ઠંડક ને સ્વાસ્થ્ય બન્ને આપે એવું ષડંગ પાણી

આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી
ગરમીમાં ખૂબ પસીનો થાય છે અને ડીહાઇડ્રેશનને કારણે આપણે અનાયાસ ઠંડાં પીણાંઓ પીવા દોરવાઈએ છીએ. ગળ્યાં, કાર્બોનેટેડ અથવા તો એસેન્સવાળાં પીણાં પીધા પછીયે તરસ છીપતી નથી. મુંબઈ જેવા ભેજવાળા વાતાવરણમાં વધુ પાણી પીવાથી વધુ પસીનો થાય છે અને શરીરમાંથી મિનરલ્સ પસીના વાટે નીકળી જતાં હોવાથી વીકનેસ અને લો બ્લડ-પ્રેશરની સમસ્યા વધે છે.
ઉનાળાની ગરમીમાં પણ શરીરનું તાપમાન જળવાય અને વધારાની ગરમી પસીના વાટે નીકળીને શરીર ફ્રેશ ફીલ કરે એ માટે આયુર્વેદના અષ્ટાંગહૃદય નામના શાસ્ત્રમાં ષડંગ પાણીનો ઉલ્લેખ થયો છે. છ દ્રવ્યોનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવેલું આ પાણી શરીરની આંતરિક કૂલિંગ સિસ્ટમને જાળવે છે એટલું જ નહીં, પિત્તને લગતી નાની-મોટી સમસ્યાઓને પણ નિવારે છે.
ષડંગ પાણી શું છે?
મુસ્તા એટલે કે નાગરમોથ, પર્પટ એટલે કે પિત્તપાપડો, ઉશીર એટલે કે ખસના વાળા, શ્વેત ચંદન, ઉદિચ્ય એટલે કે સુગંધી વાળો અને નાગર એટલે કે સૂંઠ એમ છ દ્રવ્યોને પલાળીને તૈયાર કરાયેલું પાણી એટલે ષડંગ પાણી હવે તો કેટલીક ફાર્મસીઓ ષડંગ પાણી માટેનું કૉન્સન્ટ્રેટેડ અર્ક જેવું તૈયાર કરીને વેચે છે. અર્કની સાંદ્રતા અનુસાર ૨૦થી પચીસ મિલીલીટર જેટલું ષડંગ પાણી સાદા ૨૫૦ મિલીલીટર પાણીમાં મેળવીને લેવાનું હોય છે. જોકે આ પાણી ઘરે તૈયાર કરવાની વિધિ પણ અત્યંત સરળ છે. જો રોજનું એક લિટર પાણી બનાવવું હોય તો ઉપરોક્ત છ દ્રવ્યોનું ચૂર્ણ એક-એક નાની ચમચી જેટલું લેવું. રાતના સૂતાં પહેલાં એને પાણીમાં પલાળી લેવું. બીજા દિવસે સવારે આ પાણીને કપડાથી ગાળીને ચૂર્ણનો કચરો ફેંકી દેવો અને પાણી માટલીમાં ભરી લેવું. કુદરતી રીતે માટલીમાં ઠરેલા આ પાણીમાં ઉપરોક્ત દ્રવ્યોની માઇલ્ડ ફ્લેવર આવી ગઈ હશે. દિવસમાં સમયાંતરે આ પાણી ઘૂંટડે-ઘૂંટડે પીવામાં આવે તો એ શરીરને બાહ્ય ગરમી સામે ટકી રહેવામાં મદદ કરે છે.
વિશિષ્ટ પાણીના ફાયદા શું?
ષડંગ પાણીમાં છ દ્રવ્યો પડે છે. આ છ દ્રવ્યોના ગુણધમોર્ જોઈએ તો સમજાઈ જશે કે એનાથી શરીરમાં શું ફાયદો થાય. નાગરમોથ ગરમીને કારણે થતા જુલાબ અટકાવે છે. લૂ લાગી જવાને કારણે જુલાબ થઈ જતા હોય તો એ નાગરમોથથી અટકે છે. આ દ્રવ્ય ફીમેલ ટૉનિક પણ છે. એ લોહી અને શરીરની શુદ્ધિનું કામ કરે છે. એ લોહીની વધારાની ગરમી કે પિત્તને શાંત કરીને શરીરને ઠંડક આપે છે. પિત્તપાપડો પિત્તનું શમન કરવા માટે જાણીતો છે. એ ત્વચાની બળતરા શાંત કરે છે અને વર્ણ સુધારે છે. સુગંધી વાળો અને ખસનો વાળો શીતળ દ્રવ્યો છે. એ પાણીને અનેરી સુગંધ આપવા સાથે કુદરતી રીતે ઠંડું બનાવે છે. એ થર્મલ મૉનિટરિંગનું કામ કરીને શરીરનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. બન્ને પ્રકારના વાળા પરસેવો લાવે છે એટલે ગરમીને કારણે તાવ ચડ્યો હોય તો એમાં પણ આ પાણી પીવાથી ખૂબબધો પસીનો છૂટીને તાવ જડમૂળમાંથી દૂર થાય છે. ચંદન આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારના સેવનથી ઠંડક આપનારું છે. એનાથી પણ પાણીને વિશિષ્ટ સુગંધ મળે છે અને એની ફ્લેવરવાળું પાણી પીધા પછી તૃપ્તિ ફીલ થાય છે. માથું ચડી ગયું હોય અથવા તો અત્યંત ગુસ્સાવાળો સ્વભાવ હોય તો ચંદન લસોટીને કપાળે ચોપડવાથી મગજ શાંત પડે છે.
છેલ્લું અને સૌથી અગત્યનું દ્રવ્ય છે સૂંઠ. એ શરીરમાં લોહીનું સક્યુર્લેશન સુધારે છે. સામાન્ય રીતે ગરમીમાં ડીહાઇડ્રેશન થવાને કારણે પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને બ્લડ-પ્રેશર ઘટી ગયું હોય એવું લાગે છે. સૂંઠ ઘટેલું બ્લડ-પ્રેશર ઊંચું લાવે છે. એ કુદરતી રીતે જ ઇમ્યુન સિસ્ટમ સુધારનારી છે અને ઍન્ટિ-બૅક્ટેરિયલ તેમ જ ઍન્ટિ-વાઇરલ છે એટલે આ સીઝનમાં થતા ચેપોથી શરીરને સુરક્ષાકવચ પૂરું પાડે છે. અલબત્ત, સૂંઠનું સેવન હાઈ બ્લડ-પ્રેશરના દરદીઓએ સંભાળીને કરવું જોઈએ. જો તમે નિયમિત બ્લડ-પ્રેશરની ગોળી લેતા હો તો ષડંગ પાણીમાં સૂંઠનો ઉપયોગ ન કરવો જોઈએ. હાઇપરટેન્શનના દરદીઓએ સૂંઠ સિવાયનાં પાંચ દ્રવ્યો મેળવીને એનું પાણી બનાવવું.
અન્ય ફાયદા
જેમને પસીનામાં દુર્ગંધની સમસ્યા હોય તેમના માટે પણ આ પાણી ઉત્તમ છે. એનાથી સ્વેદગ્રંથિઓ શુદ્ધ થઈને પસીનાની ગંધ ઓછી થાય છે.
પેશાબમાં બળતરા રહેતી હોય, ખૂબ કૉન્સન્ટ્રેટેડ પીળો પેશાબ થતો હોય તો આ પાણી છૂટથી પીવાથી બળતરા અને પીળાશ ઘટે છે.
આ પાણી પીવાથી ગરમી પસીના વાટે નીકળી જતી હોવાથી અળાઈ અને ફોલ્લીઓ થવાનું પ્રમાણ પણ ઘટે છે.
ચેતવણી
બહારના તૈયાર ષડંગ કષાયમાં સૂંઠની માત્રા હોય છે એટલે બ્લડ-પ્રેશરના દરદીઓએ એનું સેવન કરતી વખતે માત્રાની કાળજી રાખવી જરૂરી છે.


