IPLની પોતાની ડેબ્યુ સીઝનમાં અમીટ છાપ છોડી ચૂકેલા ૧૪ વર્ષના બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ આગામી સીઝનમાં વધુ સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે.
વૈભવ સૂર્યવંશી
IPLની પોતાની ડેબ્યુ સીઝનમાં અમીટ છાપ છોડી ચૂકેલા ૧૪ વર્ષના બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ આગામી સીઝનમાં વધુ સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. ૧૪ વર્ષના વૈભવે સુપર સ્ટ્રાઇકર ઑફ ધ સીઝનનો અવૉર્ડ જીત્યા બાદ IPLના એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘IPLમાં રમવું એ દરેક માટે સ્વપ્ન જેવું છે અને મને મારી પહેલી સીઝનમાંથી ઘણી સકારાત્મક બાબતો મળી અને મેં એ પણ શીખ્યું કે આગામી સીઝનમાં હું ટીમ માટે શું કરી શકું છું.’
IPLની સાત મૅચમાં ૨૫૨ રન ફટકારનારો રાજસ્થાન રૉયલ્સના આ ઓપનરે કહ્યું હતું કે ‘આગામી વર્ષે હું એ ક્ષેત્રો પર કામ કરીશ જ્યાં મેં ભૂલો કરી હતી અને ટીમ માટે વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ. મારા માટે બોધપાઠ એ છે કે મારે વર્તમાન પ્રદર્શનથી બેગણું સારું પ્રદર્શન કરવું પડશે જેથી મારી ટીમ આવતા વર્ષે ફાઇનલમાં રમી શકે. હું એના પર ધ્યાન કેન્દ્રિત કરીશ કે હું આવતા વર્ષે ટીમમાં કેટલું યોગદાન આપી શકું છું.’
વૈભવ સૂર્યવંશીના પ્રદર્શનને કારણે તેને મુંબઈના ૧૭ વર્ષના આયુષ મ્હાત્રે સાથે ઇંગ્લૅન્ડની આગામી મલ્ટિ-ફૉર્મેટ ટૂર માટે ભારતની અન્ડર-19 ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો છે.

