Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > બડે દિલવાલા હોવું જોખમની નિશાની

બડે દિલવાલા હોવું જોખમની નિશાની

Published : 04 January, 2014 07:24 PM | IST |

બડે દિલવાલા હોવું જોખમની નિશાની

બડે દિલવાલા હોવું જોખમની નિશાની





મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

રોજિંદી ભાષામાં આપણે ઘણી વાર ઉદાર વ્યક્તિ માટે બડે દિલવાલા જેવો શબ્દપ્રયોગ કરતા હોઈએ છીએ, પરંતુ મેડિકલ ભાષામાં આ શબ્દપ્રયોગ ખતરાની નિશાની છે. માનો કે ન માનો પરંતુ મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ બડે દિલવાલા હોવું અથવા હૃદયનું મોટું થવું એક રોગ છે અને એ પણ ગંભીર અર્થાત જીવલેણ રોગ. કાર્ડિયોમાયોપથી અથવા સામાન્ય ભાષામાં કાર્ડિઍક એન્લાર્જમેન્ટના નામે ઓળખાતા આ રોગમાં હૃદયની દીવાલો જાડી થવા માંડે છે અથવા હૃદયનો એક ભાગ અથવા સંપૂર્ણ હૃદય જ મોટું થઈ જાય છે. આ પરિસ્થિતિની સીધી અસર હૃદયની લોહી પમ્પ કરવાની ક્ષમતા પર પડે છે. વળી એનાં લક્ષણો પણ એટલાં સામાન્ય હોય છે કે મોટા ભાગે ડૉક્ટર પાસે પહોંચવામાં જ મોડું થઈ જાય છે.

એક અંદાજ મુજબ દર વર્ષે એકલા અમેરિકામાં ૬૦૦૦ દરદીઓ કાર્ડિયોમાયોપથીને પગલે મૃત્યુ પામે છે. એમાંય ઍથ્લીટ્સ તથા યુવાનોનાં એકાએક મૃત્યુ પાછળ તો આ રોગ સૌથી મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. એમ છતાં દુનિયાભરમાં ભાગ્યે જ કશે આ રોગ વિશે કોઈ વાતચીત કે ચર્ચા થાય છે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર વારસામાં મળતા આ રોગની સારવાર શક્ય છે, પરંતુ સમસ્યા એ છે કે મોટા ભાગે એ કોઈ પણ પ્રકારના આગોતરા સંકેત વગર એકાએક હુમલો કરતો હોવાથી દરદી કે ડૉક્ટર પાસે સારવાર માટે સમય જ રહેતો નથી. કહેવાય છે કે કાર્ડિયોમાયોપથીની સૌથી પહેલી શોધ ૧૯૫૮માં બ્રિટિશ પૅથોલૉજિસ્ટ ડોનાલ્ડ ટિયરે કરી હતી. ડોનાલ્ડે આ રોગને હૃદયના ટ્યુમર તરીકે ઓળખાવ્યો હતો. છેલ્લા એક દાયકાથી કાર્ડિયોમાયોપથીના નામે ઓળખાતો આ રોગ આટલાં વર્ષોમાં સબવાલ્વ્યુલર એઓર્ટિક સ્ટેનોસિસ, એપિકલ હાઇપરટ્રોફી જેવાં ૮૦ વિવિધ નામોએ ઓળખાતો આવ્યો છે.

કાર્ડિયોમાયોપથીના પ્રકારો

કાર્ડિયોમાયોપથી અથવા કાર્ડિઍક એન્લાર્જમેન્ટ બે પ્રકારનાં હોય છે. પહેલો પ્રકાર હાઇપરટ્રોફી તરીકે ઓળખાય છે, જ્યારે બીજો પ્રકાર ડાયાલેશન તરીકે. ભૂતકાળમાં કેટલાક દરદીઓ એવા પણ જોવા મળ્યા છે જેમનામાં આ બન્ને પ્રકારની કાર્ડિયોમાયોપથી એકસાથે જોવા મળી હોય. આ બન્ને વચ્ચેનો ફરક સમજાવતાં જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘હાઇપરટ્રોફીમાં સામાન્ય રીતે હૃદયના સ્નાયુઓની જાડાઈ વધી જાય છે, જ્યારે ડાયાલેશનમાં હૃદયમાં રહેલી ચાર ચેમ્બર્સ અથવા સરળ ભાષામાં કહીએ તો ચાર ખાનાંમાંથી કોઈ એક, બે, ત્રણ કે પછી બધાં ખાનાંની સાઇઝ વધી જાય છે. હાઇપરટ્રોફી સામાન્ય રીતે હૃદયની કોઈ એક ચેમ્બરને જ નુકસાન પહોંચાડે છે, પરંતુ ડાયાલેશનની અસર આખા હૃદય પર જોવા છે. મોટા ભાગે આ રીતના કાર્ડિઍક એન્લાર્જમેન્ટના કેસમાં હૃદયની એકથી વધુ બીમારી જોવા મળે છે. દેશી ભાષામાં આપણે જેને હૃદય પહોળું થવું તરીકે ઓળખીએ છીએ એવી આ બીમારીની પાછળ જવાબદાર કારણોમાં એકમાત્ર અપવાદ ઍરોબિક્સની અમુક કસરતો છે જે હૃદયની સાઇઝમાં વધારો કરતી હોવા છતાં શરીર માટે લાભદાયક ગણવામાં આવે છે.’

કાર્ડિઍક હાઇપરટ્રોફી પાછળનાં કારણો

હાઇપરટ્રોફી થવાનું સૌથી સામાન્ય કારણ છે હૃદય પર વધુપડતી તાણ અથવા સ્ટ્રેસ આવવાં.

ડૉ. કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘મોસ્ટ કૉમન હાઇપરટ્રોફી સામાન્યત: હૃદયનાં નીચલાં બે ખાનાંમાંથી એકમાં થાય છે. જો શરીરમાં અથવા ફેફસાંમાં લોહીનું દબાણ વધારે હોય તો એને કારણે પણ હાઇપરટ્રોફી થઈ શકે છે. હાઈ બ્લડ-પ્રેશરની અસર હેઠળ અથવા લેફ્ટ વેન્ટ્રિકલનો વાલ્વ યોગ્ય રીતે ન ખૂલતાં લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થાય છે જે ટૂંકાણમાં ન્સ્ણ્ તરીકે ઓળખાય છે.’

કાર્ડિઍક ડાયાલેશન કેવી રીતે થાય છે?

ડાયાલેશનનાં કારણો વધુ ગંભીર હોઈ શકે છે. જો હૃદયના સ્નાયુઓને સીધું નુકસાન થયું હોય તો એની પ્રતિક્રિયામાં હૃદય સામાન્ય રીતે પોતાના સ્નાયુઓને પાતળા અને પહોળા કરી નાખે છે. ડૉક્ટરોની ભાષામાં આ પરિસ્થિતિ ડાયાલેશન તરીકે ઓળખાય છે. અગાઉ હાર્ટ-અટૅકનો ભોગ બનેલી વ્યક્તિને ડાયાલેશન થવાની સંભાવના વધુ રહે છે. એ સિવાય લાંબા સમયથી દારૂ પીવાની આદત ધરાવતા લોકોને પણ ડાયાલેશનની સમસ્યા થઈ શકે છે. ઘણી વાર વાઇરલ ઇન્ફેક્શનને કારણે પણ હૃદયમાં ડાયાલેશનની સ્થિતિ ઉદ્ભવે છે જે માયોકાર્ડિયાઇટિસ તરીકે ઓળખાય છે.

આ વિષય પર વધુ પ્રકાશ પાડતાં ડૉ. કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘વ્યક્તિ ડાયાલેશનનો ભોગ બને કે પછી હાઇપરટ્રોફીનો, બન્ને સ્થિતિ આગળ જતાં તો દરદી માટે વધુ ગંભીર જ બને છે. એમાં હૃદયના અનિયમિત ધબકારાથી માંડી હાર્ટ ફેલ થવાની અથવા હાર્ટ-અટૅકની સંભાવના પણ રહે છે.’

કાર્ડિયોમાયોપથીનાં લક્ષણો

કાર્ડિયોમાયોપથીનાં સૌથી સામાન્ય લક્ષણો છે શ્વાસ ચડવો; છાતીમાં પ્રેશર અથવા દુખાવાનો અનુભવ થવો; હૃદય જોરજોરથી ધબકારા મારતું હોય એવું પલ્પિટેશન થવું; પગમાં, ઘૂંટણમાં તથા એડીમાં સોજા આવવા; ચક્કર આવવાં તથા બેભાન થઈ જવું. જો કાર્ડિયોમાયોપથી મંદ પ્રકારની હોય તો આ લક્ષણો કસરત બાદ કે કોઈ થકવી નાખનારું કામ કર્યા બાદ જોવા મળે છે, પરંતુ આ બીમારી ગંભીર તબક્કે પહોંચી ગઈ હોય તો આ જ લક્ષણો ગમે ત્યારે દેખાઈ શકે છે.

કાર્ડિયોમાયોપથીનું નિદાન કેવી રીતે થાય?

હવે તમને થશે કે આ રોગની ઓળખ કઈ રીતે થાય? તો એ કંઈ બહુ અઘરું કામ નથી. સામાન્ય રીતે ફિઝિશ્યન દ્વારા તપાસમાં કે છાતીના એક્સ-રેમાં વિસ્તારિત હૃદય કે ફેફસાંમાં ભરાયેલું પાણી કાર્ડિયોમાયોપથીનું સૂચન કરે છે. ECGમાં પણ હૃદયના ધબકારાની પૅટર્ન પરથી આ રોગનો અંદાજ લગાડી શકાય છે. જોકે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ઈકો-કાર્ડિયોગ્રામ, જેમાં હૃદયના દરેક ખાનાની સાઇઝ અને દીવાલોની જાડાઈ ચકાસી ચોક્કસ નિદાન કરવું વધુ સરળ છે.

સારવારનો માર્ગ શું?

કાર્ડિયોમાયોપથીની સારવાર વિશે ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘હાર્ટ એન્લાર્જમેન્ટ હૃદયના વાલ્વની બીમારીને પગલે થયું હોય તો એની દવા કરવી પડે છે. જરૂર પડે તો એને રિપ્લેસ પણ કરી શકાય છે, પરંતુ એ ઉપરાંત આ બીમારી સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય તો એ જ છે કે આ બીમારી સુધી દોરી જતી હાઈ બ્લડ-પ્રેશર, થાઇરૉઇડ જેવી દરેક શક્યતાની તપાસ કરી શરૂઆતના તબક્કે જ એનો યોગ્ય ઇલાજ શરૂ કરી દેવામાં આવે. જેટલી ઝડપથી બીમારીના મૂળ કારણની માહિતી મળશે એટલી જ ઝડપથી એની સારવાર પણ શરૂ કરી શકાશે.’

ઘણા કિસ્સાઓમાં ડાયલેટેડ કાર્ડિયોમાયોપથીનું મૂળ કારણ CAD તરીકે ઓળખાતા કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ અથવા CAD તરીકે ઓળખાતી હૃદયની આર્ટરીની બીમારીઓ પણ હોઈ શકે છે. ધૂમ્રપાન, હાઈ કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, મેદસ્વિતા જેવાં કારણો મુખ્યત્વે CAD અથવા CADને જન્મ આપે છે. એના ઇલાજરૂપે દવા લેવા ઉપરાંત દરદીએ પોતાની જીવનશૈલીમાં પણ સંપૂર્ણ પરિવર્તન આણવું જરૂરી બની જાય છે. જરૂર પડે તો ઍન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી કરાવવાની જરૂર પણ પડી શકે છે. 

આપણું હૃદય કેવી રીતે કામ કરે છે?

સાદી ભાષામાં સમજાવવું હોય તો કહી શકાય કે આપણું હૃદય એક મોટો ફ્લૅટ છે. આ ફ્લૅટમાં ચાર ઓરડા છે - બે ઉપર અને બે નીચે. ઉપરના બે ઓરડા લેફ્ટ અને રાઇટ એટ્રિયમ તરીકે ઓળખાય છે, જ્યારે નીચેના બે ઓરડા લેફ્ટ અને રાઇટ વેન્ટ્રિકલ તરીકે ઓળખાય છે. હૃદયમાં ઉપર આવેલા આ રાઇટ એટ્રિયમનું કામ શરીરનું અશુદ્ધ લોહી રિસીવ કરી એની નીચે આવેલા રાઇટ વેન્ટ્રિકલમાં મોકલવાનું છે. ત્યાંથી આ લોહી ફેફસાંમાં ધકેલાય છે. ફેફસાંમાં આ લોહીમાં ઑક્સિજન ભળતાં એ શુદ્ધ થઈ લેફ્ટ એટ્રિયમમાં આવે છે. લેફ્ટ એટ્રિયમનું કામ આ લોહીને પોતાની નીચેના ઓરડા લેફ્ટ વેન્ટ્રિકલમાં ધકેલવાનું છે, જ્યાંથી તે આખા શરીરમાં પમ્પ થાય છે. કાર્ડિયોમાયોપથીમાં હૃદયના સ્નાયુઓ અથવા આ એટ્રિયમ અથવા વેન્ટ્રિકલ્સની સાઇઝ વધી જતાં હૃદયમાં થતી લોહીના પરિભ્રમણની પ્રક્રિયા ખોરવાય છે. હૃદય યોગ્ય પ્રમાણમાં લોહી પમ્પ ન કરી શકતું હોવાથી શરીરના અન્ય અવયવોને પૂરતું લોહી મળતું નથી. પરિણામે એક પછી એક અવયવો પર એની અસર વર્તાવા માંડે છે. બીજી બાજુ હૃદય પાસે આવીને ઊભેલું લોહી યોગ્ય પમ્પિંગના અભાવે પાછું ધકેલાતાં પણ શરીરના અવયવોને નુકસાન પહોંચાડે છે. ટૂંકમાં, હૃદયની આવી મેદસ્વિતા આખા શરીર માટે મુશ્કેલી ઊભી કરી દે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2014 07:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK