી ટીમો છે.  મંગળવારે મોડી રાત્રે ટીમ બૅન્ગલોરથી રવાના થઈ હતી. હૉકી ટુર્નામેન્ટો પ્રારંભ ૨૩ સપ્ટેમ્બરથી થશે. ભારત પોતાની પહેલી મૅચ ૨૭ સપ્ટેમ્બરના રોજ સિંગાપોર સામે રમશે.


૧૦૦ ગોલ કરીને મેસી અને રોનાલ્ડોની ક્લબમાં જોડાયો લેવાંડોસ્કી

બાર્સેલોનાનો ફુટબૉલ ખેલાડી રૉબર્ટ લેવાંડોસ્કી યુનિયન ઑફ યુરોપિયન ફુટબૉલ અસોસિએશન (યુઈએફએ) સ્પર્ધામાં ૧૦૦ ગોલ કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસીની ક્લબમાં જોડાયો હતો. તાજેતરમાં બાર્સેલોનાએ એન્ટવર્પ સામે ૫-૦થી મેળવેલા વિજયમાં તેણે પણ ફાળો આપ્યો હતો. પોલૅન્ડના આ ખેલાડીએ યુઈએફએ ચૅમ્પિયન્સ લીગમાં ૯૨ ગોલ અને યુઈએફએ યુરોપા લીગમાં ૮ ગોલ કર્યા છે. આ ક્લબમાં સૌથી વધુ ૧૪૧ ગોલ રોનાલ્ડોના છે તો મેસીએ ૧૨૯ ગોલ કર્યા છે.


સ્પેનની મહિલા પ્લેયરોએ નૅશનલ ટીમનો વિરોધ પાછો ખેંચી લીધો

સૉકર ફેડરેશનના માળખામાં તરત ફેરબદલ કરવા મામલે સરકારની મધ્યસ્થી બાદ સ્પેનની વર્લ્ડ ચૅમ્પિયન ટીમની ખેલાડીઓએ વિમેન્સ નૅશનલ ટીમના બહિષ્કારના આંદોલનનો અંત લાવ્યો હતો. તેમની વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવે એવી સરકારે ખાતરી આપતાં માત્ર બે ખેલાડીઓને બાદ કરતાં તમામ ખેલાડીઓ ટીમના ટ્રે​નિંગ કૅમ્પમાં ગઈ કાલે હાજર થઈ હતી. ગયા મહિને ઑસ્ટેલિયામાં વિજય મેળવ્યા બાદ સ્પેનના સૉકર ફેડરેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ લુઇસ રુબિયાલ્સે જેની હર્મોસોને સ્ટેજ પર લિપ કિસ કરી હતી. જેને લઈને મોટો વિવાદ થયો હતો. સૉકર ફેડરેશનના કયા-ક્યા ફેરબદલ કરવામાં આવશે એ  મામલે કોઈ વિગતો બહાર આવી નથી.

વિવાદની અફવાઓ વચ્ચે બાબરે આપી શાહીનના રિસેપ્શનમાં હાજરી

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કૅપ્ટન બાબર આઝમ અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વચ્ચે ભારે મતભેદ થયા હોવાની અફવાઓને પૂર્ણવિરામ આપતાં મંગળવારે બાબરે શાહીનનાં લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી તેમ જ યુગલોને શુભેચ્છા પાઠવી હતી. એશિયા કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શનને કારણે બાબર અને આફ્રિદી વચ્ચે તુંતુંમેંમે થઈ હોવાના સમાચારો હતો. ટીમ સુપર ફોર સ્ટેજમાં ચોથા ક્રમાંકે રહી હતી. સુપર ફોરમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકા સામે હારી હતી ત્યારે બાબરે તમામ ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને લઈને તેમની ઝાટકણી કાઢી હતી ત્યારે શાહીન આફ્રિદીએ જેમણે સારું પ્રદર્શન કર્યું હોય તેમની પ્રશંસા કરવા માટે કહ્યું હતું. જોકે બન્ને વચ્ચે બગડેલા સંબધોની વાતો ખોટી હોય એમ બાબરે શાહીન આફ્રિદીનાં લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી. શાહીને પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આ​ફ્રિદીની દીકરી અંશા આફ્રિદી સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેનાં લગ્ન આ વર્ષે ફેબ્રુઆરીમાં થયાં હતાં.

અં​તિમ પંઘાલે વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયનને આપી માત, પણ સેમી ફાઇનલમાં હારી

સર્બિયાના બેલગ્રેડમાં ચાલી રહેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપ સ્પર્ધામાં ભારતીય રેસલર અંતિમ પંઘાલે વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન ઑલિવિયા ડોમિનિક પૅરિશને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ સેમી ફાઇનલમાં એ બેલારૂસની વૅનીસા કૅલૅદઝિન્સક્યા સામે ૪-૫થી હારી ગઈ હતી. પૅરિસ ઑલિમ્પિકની ટિકિટ મેળવવા માટે તેણે બ્રૉન્ઝની મૅચમાં જીત મેળવવી જરૂરી છે. બે વખત અન્ડર ૨૦ ચૅમ્પિયન રહેલી અંતિમ પંઘાલ અમેરિકાની ખેલાડી સામે શરૂઆતમાં ૦-૨થી પાછળ હતી. જોકે ત્યાર બાદ તેણે શાનદાર વાપસી કરતાં ૫૩ કિલોગ્રામની કૅટેગરીના ઓપનિંગ રાઉન્ડમાં ૩-૨થી વિજય મેળવ્યો હતો. આ વિજય બાદ અંતિમે પૉલૅન્ડની રૉક્સાના માર્ટા ઝૅસિનાને ટેક્નિકલ સુપિરિયારિટીને આધારે વિજય મેળવ્યો હતો. ક્વૉર્ટર ફાઇનલ સ્પર્ધામાં તેણે રશિયાની નતાલિયા માલિશેવા સામે ૯-૬થી વિજય મેળવ્યો હતો.

સાઉધીના અંગૂઠાની આજે થશે સર્જરી

ન્યુ ઝીલૅન્ડના સિનિયર બોલર ટિમ સાઉધીના ઈજાગ્રસ્ત જમણા હાથના અંગૂઠા પર ગુરુવારે સર્જરી થવાની છે. તે વર્લ્ડ કપમાં રમશે કે નહીં, એ મામલે એક સપ્તાહ બાદ નિર્ણય લેવામાં આવશે. ગયા સપ્તાહે ઇંગ્લૅન્ડ સામેની ચોથી વન-ડેમાં કૅચ કરવાના પ્રયાસમાં એના જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. ન્યુ ઝીલૅન્ડના કોચ ગૅરી સ્ટેડે કહ્યું હતું કે એના જમણા અંગૂઠામાં કેટલીક પીન અને સ્કૂ નાખવામાં આવશે. ટિમ આ ઈજાને સહન કરી લેશે એવી આશા છે.’ વર્લ્ડ કપના ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ સામેની પહેલી મૅચ પહેલાં ન્યુ ઝીલૅન્ડ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપની વૉર્મ-અપ મૅચ ૨૯ સપ્ટેમ્બર અને બીજી ઑક્ટોબરે રમશે. કોચે કહ્યું હતું કે અમદાવાદમાં પાંચમી ઑક્ટોબરે અમે પહેલી મૅચ રમીશું. આમ અમારી પાસે નક્કી કરવા માટે ત્યાં સુધીનો સમય છે. ટિમ એક અનુભવી બોલર છે. વર્લ્ડ કપ માટે અમને એની જરૂર છે.’ આ વર્ષે આઇપીએલ દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલો કૅપ્ટન કેન વિલિયમસન પણ સાજો થઈ રહ્યો છે. એ પણ પહેલી મૅચમાં નહીં રમી શકે. ૨૮ સપ્ટેમ્બર પહેલાં ટીમોમાં ફેરબદલ કરી શકાશે, ત્યાર બાદ કોઈ પણ ફેરબદલ માટે આઇસીસીની મંજૂરી લેવી જરૂરી છે. ન્યુ ઝીલૅન્ડ આજથી બંગલાદેશ સામે ત્રણ મૅચોની સિરીઝ રમશે, જેમાં વર્લ્ડ કપની ટીમના પાંચ ખેલાડીઓ છે. બાકીના ખેલાડીઓ ભારત આવશે.

હરમનપ્રીત અને લવલીના હશે ભારતના ધ્વજવાહક

શનિવારે ચીનના હાન્ગજોમાં યોજાનાર એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં હૉકી કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને બૉક્સર લવલીના બોર્ગેઇન ભારતના ધ્વજવાહક બનશે. એશિયાડમાં થનારી કુલ ૬૧ સ્પર્ધા પૈકી ૪૧મા કુલ ૬૫૫ ઍથ્લીટ ભાગ લેશે. અલગ-અલગ ૫૬ સ્થળોએ આ સ્પર્ધા થશે તેમ જ કુલ ૪૮૧ ગોલ્ડ જીતવા માટે રમતવીરો એડીચોટીનું જોર લગાડશે. ડીડી સ્પોર્ટ્સ અને સોની સ્પોર્ટ્સ પર કેટલીક સ્પર્ધાનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

વર્લ્ડ કપનું થીમ સૉન્ગ ‘દિલ જશ્ન બોલે હૈ’ રિલીઝ

પાંચમી ઑક્ટોબરથી ભારતમાં વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. એ પહેલાં ગઈ કાલે આઇસીસી દ્વારા વર્લ્ડ કપ ઍન્થમ રિલીઝ કર્યું હતું, જેનું નામ ‘દિલ જશ્ન બોલે હૈ’ આપ્યું છે. જેમાં અભિનેતા રણવીર સિંહ છે. યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ એમાં નજરે પડે છે. યુઝવેન્દ્ર ચહલની પસંદગી વર્લ્ડ કપની ટીમમાં થઈ નથી. વર્લ્ડ કપનું આ ગીત સંગીતકાર પ્રીતમ, નકાશ, અઝીઝ, શ્રી રામા ચંદ્ર અમિત મિશ્રા, જોનિતા ગાંધી, અકાશા અને ચરણે ગાયું છે; જેમાં એક ચાલતી ટ્રેનમાં બધા ગીત ગાતા હોય એવું દૃશ્ય ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીત શ્લોક લાલ અને સાવેરી વર્માએ લખ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2023 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK