Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > સુદર્શન ચૂર્ણ એ માત્ર તાવની દવા જ નહીં, ઓવરઑલ હેલ્થ-ટૉનિક પણ છે

સુદર્શન ચૂર્ણ એ માત્ર તાવની દવા જ નહીં, ઓવરઑલ હેલ્થ-ટૉનિક પણ છે

Published : 19 August, 2012 07:30 AM | IST |

સુદર્શન ચૂર્ણ એ માત્ર તાવની દવા જ નહીં, ઓવરઑલ હેલ્થ-ટૉનિક પણ છે

સુદર્શન ચૂર્ણ એ માત્ર તાવની દવા જ નહીં, ઓવરઑલ હેલ્થ-ટૉનિક પણ છે


આયુર્વેદનું A 2 Z  


અત્યારે પણ ૮૦-૯૦ વર્ષેય કડેધડે સ્વાસ્થ્ય ધરાવતા વડીલોને પૂછીશું કે તમારા સ્વાસ્થ્યનું રાઝ શું? તો કદાચ ૫૦ ટકા પાસેથી જવાબ મળશે સુદર્શન ચૂર્ણ. નવી પેઢીને હજી આ કડવા ચૂર્ણના મીઠા ગુણ સમજાયા નથી એટલે તેનો વપરાશ સાવ ઘટી ગયો છે. કોઈ વડીલ સુદર્શનની ફાકી લેવાની સલાહ આપે તોય ન છૂટકે ક્યારેક લે છે. જોકે એક વાત સ્વીકારવી પડશે કે મોટા ભાગના લોકો હવે સુદર્શન ચૂર્ણ એટલે તાવની દવા એવો સંકુચિત અર્થ જ સમજે છે, પણ એવું નથી. હકીકતમાં એ ઓવરઑલ સ્વાસ્થ્ય માટેનું ટૉનિક પણ છે.



ભાદરવો અને આસો મહિનામાં શરીરમાં ઝીણો-ઝીણો તાવ વારંવાર આવવો, મલેરિયા થવો, તાવને કારણે શરીરમાં કળતર થવી જેવી તકલીફો ખૂબ જ કૉમન છે. આ સમયની જ્વરની તકલીફોમાં સુદર્શન ચૂર્ણ ઉત્તમ બની રહે. ઍલોપથીની ગોળીથી ઝટપટ તાવ ઉતારી દેવાની આદત આપણને પડી ગઈ છે, પણ ખરેખર એનાથી શરીરનું ટેમ્પરેચર જ ઓછું થાય છે, પરંતુ શરીરમાં તાવ પેદા કરનારાં કારણોનો નાશ નથી થતો.


ભગવાન શ્રીકૃષ્ણનું વિશિષ્ટ આયુધ સુદર્શન ચક્ર જેમ દુષ્ટોના સંહાર માટે સમર્થ છે એમ આ ચૂર્ણ પણ અનેક રોગોના નાશ માટે એટલું જ અસરકારક છે. તાવ ઉપરાંત પાંડુ, કમળો, હૃદયરોગ, ડાયાબિટીઝ, લોહીના વિકારો, ચક્કર જેવી તકલીફો માટે પણ સુદર્શન ચૂર્ણ ખૂબ ઉપકારક છે. ઝીણા અને જૂના વિષમજ્વર માટે સુદર્શન જેવું અક્સીર બીજું કોઈ નહીં હોય. કદાચ ખૂબ હાઇ ગ્રેડ ફીવર ચડ્યો હોય ત્યારે તાવ ઉતારવા માટે એ ભલે કદાચ આ ચૂર્ણ કામ ન આપે, પણ એ જ્વરને શરીરમાંથી જડમૂળથી કાયમ માટે વિદાય આપવા સક્ષમ છે. ચાતુર્માસ દરમ્યાન રોજ સવારે અને સાંજે એક-એક ચમચી સુદર્શન ચૂર્ણ રોજ લેવાથી ટાઢિયો તાવ એટલે કે મલેરિયા, કમળો અને ચામડીના રોગોથી પ્રોટેક્શન મળે છે.

આ સુદર્શન ચૂર્ણ છે શું? આ કોઈ એકલ-દોકલ વનસ્પતિ નથી, પણ પૂરાં ૫૪ ઔષધદ્રવ્યોના મિશ્રણથી બનેલી અદ્વિતીય આયુર્વેદિક ઔષધ છે. એક-એકથી ચડિયાતાં કાષ્ટ તેમ જ રસ ઔષધો એમાં ભેગાં કરવામાં આવે છે. એમાં મુખ્ય ભાગ કરિયાતુંનો હોય છે. કરિયાતા કરતાં ચડિયાતું તાવનું ઔષધ આયુર્વેદમાં બીજું કોઈ નથી એવું કહેવાય છે. લોકોને સુદર્શન ચૂર્ણ કડવું લાગે છે એટલે લેવાનું ભાવતું નથી, પણ હકીકતમાં આ જ કડવાશને કારણે તે વિષમજ્વર, પિત્તજ્વર કે ર્જીણજ્વર જેવા તમામ પ્રકારના તાવને દૂર ભગાડે છે.


સુદર્શન ચૂર્ણની સાથે હવે તો બજારમાં ટીકડીઓ પણ તૈયાર મળે છે. ટીકડીઓ ગળવામાં સરળ લાગે, પણ ચૂર્ણ જેટલી અસરકારક નથી હોતી. બીજું, આયુર્વેદમાં કોઈ પણ કાષ્ટ ઔષધ હોય એ જેમ-જેમ જૂનું થતું જાય એમ એની અસરકારકતા ઘટતી જાય છે. એટલે સુદર્શન ચૂર્ણમાં વપરાયેલાં કાષ્ટ ઔષધો ફ્રેશ હોય એ જરૂરી છે. બજારમાં મળતા બ્રૅન્ડેડ ચૂર્ણમાં મોટા ભાગે પૂરેપૂરાં ૫૪ દ્રવ્યો નથી હોતાં. જો તૈયાર ચૂર્ણ લાવવું હોય તો એ દવા વધુમાં વધુ બે મહિના પહેલાં બની હોય એ જરૂરી છે અને ત્રણ મહિના જૂનું થાય એ પહેલાં ચૂર્ણ વાપરી લેવું જોઈએ. નહીંતર એની અસરકારકતા ઘટી જાય છે.

લેતી વખતે રાખવાની કાળજી

ઘણી વાર એવું જોવા મળ્યું છે કે રોજેરોજ સુદર્શન ચૂર્ણ લેવાથી બ્લડપ્રેશર અને બ્લડશુગરમાં ઘણો જ ઘટાડો થાય છે. જો આવી તકલીફ તમને થતી હોય તો રોજ એક ગ્લાસ લીંબુ-પાણી સાકર અને સિંધવ નાખીને લેવું જોઈએ.

સુદર્શન ચૂર્ણનાં ૫૪ દ્રવ્યો

તમે જાતે જ જો આ ચૂર્ણ બનાવી લેવા માગતા હો તો આ રહ્યાં એનાં દ્રવ્યો : હરડે, બહેડાં, આમળાં, હળદર, દારુહળદર, કટેરી, મોટી કટેરી, કપૂર, સૂંઠ, મરી, પીપર, પીપરીમૂળ, મુર્વા, ગળો, ધમાસો, કુટકી, પિત્તપાપડો, નાગરમોથ, ત્રાયમાણ, વાળો, નીમછાલ, પુષ્કરમૂળ, જેઠીમધ, કુડાની છાલ, અજમો, ઇન્દ્રજવ, ભારંગી, સહીજનના બીજ, સૌરાષ્ટ્રી, વચા, તજ, પ¥ાક, ઉશીર, ચંદન, અતિવિષ, ખરેટીના મૂળ, શાલપર્ણી, વાવડિંગ, પૃષ્ણપર્ણી, તગર, ચિત્રકમૂળ, દેવદારુ, ચવ, પટોલપત્ર, જીવક, •ષભક, લવિંગ, વંશલોચન, કમળ, કાકોલી, તમાલપત્ર, ચમેલીનાં પાન, તાલીસપત્ર અને કરિયાતું.      

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2012 07:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK