ચાના ચાર પ્રકાર જાણી લો
સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે
ADVERTISEMENT
ચાએ ટાળ્યું શિરામણ,
બીડીયે ટાળ્યો હોકો,
સાસુનું કહ્યું વવ ન કરે,
તો કેનો કરવો ધોખો?
એક જમાનો હતો જ્યારે કાઠિયાવાડમાં ગાડાના પૈડા જેવડા રોટલા અને દહીંના શિરામણ થાતા. ચા તો કોક મેમાન આવે ત્યારે પીવાતી. દહીં અને રોટલા ધરાઈને ખાવાવાળા આપણા એંશી-એંશી વરહના ભાભલાઓને કોઈ દી ડાયાબિટીશ ન થ્યા. કારણ એના ખોરાક બહુ નક્કર હતા.
પણ અમને કલાકારોને તો ચા વિશેષ વહાલી છે. હું ડાયરામાં કાયમ કહું કે ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા સૂરાપુરા છે. એક હોટલે અમે ચા પીતા’તા અને અને ચામાં ઊલળીને ક્યાંકથી માખી પડી. મેં દુકાનદારને કહ્યું, એલા આ ચામાં માખી છે. દુકાનદાર કે સાંઈરામ, પી લ્યો; પાંચ રૂપિયાની ચામાં માખી ન હોય તો શું હાથી-ઘોડા હોય? આ લે લે! આટલું ઓછું ન હોય એમ હિમાદાદા બાજુમાં જ બેઠા’તા ઈ કે સાંઈ, થોડી માનવતા રાખ; આવડીક અમથી માખી તારી કેટલીક ચા પીવાની છે? મને તો ઓતરાસ જ આવી ગ્યો.
મારા પાડોશમાં જ હિમાદાદાનું ઘર છે. એક દિવસ શાંતિકાકી મને કહે, ક્યારેક ઘરે આવો કલાકાર તો તમને ‘આયુર્વેદિક ચા’ પીવડાઉં! મને થયું કે નક્કી શાંતિકાકી બાબા રામદેવનાં ભગત છે. કાંઈક ઔષધિ ગોતી આવ્યાં લાગે છે. હું તો કુતૂહલવશ ‘આયુર્વેદિક ચા’ પીવા ઘરે ગયો. શાંતિકાકીએ ગરમ પાણી ઉકાળીને પાયું. મેં પૂછuું, કાકી, આ શું છે? કાકી કયે, ‘બેટા આ આયુર્વેદિક ચા છે. એમાં ખાંડ ન હોય, એટલે તને ડાયાબિટીશ ન થાય, એમાં ચાની ભૂકી ન હોય જેથી નિકોટિનતત્વ તને હેરાન ન કરે અને એમાં દૂધ પણ ન હોય જેથી તને કમળો ન થાય..!’ આ લે લે! મને થયું કે
આ ચા તો માત્ર પ્રભાતે મળવિસર્જન પહેલાં જ પીવા જેવી છે એટલે
જ લોકાચાર્યોએ જનમાનસની વહાલી ચાને લડાવતા દુહાઓ લખ્યા હશે કે...
ચૂલે મૂકી તપેલી અને
નીચે કર્યો તાપ
હરતાં-ફરતાં છોકરાં ને વચમાં એનો બાપ!
ચાર જણાની ચા બનાવી,
ભેગા થયા વીસ
ચાનું પિયર છે કે ઢૂંકડું,
પાણીની રાખો ભીંસ
સવારના પહોરમાં વેલા ઊઠે,
સાધુ સંતો ને બાવા
ચા-પાણીનો ટેસ કરી અને
પછી જાય નાવા
ખેડૂતે જોડ્યું સાંતીડું, બેસતો
ના આવે ડાઢો
કંટાળીને કહેવા લાગ્યો, હવે
તો ચા કાઢો
સવારના પહોરમાં છોકરું ઊઠે, કેમેય ના રે છાનું
ચાનો કપ બતાવો પછી નામ
નો લ્યે એની માનું
સાંભળનારા સાંભળજો,
આ ગીત ગાયું ઠાલું
આમાંથી કોઈ નો પીતા હોય
તો આજથી કરજો ચાલુ
આપણે ત્યાં કંપનીઓ ભલે અનેક હોય, પણ ચાના પ્રકાર તો ચાર જ છે:
(૧) આપુડી (૨) બાપુડી (૩) જગુડી (૪) ડખુડી
(૧) આપુડી ચા : આ પ્રકારની ચા સવારમાં છથી સાતની વચ્ચે દાદા કે દાદીના હાથે બનાવાય છે. આ આપુડી ચામાં સોએ સો ટકા દૂધની માત્રા જળવાય છે અને સળી ઊભી રહી જાય એવી આપુડી ચા હોય છે.
(૨) બાપુડી ચા : દાદા-દાદી સાથે પછી સાતથી આઠ વાગ્યા સુધી મમ્મી-પપ્પા એમ ચાર જણાની ચા બને છે જેમાં વ્યક્તિઓ વધતાં દૂધની માત્રા ઘટે છે. બાપુડી ચામાં એંશી ટકા દૂધ અને વીસ ટકા પાણીનું મિલન થાય છે.
(૩) જગુડી ચા : આઠથી દસ વાગ્યા સુધીમાં જ્યારે ઘરનું ચિલ્લર જાગે છે (ચિલ્લર એટલે સમજી ગ્યાને? બાળ-ગોપાળની બરકત) ત્યારે ફૂલ નહીં ને ફૂલની પાંદડીની જે ચા મુકાય છે એને જગુડી
ચા કહેવાય છે. આ જગુડી ચામાં પચાસ ટકા દૂધ અને પચાસ ટકા પાણી મળે છે.
(૪) ડખુડી ચા : સર્વપ્રસિદ્ધ અને જાહેર સમારંભો, લગ્ન્ા, કથા, ડાયરો કે મરણપ્રસંગે જ્યારે સોથી વધુ લોકોની ચા બનાવવાનો પ્રસંગ આવે છે ત્યારે માત્ર અને માત્ર ડખુડી ચા બને છે, જેમાં એંશી ટકા પાણી અને વીસ ટકા દૂધનું મિલન સંભવે છે.
આ માત્ર નામની અને કલરથી જ ચા હોય છે. બાકી એમાં કશો ટેસ્ટ હોતો નથી.
આમ ચાનો મહિમા અપાર છે. કથા તો ક્યાંક એવી પણ સાંભળી છે કે રામાયણમાં જ્યારે લક્ષ્મણને મૂર્છા આવી ત્યારે ‘સેલ-વછેલ’ની સંજીવની બુટ્ટી લેવા હનુમાનજી દૂર દેશાવર ઊડીને પર્વત પર ગયા.
ત્યારે સુષોણ વૈદ્યે કહ્યું’તું એ પ્રમાણે સંજીવની શોધવા તેણે અમુક ઝાડ મૂળથી ઉખેડ્યાં પણ તેમને સંજીવની મળી નહીં. આખરે હનુમંતે કંટાળીને આખો પર્વત જ ઊંચકી લીધો. સુષોણે લક્ષ્મણને સજીવન કર્યા બાદ જે ઝાડવાં હનુમાનજીએ ઉખેડી નાખ્યાં એ ઝાડવાં અને પર્વતે ભગવાનશ્રી રાઘવને પ્રાર્થના કરી કે હવે અમારું શું? ત્યારે રાઘવે આ ઝાડવાંઓને આશિષ આપ્યા કે જાઓ, તમારામાંથી ચાની પત્તી થશે અને કળિયુગમાં તમારા વગર મનુષ્યોની આંખો નહીં ઊઘડે, કળિયુગમાં તમે ખૂબ માનપાન પામશો. વળી પર્વતને પણ આશિષ આપ્યા કે અત્યારે ભલે હનુમાજીએ તમને ઊંચકી નાખ્યા છે, પણ હે પર્વતરાજ, કૃષ્ણજન્મ વખતે હું ફરી આવીશ અને તમારી નીચે સાત દિવસ રોકાઈશ અને તમારો મહિમા વધારીશ. એ પર્વત જ આપણો ‘ગોવર્ધન’. આયી બાત સમજમેં! શ્રદ્ધાથી સ્વીકારો તો મારી તમામ વાતો સાચી છે. બાકી લોકોને સમજાવવા કેટલા સહેલા છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. માથું ચડી ગ્યું તો હાલો ચા મંગાવો બે કટિંગ.
ઑફ ધ રેકૉર્ડ
ચાનું છપ્પય
તું નિંદરની દુશ્મન, વંદન ચા મૈયાને
કલાકાર પર પ્રસન્ન્ા, વંદન ચા મૈયાને
હોટલ હોટલ દર્શન, વંદન ચા મૈયાને
ખાંડ-દૂધનાં અર્ચન, વંદન ચા મૈયાને
ડાયાબિટીશનો દૈત્ય આ, જીવે
તારા પ્રતાપથી
ચા પીધા વિણ પેટ સાફ, થાય નહીં કોઈના બાપથી
