ગરમીના પિત્તવિકારોનું ઔષધ અવિપત્તિકર ચૂર્ણ કેવી રીતે લેવું?
આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી
ADVERTISEMENT
ïબપોરનો તાપ બળબળવા લાગે એટલો આકરો થવા લાગ્યો છે ત્યારે હવે ગરમીના રોગોનો પગપેસારો શરૂ થશે. ગરમી અને પિત્તને ખૂબ ગાઢ નાતો છે. વાતાવરણની ગરમી શરીરની આંતરિક વ્યવસ્થાઓને ખોરવીને પિત્તદોષ વધારતી હોવાથી ઍસિડિટી, અપચો, જુલાબ, ચામડીમાં બળતરા જેવી સમસ્યાઓ સાથે લઈ આવે છે. ખાવાનું બરાબર પચતું નથી એને કારણે ખાધેલી ચીજોના તીખા ઓડકાર આવે અને ઊબકા-ઊલટી જેવું સતત રહ્યા કરે. પિત્તદોષનું વધવું શરીરને અનેક રીતે હાનિકારક સાબિત થાય છે.
શરીરમાં પિત્તનું મુખ્ય કાર્ય છે પાચન કરવું. આમ તો પાંચ પ્રકારના પિત્ત છે. એમાંનો પાચક પિત્ત એટલે કે જઠરાગ્નિ કહેવાય. ઠંડું, ખાટું, તળેલું, તીખું, અધકચરું પાકેલું, વાસી ખાવાનું ખાવાથી પાચકપિત્ત ખરાબ થાય છે. આમ તો શરીર પોતાની મેળે બને ત્યાં સુધી દોષોને સંતુલિત રાખવાનું કામ કરે છે, પણ જ્યારે લાંબો સમય સુધી અસંતુલિત અને અયોગ્ય આહારપદ્ધતિ અપનાવવામાં આવે તો આખરે શરીરની વ્યવસ્થાઓ હથિયાર હેઠા મૂકી દે. ગરમીની સીઝનમાં અસંતુલિત દોષો મોટા ભાગે કૂપિત પિત્ત રૂપે બહાર આવે છે. દુર્બળ શરીરવાળાં સ્ત્રી-પુરુષોને તેમ જ પિત્તપ્રાધાન્ય ધરાવતા લોકોને અમ્લપિત્તની સમસ્યા રહે છે. પાચનશક્તિ મંદ પડી ગઈ હોય ત્યારે પણ શરીરમાં પિત્ત વધી જાય છે.
પિત્તની સમસ્યાનો ઉકેલ શું?
એનો ઉકેલ બે રીતે આવી શકે. પિત્તનું શમન અને શોધન. શમન એટલે કે દબાવી દેવું. જો પિત્તની સમસ્યા ઉપરછલ્લી હોય અને તત્કાળ રાહત જોઈતી હોય ત્યારે ઔષધદ્રવ્યોની મદદથી પિત્તને શમાવી દઈ શકાય. જોકે સાચી સારવાર ત્યારે જ થાય જ્યારે પિત્તનું શોધન થાય. શોધન એટલે કે પિત્તને પચાવીને શરીરમાંથી બહાર કાઢી શરીરને શુદ્ધ કરવામાં આવે. આયુર્વેદમાં કોઈ પણ સમસ્યાને ડામી દેવાની નહીં પણ મૂળ સાથે શરીરમાંથી તગેડી મૂકે એવી પદ્ધતિ વધુ વપરાય છે. પિત્તને પચાવીને એને શરીરમાંથી બહાર ફેંકવાની ક્રિયા વિરેચન કહેવાય છે. જોકે હંમેશાં વિરેચન એટલે પંચકર્મ જ કરવું પડે એવું જરૂરી નથી. જો પ્રાથમિક તબક્કાની સમસ્યા હોય તો ઔષધદ્રવ્યો અને થોડીક પરેજીના સમન્વયથી પિત્તનું શોધન થઈ શકે છે. એ માટે સૌમ્ય વિરેચન દ્રવ્યો વાપરી શકાય. અવિપત્તિકર ચૂર્ણ આવું જ એક દ્રવ્ય છે જે ઉનાળામાં જોવા મળતા પિત્તના ઉત્પાતોને મટાડવામાં ખૂબ મદદગાર નીવડે છે.
અવિપત્તિકર ચૂર્ણનાં દ્રવ્યો
આ કોઈ એક ઔષધિનું ચૂર્ણ નથી, બલકે એક કરતાં વધુ દ્રવ્યોનું ગુણસંતુલનના સિદ્ધાન્ત સાથે બનાવાયેલું ચૂર્ણ છે. એમાં ત્રિકટુ (સૂંઠ, કાળાં મરી, લીંડીપીપર), નાગરમોથ, વાવડિંગ, એલચી, તમાલપત્ર, લવિંગ, નશોતર, સાકર હોય છે. આ બધી જ ચીજોનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ પિત્તજ વિકારોમાં ઉત્તમ ગણાય છે. બજારમાં આમ તો ચૂર્ણ તૈયાર મળે જ છે, પણ રોગનાં લક્ષણો અનુસાર આ દ્રવ્યોના પ્રમાણમાપમાં જરૂરી વધઘટ કરીને લેવામાં આવે તો ઝડપી અસર થાય છે.
કેવાં લક્ષણોમાં વાપરી શકાય?
કબજિયાત રહેતી હોય, બરાબર પાચન ન થતું હોય, જૂનો મળ આંતરડાંમાં ભરાઈ રહ્યો હોય કે ગૅસ થતો હોય ત્યારે ખાટા-તીખા ઓડકાર સાથે પેટમાં દુખાવો અને છાતીમાં બળતરા થતી હોય ત્યારે ન ખાવું, અતિ ખાવું, વાસી કે બગડેલો ખોરાક ખાવાને કારણે ઉનાળામાં ઊબકા અને ઊલટીની સમસ્યા થઈ હોય ત્યારે ખાધા પછી ખૂબ જ બેચેની લાગે ત્યારે ચામડીમાં બળતરા થાય, તાપમાં ચચરાટ થાય ત્યારે સ્ત્રીઓને મેનોપૉઝના ગાળામાં ઉનાળાના દિવસોમાં શરીરમાં અત્યંત બળતરા ફીલ થતી હોય ત્યારે કઈ રીતે લઈ શકાય?
ઊબકા-ઊલટીમાં એક ગ્રામ અવિપત્તિકર ચૂર્ણ દર કલાકે કોકમના શરબત અથવા લીંબુપાણી સાથે લેવું.
ગૅસ-કબજિયાત, અરુચિ અને ઍસિડિટી હોય તો ભોજન પહેલાં એક ચમચી અવિપત્તિકર ચૂર્ણમાં ચપટીક હિંગ અને ગાયનું ઘી મેળવીને લેવું. એનાથી આંતરડામાં મૃદુતા આવશે.
ચામડીમાં બળતરા હોય તો એક ચમચી અવિપત્તિકર ચૂર્ણ અને અડધી ચમચી સિતોપલાદિ ચૂર્ણ ગોધૃતમાં મેળવીને દિવસમાં ત્રણથી ચાર વખત લેવું. ગાયના ઘીથી પગના તળિયે કાંસાની વાટકીથી માલિશ પણ કરી શકાય.

