Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > તમે માટી, વાળ, બલ્બ, સાબુ લોખંડની ખીલી, ખાઓ છો?

તમે માટી, વાળ, બલ્બ, સાબુ લોખંડની ખીલી, ખાઓ છો?

Published : 27 April, 2014 07:48 AM | IST |

તમે માટી, વાળ, બલ્બ, સાબુ લોખંડની ખીલી, ખાઓ છો?

તમે માટી, વાળ, બલ્બ, સાબુ લોખંડની ખીલી, ખાઓ છો?





મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

આપણે બધા જ જાણીએ છીએ કે બાલ્યાવસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની લીલાના ભાગરૂપે માટી ખાઈ યશોદામૈયાને પોતાના મોઢામાં સમગ્ર બ્રહ્માંડનાં દર્શન કરાવ્યાં હતાં. આ જ કારણસર આજની તારીખમાં પણ વૈષ્ણવ સંપ્રદાયમાં ચરણામૃત નામે ઓળખાતી વþજભૂમિની માટી ખાવાની પ્રથા છે. જોકે આ તો ભગવાન શ્રીકૃષ્ણ હતા એટલે... અન્યથા આજના આધુનિક યુગમાં કોઈ બાળક આવી રીતે માટી ખાવાની ગુસ્તાખી કરે તો ડૉક્ટરો તેનામાં આયર્ન કે કૅલ્શિયમની ખામી હોવાનું જણાવી ઇન્જેક્શન કે દવાઓનો લાંબો ર્કોસ લખી આપે. બાળકોમાં અને ક્યારેક મોટાઓમાં પણ માટી કે ચૉક કે પાટીપેન ખાવાની આ આદત પાઇકા નામની બીમારી તરીકે ઓળખાય છે. આ શરીરની સાથે-સાથે મનનો પણ રોગ છે. જોકે આ કોઈ નવી વાત નથી. આપણી આસપાસ આપણે ઘણાં બાળકો અને ક્યારેક મોટાઓને પણ આ રીતની વર્તણૂક કરતા જોઈએ છીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ રોગનો ભોગ બનેલા કેટલાક દરદીઓ માટી કે ચૉક જ નહીં; કાચ, સાબુ, માથાના વાળ, પેન્સિલથી લખેલું ભૂંસવા માટે વપરાતું ઇરેઝર, લોખંડની ખીલીઓ, ગાદી કે સોફા બનાવવામાં વપરાતું ફોમ વગેરે જેવી તદ્દન વિચિત્ર વસ્તુઓ એટલા ટેસ્ટથી આરોગી જાય છે જાણે કોઈ અત્યંત સ્વાદિક્ટ વાનગી જ ન હોય!

હ્યુમન ઑસ્ટ્રિચ

મનોવૈજ્ઞાનિકોએ આવા દરદીઓ માટે હ્યુમન ઑસ્ટ્રિચ જેવો શબ્દ પણ તૈયાર કર્યો છે, કારણ કે જેમ ઑસ્ટ્રિચ એટલે કે શાહમૃગ નામનું પક્ષી પ્લાસ્ટિકથી માંડી લોખંડ સુધીની કોઈ પણ વસ્તુ ખાઈ જઈ પેટમાં એનો ખોરાક દળવાની ચક્કીરૂપે ઉપયોગ કરે છે એવી જ રીતે આ રોગના કેટલાક દરદીઓ માટે સિગારેટની રાખથી માંડી પેટ્રોલ, દરિયા કે નદીની રેતી સુધી કશું જ વજ્ર્ય હોતું નથી. આ વિચિત્ર વ્યવહાર પાછળનું મૂળભૂત કારણ સમજાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘પાઇકા નામની બીમારીથી પીડાતા લોકો પોષણરહિત અખાદ્ય પદાર્થો ખાવાના બંધાણી હોય છે. આવા લોકો પ્રમાણમાં ઓછા નુકસાનકર્તા બરફથી માંડી દીવાલ પરથી ઊખડી ગયેલા પેઇન્ટના ટુકડા સુધીની માનવામાં ન આવે એવી વસ્તુઓ ખાવા ટેવાયેલા હોય છે. તેમની આ આદત તેમના સ્વાસ્થ્ય સામે ગંભીર સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. સામાન્ય રીતે આ ડિસઑર્ડર બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં વધુ જોવા મળે છે; જેમાં શરૂઆતના મૂળ કારણ તરીકે શરીર માટે આવશ્યક લોહતત્વ, કૅલ્શિયમ અથવા ટ્રેસ એલિમેન્ટ્સ તરીકે ઓળખાતાં ઝિન્ક, સિલેનિયમ, મૅગ્નેશિયમ, મૅન્ગેનીઝ તથા મોલિબ્ડેનિયમ જેવાં ખનીજ તત્વોની ઊણપ જવાબદાર હોય છે. સામાન્ય રીતે દવાઓ તથા યોગ્ય પોષણયુક્ત ખોરાક આપવાથી કેટલાક મહિનાઓમાં તેમની આ આદત આપોઆપ છૂટી જાય છે, પરંતુ કેટલીક વાર આ દરદીઓ આવા પોષણરહિત અખાદ્ય પદાર્થો ખાવા માનસિક રીતે એટલા મજબૂર બની જાય છે કે પાચનતંત્ર માટે ચીજ સાવ નકામી હોવાનું જાણવા છતાં પોતાની આદત છોડી શકતા નથી. પરિણામે શરીરથી શરૂ થયેલો આ રોગ આગળ જતાં માનસિક બીમારી બની જાય છે. બીજી બાજુ જેઓ કાચ કે રબર વગેરે જેવા અત્યંત વિચિત્ર પદાર્થોના બંધાણીઓ હોય છે તેઓ એ વસ્તુના ટેક્ચરને એન્જૉય કરતા હોય છે અને માત્ર પોતાની આદતથી મજબૂર હોય છે.’

આ રોગનો ભોગ બીજું કોણ બની શકે?

ઉપર જણાવ્યું એમ સામાન્ય રીતે નાનાં બાળકો તથા ગર્ભવતી મહિલાઓમાં આવી આદતો વધુ જોવા મળે છે. એક અંદાજ મુજબ દુનિયાભરમાં લગભગ ૨૬ ટકા બાળકોમાં આ રોગનાં લક્ષણો જોવા મળે છે. અલબત્ત, સ્કિઝોફ્રેનિયા તથા ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર જેવા ડેવલપમેન્ટલ ડિસઑર્ડરથી પીડાતા લોકો પણ ક્યારેક પાઇકાનો ભોગ બની શકે છે. આવા દરદીઓની આદત વધુ ગંભીર હોવાને કારણે  કે તેમની સારવાર પણ ખૂબ વિકટ બની જાય છે. આ સિવાય ક્યારેક ડાયટિંગ કરનારા કે કુપોષણથી પીડાતા લોકો પણ પાઇકાનો શિકાર બને છે, કારણ કે તેમને આવા અખાદ્ય પદાર્થોના સેવનથી પેટ ભરાયાનો સંતોષ મળે છે. મનોવિજ્ઞાને બાળપણનાં મહત્વનાં વર્ષોમાં માતાની ગેરહાજરી, પારિવારિક સમસ્યાઓ, વાલીઓ તરફથી થતી ઉપેક્ષા, ગર્ભાવસ્થા, ગરીબી જેવી માનસિક તાણ ઊભી કરતી પરિસ્થિતિઓ પણ ક્યારેક પાઇકાનું કારણ બનતી હોવાનું શોધી કાઢ્યું છે.

સમસ્યા એક, કૉમ્પ્લિકેશન્સ અનેક

અલબત્ત, તેમની આ આદત તેમની સામે ક્યારેક જીવનું જોખમ પણ ઊભું કરી શકે છે. કાંદિવલી ખાતેના જાણીતા ડૉ. દિલીપ રાયચુરા કહે છે, ‘માટી ખાનારાઓને ખબર નથી હોતી કે જે માટી તેઓ ખાઈ રહ્યા છે એમાં આપણે જેમને વૉમ્સર્‍ અથવા કૃમિ તરીકે ઓળખીએ છીએ એનાં ઈંડાં પણ રહેલાં હોય છે. માટી ખાવાથી એ ઈંડાં પેટમાં જાય છે, જ્યાં તેમનાં બચ્ચાંનો જન્મ થાય છે. આગળ જતાં આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી મળતાં પોષક તત્વો ચૂસી એ હૃક્ટપુક્ટ બને છે અને વધુ બચ્ચાંને જન્મ આપે છે. આમ આપણું પેટ એમના માટે મહેલની ગરજ સારવા માંડે છે. સૌથી પહેલાં તો આ કૃમિને કારણે શરીર સુધી પોષક તત્વો પહોંચતાં જ નથી અને વ્યક્તિ કુપોષણનો ભોગ બને છે. વધુમાં તેમના કારણે પેટમાં ઇન્ફેક્શન થતાં ઝાડા, ઊલટી તથા પેટના દુખાવા જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ક્યારેક આ વૉર્મ્સનું પેટમાં ગૂંચડું થઈ જાય તો આંતરડાંમાં અવરોધ પણ ઊભો થઈ શકે છે, જે કાઢવા ઑપરેશન સુધીની નોબત પણ આવી શકે છે. એવાં પણ કેટલાંક વૉર્મ્સ છે જે આપણાં આંતરડાંમાંથી લોહી ચૂસી આપણને એનીમિક બનાવી દે છે. આમાંનું કોઈ એકાદ વૉર્મ પ્રવાસ કરતાં-કરતાં આંખ, મગજ કે હૃદય સુધી પહોંચી જાય તો નવી જ ઉપાધિ ઊભી થાય છે. આ સિવાય દીવાલ પરથી ઊખડી ગયેલું પેઇન્ટ ખાનારા પાઇકાના દરદીઓમાં લેડ પૉઇઝનિંગ સામાન્ય બાબત છે. એ પેઇન્ટમાં રહેલું લેડ એટલે કે સીસું પેટમાં જતાં પેટમાં ઇન્ફેક્શન થવાથી માંડી પેટમાં દુખાવો થવો, ઝાડા થવા, હાડકાંની અંદર રહેલા બોન મૅરો નામના પ્રવાહીને નુકસાન થતાં એનીમિયા થવો વગેરે જેવી શક્યતા રહે છે. આ સિવાય આવા અખાદ્ય પદાર્થો ખાવાથી પેટમાં એનું પાચન ન થતાં ભરાવો થઈ જવો, આંતરડાંમાં અવરોધ ઊભો થવો, પથરીની સમસ્યા નિર્માણ થવી વગેરે જેવી મુશ્કેલીઓની સંભાવના તો હંમેશાં રહે જ છે. એમાંય જો આમાંનો કોઈ પદાર્થ ધારદાર હોય તો પેટની અંદરની ત્વચા ચિરાઈ જતાં આંતરિક રક્તસ્રાવ પણ થઈ શકે છે. સમજી શકાય છે કે આ મુશ્કેલીઓ ક્યારેક જીવનું જોખમ પણ નિર્માણ કરી શકે છે.

મૈં જો કહૂંગા, સચ કહૂંગા

કોઈ પણ દરદી પર પાઇકાનું લેબલ લગાડતાં પહેલાં તેણે ઓછામાં ઓછું એક મહિનો આવા કોઈ અખાદ્ય પદાર્થનું સેવન કર્યું હોવું આવશ્યક છે. પાઇકાનું કોઈ ચોક્કસ નિદાન હજી સુધી શોધી શકાયું નથી, તેથી તમારે જ વફાદારીપૂવર્‍ક ડૉક્ટર સમક્ષ ખાધેલી સામગ્રીની કબૂલાત કરવી રહી. વધુમાં વધુ ડૉક્ટર તમારી બ્લડ-ટેસ્ટ તથા અન્ય ટેસ્ટ દ્વારા આયર્ન, કૅલ્શિયમ તથા અન્ય ખનિજ તત્વનું લેવલ ચેક કરી શકે છે. આવા કોઈ પોષક તત્વની ઊણપ સપ્લિમેન્ટ્સ તથા પોષણયુક્ત આહારથી સરળતાથી દૂર કરી શકાય છે. આ આદતને પગલે કોઈ ગંભીર સમસ્યા નિર્માણ થઈ હોય તો એનો ઇલાજ કરવો પડે છે, જેમાં દવાથી માંડી ઑપરેશન સુધી સારવારનાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવો પડી શકે છે. આ બધું કર્યા બાદ પણ આદત ન છૂટે તો દરદીને મનોચિકિત્સક પાસે જવાનું કહેવામાં આવે છે, જેઓ કાઉન્સેલિંગથી માંડી હિપ્નોથેરપી જેવી ચિકિત્સા પદ્ધતિઓની મદદથી દરદીને આ આદતમાંથી કાયમી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

પાઇકાના પ્રકાર

વૈજ્ઞાનિકોએ દરદીઓ દ્વારા ખવાતા પદાર્થોને આધારે પાઇકાના વિભાગ પાડી એને વિવિધ નામો આપ્યાં છે, જે નીચે મુજબ છે :

(૧) અમાઇલોફેજિયા (Amylophagia) : સ્ટાર્ચનું સેવન

(૨) જિયોફેજી (Geophagy) : માટી, ચૉક કે પાટીપેનનું સેવન

(૩) હાયલોફેજિયા (Hyalophagia) : કાચનું સેવન

(૪) લિથોફેજિયા (Lithophagia) : પથ્થરોનું સેવન

(૫) મ્યુકોફેજિયા (Mucophagia) : મ્યુકસનું સેવન

(૬) ઓડોવા (Odowa) : ગર્ભવતી મહિલાઓ દ્વારા ચણાવાળાને ત્યાં મળતા ભૂતડો નામના નરમ પથ્થરનું સેવન

(૭) પેગોફેજિયા (Pagophagia) : બરફનું સેવન

(૮) ટ્રાઇકોફેજિયા (Trichophagia) : માથાના વાળ અથવા ઊનનું સેવન

(૯) યુરોફેજિયા (Urophagia) : પેશાબનું સેવન

(૧૦) ઝાઇલોફેજિયા (Xylophagia) : લાકડું અથવા કાગળનું સેવન

વિચિત્ર વસ્તુઓ ખાવાના જાહેર શો

મોટા ભાગના પાઇકાના દરદી પોતાની વિચિત્રતાથી વાકેફ હોવાથી બને ત્યાં સુધી લોકોની નજરોથી દૂર છુપાઈને આ આદતને પોષતા હોય છે, પરંતુ દુનિયામાં કેટલાક એવા વિરલાઓ પણ થઈ ગયા છે જેઓ આવા અખાદ્ય પદાર્થો ખાવાના જાહેર શો કરી પ્રસિદ્ધિ અને પૈસા બન્ને કમાયા છે.

આવા લોકોની યાદીમાં સૌથી પહેલું નામ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા અમેરિકન હેન્રી હૅરિસનનું આવે છે. કાર્યક્રમ દરમ્યાન પ્રેક્ષકો પૉકેટ-નાઇફ, ખીલી, સ્ક્રૂ, કાચ, હેરપિન વગેરે જે કોઈ વસ્તુ સ્ટેજ પર ફેંકે એ બધાના દેખતા તે ગળી જતો.

લગભગ એ જ અરસામાં અમેરિકામાં બીજો એક જૉન ફેસેલ નામનો માણસ પણ થઈ ગયો; જે ખીલી, ચાવી, વીંટી, હેરપિન, ચેઇન વગેરે જેવી વસ્તુઓ જાહેરમાં ખાવા માટે જાણીતો હતો.

૧૯૫૮માં કૅલિફૉર્નિયામાં જન્મેલો ટૉડ રૉબિન્સ ઇલેક્ટ્રિસિટીના બલ્બ ખાઈ-ખાઈને ખ્યાતિ પામ્યો છે. જોનારને બલ્બ સાચો હોવાનું બતાવવા માટે પહેલાં એ તેને વીજળીના સૉકેટમાં ભરાવીને પ્રકાશિત કરતો અને પછી કાચનો ભાગ છૂટો પાડી ખાઈ જતો. કહેવાય છે કે પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન ટૉડ આવા ૪૦૦૦ બલ્બ ઓહિયાં કરી ગયો છે. બલ્કે એક વાર તો એક જ દિવસમાં ૨૧ બલ્બ ખાઈ ગયો હતો. ટૉડ હજી પણ જીવિત છે અને ન્યુ યૉર્કના એક જાણીતા કાર્યક્રમમાં આજેય પર્ફોર્મ કરે છે.

૧૯૫૦માં ફ્રાન્સમાં જન્મેલો મિશેલ લોતિતો નામના માણસે માત્ર ૧૬ વર્ષની ઉંમરે આવા સ્ટેજ-શો આપવાનું શરૂ કરી દીધું હતું. મિશેલ રોજની એક કિલોના હિસાબે મેટલમાંથી બનેલી ભાત-ભાતની વસ્તુઓ ખાઈ જતો. પેટમાં ગયેલા આ મેટલના ટુકડા બીજા દિવસે સરળતાથી શરીરની બહાર ફેંકાઈ જાય એ માટે તે આવી વસ્તુઓ ખાતાં પહેલાં ખૂબ બધું તેલ પી જતો. સ્ટેજ પર પોતાની ૩૮ વર્ષની સક્રિય કારકિર્દી દરમ્યાન મિશેલ લગભગ ૪૦૦ મીટર લાંબી પોલાદની સાંકળ, ૧૮ બાઇસિકલ, ૬ ઝુમ્મરો, ૭ ટીવી, શૉપિંગ મૉલની ૧૫ ટ્રૉલી, ૨ પલંગ, ૧ શબપેટી તથા ૧૯૭૮-૮૦ના સમયગાળા દરમ્યાન ટુકડે-ટુકડે કરીને સેસના-૧૫૦ નામનું એક આખું સિંગલ-સીટર વિમાન ખાઈ ગયો હતો. આવી અસામાન્ય ઍપેટાઇટને પગલે લોકો તેને મિસ્ટર ઈટ્સ ઑલના નામે પણ બોલાવતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2014 07:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK