Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > શું તમે વીર્યની ક્વૉલિટી અને ક્વૉન્ટિટીની ચિંતા કરો છો?

શું તમે વીર્યની ક્વૉલિટી અને ક્વૉન્ટિટીની ચિંતા કરો છો?

Published : 16 November, 2014 07:38 AM | IST |

શું તમે વીર્યની ક્વૉલિટી અને ક્વૉન્ટિટીની ચિંતા કરો છો?

શું તમે વીર્યની ક્વૉલિટી અને ક્વૉન્ટિટીની ચિંતા કરો છો?





સંબંધ-સરિતા - ડૉ. રવિ કોઠારી


કામસમસ્યાઓમાં પુરુષો માટે એક સૌથી મોટો સવાલ હોય છે વીર્યનો. મોટા ભાગના પુરુષો વીર્યને પોતાના પુરુષાતન સાથે જોડતા હોય છે. એટલે જ તેમને વીર્યની ક્વૉન્ટિટી અને રંગ-રૂપમાં આવતાં પરિવર્તનો વખતે ચિંતાનો પાર નથી રહેતો. વીર્ય વહાવી દેવાથી માણસ નબળો થઈ જાય છે એ માન્યતા હજીયે જુનવાણી વિચાર ધરાવતા પુરુષોમાં દૃઢ છે. કેટલીક ભ્રામક માન્યતાઓ છે કે - વીર્ય ખૂબ જ ઉપયોગી, અતિઉપયોગી ચીજ છે.

વીર્યનું સ્ખલન થવાથી માણસ વીક થઈ જાય છે, તેની શક્તિ ચાલી જાય છે, એનર્જી ખલાસ થઈ જાય છે, સત્વ ઘટી જાય છે વારંવાર વીર્ય વહી જવાથી વ્યક્તિનું ઓજ, તેજ ખલાસ થઈ જાય છે વીર્યસ્ખલન થઈ જવાથી વ્યક્તિ જલદી બુઢ્ઢી થઈ જાય છે અને આયુષ્ય ઘટી જાય છે.

કિશોરાવસ્થામાં હસ્તમૈથુન કરીને વીર્ય વહાવવાથી ખીલ થાય.

વધુપડતું વીર્ય વહાવી દેવાથી બૉડી પાતળું રહી જાય.

જો આ બધી માન્યતાઓ એક ભ્રમ હોય તો ખરેખર વીર્ય છે શું? સેક્સ-લાઇફમાં એનું કેટલું અને કેવું મહત્વ છે? એ બધા વિશેની પ્રાથમિક જાણકારી તમામ પુરુષોને હોવી જરૂરી છે.

કુદરતી શારીરિક પ્રવાહી

વીર્ય નીકળવું એ સાહજિક અને સામાન્ય શારીરિક ક્રિયા છે. પેશાબ, થૂંક, આંસુ, મળ કે નાકમાંથી નીકળતા લીંટ જેવું જ એ એક નૅચરલ પ્રવાહી છે. આ બધી ચીજો શરીરમાંથી બહાર નીકળતી રોકી નથી શકાતી. વ્યક્તિ રોકવાનો પ્રયત્ન કરે તો પણ એ પોતાની મેળે બહાર નીકળી જાય છે.  વીર્ય નીકળી જવાથી ખલાસ નથી થઈ જતું. બન્ને અંડકોષમાં વીર્ય સતત બનતું જ રહે છે. અન્ય ઉત્સર્ગદ્રવ્યોની જેમ વીર્યને પણ શરીરમાં સંઘરી નથી શકાતું.

વીર્યનો મુખ્ય ઉપયોગ માત્ર અને માત્ર ગર્ભધારણ માટે જ છે. ઉપરાંત એ વ્યક્તિના અંગત આનંદ સાથે સંકળાયેલી બાબત છે. એમાં મુખ્યત્વે બે ચીજો છે : શુક્રાણુ અને ફ્લુઇડ. શુક્રાણુ બન્ને અંડકોષમાં પેદા થાય છે, જ્યારે ફ્લુઇડ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી નીકળે છે. વીર્યરૂપે જે સફેદ પ્રવાહી નીકળે છે એમાં શુક્રાણુની માત્રા એક ટકો હોય છે. બાકીનું માત્ર પ્રવાહી હોય છે જે શુક્રાણુઓનું વહન કરવાનું કાર્ય કરે છે.

સ્ત્રાવમાં થતાં પરિવર્તનો

વીર્યનો રંગ, માત્રા અને થિકનેસ સાથે તેના પાર્ટનરનો સંતોષ કોઈ જ રીતે સંકળાયેલો નથી હોતો. વધુ માત્રામાં અને ગાઢું વીર્ય નીકળે પછી પણ પાર્ટનરને સંતોષ ન મળે એવું બની શકે છે. સામાન્ય રીતે યંગ એજમાં એનો રંગ સફેદ અને ગાઢો હોય છે. વય વધતાં વીર્યનો રંગ પીળાશ પડતો સફેદ થઈ શકે છે અને એની ઘટ્ટતા ઘટે છે. યુવાનીમાં વીર્યની ક્વૉન્ટિટી વધારે હોય છે અને એ પછી ઓછી થતી જાય છે. યુવાનીમાં ઘટ્ટતા વધારે હોય છે અને સમય જતાં થિકનેસ ઘટતી જાય છે.

કલર, ક્વૉન્ટિટી અને થિકનેસ મુખ્યત્વે ત્રણ ચીજોમાં અવારનવાર વેરિયેશન થતું રહે છે. આ બધી ચીજો ત્રણ બાબતો પર આધારિત છે. એક છે ઉંમર અને ઉંમર પ્રમાણે હૉમોર્ન્સમાં આવતું પરિવર્તન; બીજું, બે મૈથુન અથવા હસ્તમૈથુન વચ્ચેનો સમયગાળો અને ત્રીજું, સેક્સ્યુઅલ ઉત્તેજનાનું પ્રમાણ. એક જ ઉંમરે વારંવાર બે વીર્યસ્ખલનમાં વીર્યના કલર, ક્વૉન્ટિટી અને થિકનેસમાં વેરિયેશન જોવા મળે તો એની પાછળ ઉત્તેજનાનું પ્રમાણ અને મૈથુન વચ્ચેનો સમયગાળો જવાબદાર હોય છે. બે મૈથુન વચ્ચેનો સમયગાળો વધારે હોય તો વીર્ય જાડું અને વધારે માત્રામાં હોય છે.

શરીરમાં સંગ્રહાઈ નથી શકતું 

જે માણસ વીર્ય ટકાવી રાખે છે તે લાંબું જીવી શકે છે અથવા તાકતવર અને ઍથ્લીટ બની શકે છે એ એક મોટી ભ્રમણા છે. નહીંતર દુનિયાભરના બ્રહ્મચારીઓ લાંબું જીવતા હોત અથવા તો ઍથ્લીટ્સ હોત. વીર્યને રોકી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ એ ટકી નથી શકતું. સ્વપ્નસ્રાવ દરમ્યાન નીકળતા વીર્યમાં એક ગ્લાસ લીંબુપાણી જેટલી એનર્જી હોય છે.

વીર્ય માટે આટલી ગ્રંથિઓ કેમ?

કોઈ બાળક પોતાના આંખ, કાન, નાક, હાથ, પેટને અડે તો પેરન્ટ્સ કંઈ નથી કહેતા; પરંતુ જો તે પોતાનાં જનનાંગોને સ્પર્શ કરે તો તરત કહેવામાં આવે છે કે એ ગંદું છે, ત્યાં ન અડાય. આને કારણે નાનપણથી બાળકો શીખતાં આવ્યાં છે કે ઇન્દ્રિય એ કંઈક ખાસ છે. એટલે જ એમાંથી નીકળતી ચીજ પણ કંઈક સ્પેશ્યલ છે. આ માન્યતાને કારણે જ્યારે વીર્ય નીકળે ત્યારે વ્યક્તિ એવું માની બેસે છે કે તેનામાં રહેલી ખાસ ચીજ નીકળી ગઈ છે એને કારણે તેનું સત્વ ખલાસ થઈ ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2014 07:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK