Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > મોટા આંતરડા પર ફુગ્ગા ઊપસી આવે ત્યારે...

મોટા આંતરડા પર ફુગ્ગા ઊપસી આવે ત્યારે...

Published : 14 August, 2016 08:07 AM | IST |

મોટા આંતરડા પર ફુગ્ગા ઊપસી આવે ત્યારે...

મોટા આંતરડા પર ફુગ્ગા ઊપસી આવે ત્યારે...





મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ


કુદરતે આપેલું માણસનું શરીર કોઈ લૅબોરેટરીમાં મૂકેલા કમ્પ્યુટર કરતાં પણ વધુ કૉમ્પ્લેક્સ છે, છતાં એના કરતાં વધુ સક્ષમ પણ. એથી જ એ માણસના જન્મથી લઈ મૃત્યુ સુધી અવિરત ધોરણે પોતાનું કામ ચાલુ રાખી શકે છે. એમાંય શરીરના મોટા ભાગના આંતરિક અવયવો તો દિવસના ૨૪ કલાક પોતાનું કામ કરતા રહે છે. જોકે આમ એકધારું કામ કરવાને કારણે આ ભાગોને ક્યારેક વેર ઍન્ડ ટેર પણ લાગે છે, જેની શરીરે બીમારીના સ્વરૂપે શિક્ષા ભોગવવી પડે છે. શરીરને પહોંચતાં આવા વેર ઍન્ડ ટેરનું એક નામ છે ડાઇવર્ટિક્યુલમ, જેમાં પેટના મોટા આંતરડામાં ફુગ્ગા જેવો આકાર ઊપસી આવે છે. આમ તો આવા ફુગ્ગાની હાજરીમાત્રથી દરદીને કોઈ નુકસાન નથી પહોંચતું, પરંતુ જો એ કદમાં એક હદથી વધારે મોટા થઈ જાય કે પછી એમાં ઇન્ફેક્શન થઈ જાય તો એ મોટી ઉપાધિનું કારણ બની શકે છે. 

ડાઇવર્ટિક્યુલમ એટલે શું?

આ સવાલનો જવાબ આપતાં બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના યુરો-ઑન્કૉલૉજિસ્ટ ડૉ. અનુપ રામાણી કહે છે, ‘માની લો કે તમારા ઘરમાં એક લિવિંગ-રૂમ છે. હવે આ જ લિવિંગ-રૂમની પાસે એક બાથરૂમ પણ છે. તો એ બાથરૂમ લિવિંગ-રૂમનું ડાઇવર્ટિક્યુલમ કહેવાશે. કેટલીક વાર વધુપડતા પ્રેશરને કારણે આપણા શરીરના આંતરિક અવયવોની દીવાલના કોઈ નબળા ભાગમાં પોકળ ફુગ્ગા જેવો આકાર નિર્માણ થાય છે. આવો ફુગ્ગો નાના વટાણાના દાણાથી માંડીને કોઈ પણ કદનો હોઈ શકે છે. સાથે જ સંખ્યામાં એક અથવા એકથી વધુ પણ હોઈ શકે છે. વિજ્ઞાનમાં આવો એક ફુગ્ગો ડાઇવર્ટિક્યુલમ કહેવાય છે, જ્યારે એકથી વધુ ફુગ્ગાઓ ડાઇવર્ટિક્યુલા તરીકે ઓળખાય છે. આમ તો આવા ડાઇવર્ટિક્યુલા શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે, પરંતુ એ સૌથી વધુ મોટા આંતરડાના નીચેના ભાગમાં જોવા મળે છે. મોટા ભાગના કિસ્સાઓમાં દરદીને ડાઇવર્ટિક્યુલાથી કોઈ ખાસ અથવા નજીવી જ તકલીફ થાય છે, પરંતુ જ્યારે એ મોટા આંતરડાના કાર્યમાં અવરોધ ઊભો કરે છે ત્યારે કેટલીક વાર એ કિડનીમાંથી રક્તસ્ત્રાવ તથા પેટમાં થતા ઇન્ફેક્શનનું કારણ પણ બની શકે છે. વિજ્ઞાનમાં કિડનીમાંથી થતો આવો રક્તસ્ત્રાવ રૅક્ટલ બ્લીડિંગ અથવા ડાઇવર્ટિક્યુલર બ્લીડિંગ તરીકે ઓળખાય છે, જ્યારે ડાઇવર્ટિક્યુલમને કારણે પેટમાં થયેલું ઇન્ફેક્શન ડાઇવર્ટિક્યુલિટિસ તરીકે ઓળખાય છે.’

કોને વધુ થાય?

પશ્ચિમી દેશોની સરખામણીમાં એશિયા તથા આફ્રિકાના દેશોમાં ડાઇવર્ટિક્યુલા જ્વલ્લે જ જોવા મળે છે. વળી એ ૪૦થી ઓછી ઉંમરની વ્યક્તિઓમાં તો ભાગ્યે જ જોવા મળે છે. જોકે જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ-તેમ એના શરીરમાં આવા ડાઇવર્ટિક્યુલા નિર્માણ થવાની શક્યતા વધતી જાય છે. એક અંદાજ મુજબ ૪૦થી વધુ ઉંમરના ૧૦ ટકા લોકોમાં જ એ જોવા મળે છે, જ્યારે ૬૦થી વધુ મોટી ઉંમરના ૫૦ ટકા લોકોમાં તથા ૮૦થી વધુ ઉંમરના ૭૪ ટકા લોકોમાં એ જોવા મળે છે. જોકે એ બધામાંથી માંડ ૨૦ ટકા લોકોને જ એનાથી કોઈ તકલીફનો સામનો કરવાનો આવે છે.

આવું થવાનું કારણ

મોટા આંતરડામાં જોવા મળતા આવા ડાઇવર્ટિક્યુલા વિજ્ઞાનમાં ડાઇવર્ટિક્યુલોસિસ તરીકે ઓળખાય છે. આ ડાઇવર્ટિક્યુલોસિસની આંટીઘૂંટી સમજાવતાં ડૉ. રામાણી કહે છે, ‘માનવશરીરમાં રહેલું મોટું આંતરડું સામાન્ય ભાષામાં ભલે બિગ ઇન્ટેસ્ટાઇન તરીકે ઓળખાતું હોય, પરંતુ અમે ડૉક્ટરો એના માટે કોલોન જેવો શબ્દ વાપરવાનું વધુ પસંદ કરીએ છીએ. આ કોલોન દેખાવમાં વાંકુંચૂકું હોવાથી નાનું દેખાય છે, પરંતુ વાસ્તવમાં એની લંબાઈ છ ફુટ જેટલી હોય છે. એનું મુખ્ય કામ નાના આંતરડામાં પૂરી થયેલી પાચનક્રિયા બાદ રહી ગયેલા મળને શરીરમાંથી બહાર કાઢવાનું છે. એવું માનવામાં આવે છે કે જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ-તેમ આ મોટા આંતરડાની દીવાલો જાડી થતી જાય છે. જોકે આવું કેમ થાય છે એના કોઈ ચોક્કસ તારણ પર હજી સુધી વિજ્ઞાન આવ્યું નથી, પરંતુ આ જાડી બની ગયેલી દીવાલોને આંતરડામાંથી મળ બહાર કાઢવા માટે વધુ પ્રેશર આપવું પડે છે. આ આંતરિક પ્રેશરને કારણે કોલોનની દીવાલના નબળા પડી ગયેલા ભાગોમાંથી આંતરડાંનું સૌથી અંદરનું સ્તર બહાર નીકળી જાય છે અને આવા ડાઇવર્ટિક્યુલા નિર્માણ થાય છે. આમ તો આવા ડાઇવર્ટિક્યુલા મોટા આંતરડાના કોઈ પણ ભાગમાં ઊપસી આવી શકે છે, પરંતુ સામાન્ય રીતે એ સિગ્મૉઇડ કોલોન તરીકે ઓળખાતા મોટા આંતરડાના ડાબી બાજુના નીચેના ભાગમાં વધુ જોવા મળે છે.’

ડાઇવર્ટિક્યુલોસિસનાં લક્ષણો

મોટા ભાગના કિસ્સાઓમાં આવા ડાઇવર્ટિક્યુલોસિસ એસિમ્પ્ટોમૅટિક હોય છે એટલે કે એને કારણે દરદીને કોઈ તકલીફ નથી થતી. જેમને તકલીફ થાય છે તેમને પણ મહદંશે પેટમાં દુખાવાની સમસ્યા જ સતાવે છે. ક્યારેક આ સાથે દરદીને ઝાડા તથા મરડાની સમસ્યા પણ સતાવી શકે છે, પરંતુ આ તકલીફો પાછળ દરદીને લાંબા ગાળાથી સતાવતો ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ (ત્ગ્લ્) અથવા મોટા આંતરડાના સ્નાયુઓની નબળી કાર્યક્ષમતા વધુ જવાબદાર હોય છે. મોટાં કૉમ્પ્લીકેશન્સ ત્યારે ઊભાં થાય છે જ્યારે ડાઇવર્ટિક્યુલાની બાજુમાં આવેલી લોહીની નાની-નાની શિરાઓને નુકસાન પહોંચે છે અને એમાંથી રક્તસ્ત્રાવ શરૂ થઈ જાય છે અથવા એને પગલે મોટા આંતરડામાં અંતરાય ઊભો થાય છે અથવા આવા ડાઇવર્ટિક્યુલમમાં શરીરનો કચરો ભરાતાં એમાં બૅક્ટેરિયા નિર્માણ થાય છે, જેના પરિણામે આગળ જતાં આ ડાઇવર્ટિક્યુલમ ફાટી જાય છે અને એમાં થયેલું ઇન્ફેક્શન આંતરડાના બીજા બધા ભાગોમાં ફેલાય છે. આવું થતાં દરદીને પેટમાં ચૂંક આવી શકે છે, તાવની સાથે ઠંડી લાગી શકે છે તથા તેમના લોહીમાં વાઇટ બ્લડ સેલ્સનું પ્રમાણ વધી જાય છે. એ સિવાય ક્યારેક આવા ડાઇવર્ટિક્યુલમને પગલે શરીરના બે આંતરિક અવયવ અથવા અવયવ તથા ત્વચાની વચ્ચે ફિસ્ટુલા નામે ઓળખાતું ટ્યુબ જેવું જોડાણ પણ નિર્માણ થઈ શકે છે.

ડાઇવર્ટિક્યુલિટિસનાં જોખમો

કેટલીક વાર ડાઇવર્ટિક્યુલમ ફાટી જતાં એની અંદર રહેલા બૅક્ટેરિયા આંતરડાના બીજા બધા ભાગોમાં ફેલાઈ જઈ શકે છે. ડાઇવર્ટિક્યુલિટિસ તરીકે ઓળખાતા આ ઇન્ફેક્શનને પગલે દરદીને પેટમાં સોજો આવવાની સાથે ઝાડા અથવા મરડો થઈ શકે છે. ઉપરાંત ઇન્ફેક્શનને કારણે આંતરડાની અંદર પસ પણ જમા થઈ શકે છે. સાથે જ સોજાને કારણે આંતરડામાં અવરોધ પણ ઊભો થઈ શકે છે. જૂજ કિસ્સાઓમાં જો આ ડાઇવર્ટિક્યુલમ પેટના પોલાણમાં ફાટી જાય તો એ બૅક્ટેરિયલ પેરિટોનિટિસ તરીકે ઓળખાતા જીવલેણ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. એવી જ રીતે ક્યારેક આવા ડાઇવર્ટિક્યુલમ બ્લૅડરમાં પણ ફાટી શકે છે, જેને પગલે બ્લૅડર ઇન્ફેક્શન થઈ શકે છે તો વળી એનાથી પણ જૂજ કિસ્સામાં ડાઇવર્ટિક્યુલમ સ્ત્રીઓના યોનિમાર્ગમાં પણ ફાટી શકે છે.

એ સિવાય જો આ ડાઇવર્ટિક્યુલમ કદમાં મોટું થઈ રહ્યું હોય તો ક્યારેક એ આસપાસ રહેલી લોહીની શિરાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે, જેને કારણે કોલોનની અંદર બ્લીડિંગની સમસ્યા નિર્માણ થાય છે. આવું થાય ત્યારે મળનો રંગ એકાએક કાળો થઈ જાય છે અને સોનોગ્રાફીમાં કોલોનનો એટલો ભાગ લોહીના લાલ રંગે રંગાયેલો જોવા મળે છે. આવો રક્તસ્ત્રાવ એકાંતરે થઈ શકે છે અથવા એકધારો પણ ચાલુ રહી શકે છે.

નિદાન અને સારવાર

ઉપર જણાવ્યું એમ ડાઇવર્ટિક્યુલમની હાજરીમાત્રથી દરદીને મહદંશે કોઈ તકલીફ થતી નથી, એથી તેમને એ માટે કોઈ સારવારની પણ આવશ્યકતા પડતી નથી, પરંતુ જો એને કારણે આંતરડામાં ડાઇવર્ટિક્યુલોસિસ ઇન્ફેક્શન થાય તો એના નિદાન માટે સોનોગ્રાફી, કમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી (CT) સ્કૅન તથા બેરિયમ ટેસ્ટનો ઉપયોગ આસાનીથી કરી શકાય છે. જો આ ઇન્ફેક્શન માઇલ્ડ હોય તો માત્ર સામાન્ય ઍન્ટિબાયોટિક દવાઓ તથા લિક્વિડ ડાયટથી જ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જાય છે, પરંતુ જો ઇન્ફેક્શન ગંભીર હોય તો આંતરડામાંથી ઓછામાં ઓછા ખોરાકે પસાર થવું પડે એ માટે દરદીને સંપૂર્ણ લિક્વિડ ડાયટ અથવા લો-ફાઇબરવાળો ખોરાક આપવો આવશ્યક બની જાય છે. આ સાથે જો દરદીને પેટમાં પીડાની સાથે તાવ પણ આવતો હોય તો તેને હૉસ્પિટલમાં દાખલ કરી ઍન્ટિ-બાયોટિક દવાઓનાં ઇન્જેક્શન્સ આપવાં પડી શકે છે, પરંતુ જે દરદીઓનું શરીર આવાં ઇન્જેક્શન્સને પણ દાદ ન આપે તથા જેમના આંતરડામાં અવરોધ ઊભો થયો હોય તેમના માટે છેલ્લો વિકલ્પ સર્જરીનો જ બાકી રહે છે.

સર્જરી ક્યારે કરાવવી પડે?

આવી સર્જરીમાં સામાન્ય રીતે પસ ભરાઈ ગયું હોય તો એ કાઢવું આવશ્યક બની જાય છે. સાથે જ જેમને કોલોનમાં એકધારું બ્લીડિંગ થઈ રહ્યું હોય તેમના માટે જે ભાગમાં ડાઇવર્ટિક્યુલા થયું હોય એટલો કોલોનનો ભાગ કાપી નાખવો પણ જરૂરી બની જાય છે. જેમને બ્લૅડરની બાજુમાં જ ડાઇવર્ટિક્યુલમ થયું હોય તેમને વારંવાર યુરિન ઇન્ફેક્શનની સમસ્યા સતાવ્યા કરે છે. આવા દરદીઓ માટે પણ સર્જરી કરાવવી આવશ્યક બની જાય છે. આજના સમયમાં કેટલાક ડૉક્ટરો આ પ્રકારનાં ઑપરેશનો માટે રોબોટિક સર્જરીનો વિકલ્પ પસંદ કરે છે. આ પ્રકારની સર્જરી સામાન્ય ઑપરેશનની સરખામણીમાં જલદી પૂરી થઈ જતી હોવા ઉપરાંત એમાં ચોકસાઈ પણ વધુ રાખી શકાય છે અને દરદીને રિકવરી પણ જલદી આવી જાય છે.

ઐસા ભી હોતા હૈ...

આ સંદર્ભમાં તાજેતરમાં પોતાની પાસે આવેલા બ્લૅડર ડાઇવર્ટિક્યુલાના એક દરદીની વાત કરતાં ડૉ. રામાણી કહે છે, ‘મારો એ પેશન્ટ છેલ્લાં પાંચ વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. એક સામાન્ય વ્યક્તિના બ્લૅડરમાં વધુમાં વધુ ૪૦૦થી ૫૦૦ મિલી યુરિન એકસાથે રહી શકે, પરંતુ એનું ડાઇવર્ટિક્યુલમ વધતાં-વધતાં એટલું મોટું થઈ ગયું હતું કે એનો એક છેડો એના બ્લૅડર પાસે હતો તો બીજો લગભગ ફેફસા સુધી પહોંચી ગયો હતો, પરિણામે એમાં એક સમયે ત્રણ લીટર જેટલું યુરિન સમાઈ જતું હતું. ઉપરાંત કદમાં આટલું મોટું હોવાથી એનું ડાઇવર્ટિક્યુલમ એની આસપાસ રહેલા શરીરના બીજા બધા અવયવો સાથે ચોંટી પણ ગયું હતું. આ દરદી પર સામાન્ય સર્જરી કરવા માટે અમારે તેના પેટના નીચેના ભાગથી શરૂ કરીને છાતી સુધીનું આખું શરીર ખોલવું પડે એમ હતું, પરંતુ રોબોટિક સર્જરીની મદદથી એ કામ માત્ર નાના કાપાઓથી જ પતી ગયું.’


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2016 08:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK