સુંદર સ્ત્રી સાથે પ્રોટેક્શન વાપરીએ નહીં તો ચાલે?

સંબંધ-સરિતા - ડૉ. રવિ કોઠારી
માનવોની સહજવૃત્તિ અત્યંત વિચિત્ર છે. એક તરફ તેને પોતાને કંઈ ન થઈ જાય એની ચિંતા હોય છે અને બીજી તરફ શું કરવાથી નિશ્ચિત જોખમો અને ચેપોને દૂર રાખી શકાય છે એ ખબર હોવા છતાં એનો ઉપયોગ નથી કરવો હોતો. એ પણ જસ્ટ ફૉર ફન. અહીં વાત થઈ રહી છે નિરોધની. હવે માત્ર સાયન્ટિફિકલી જ નહીં, પ્રૅક્ટિકલી પણ વર્લ્ડ વાઇડ પુરવાર થઈ ચૂક્યું છે કે પ્રેગ્નન્સી હોય કે જાતીય સંક્રામક રોગોનો ચેપ, કૉન્ડોમ જેવું અને જેટલું પ્રોટેક્શન આપતો બીજો કોઈ વિકલ્પ નથી. છતાં આજેય અનેક યુગલોને કૉન્ડોમ ન વાપરીએ તો? એવો સવાલ પૂછતાં જોઉં છું. પતિ-પત્ની તો ઠીક, કુંવારાં યુગલો પણ એમાં સામેલ હોય છે. આ એવાં ભણેલાં-ગણેલાં યુગલો હોય છે જેમને પ્રેગ્નન્સી ટાળવા માટે મૉર્નિંગ આફ્ટર પિલ લેવામાં વાંધો નથી આવતો, પણ સસ્તું અને સેફ નિરોધ વાપરવામાં ખબર નહીં શું તકલીફ હોય છે.
તાજેતરમાં ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઑફ સધમ્પ્ટનના રિસર્ચરોએ પુરુષોનો સર્વે કરીને તારવ્યું છે કે સુંદર સ્ત્રી સામે હોય તો પુરુષો અનપ્રોટેક્ટેડ સેક્સ કરવા પણ આતુર હોય છે. આ પ્રકારનું તારણ કેવો અભ્યાસ કરીને તારવવામાં આવ્યો એ બધું ગૌણ છે, પણ એનાં તારણોમાં જે શક્યતાઓ ચર્ચવામાં આવી છે એ મુખ્ય છે. આ તારણોનો નિર્દેશ કંઈક એવો છે કે પુરુષો કાં તો હૉટ, સેક્સી અને સુંદર સ્ત્રીને કોઈ ચેપી રોગ નહીં હોય એવું ધારી લે છે એને કારણે તેમને પ્રોટેક્શનની આવશ્યકતા જણાતી નથી અથવા તો પુરુષો સુંદરતાને જોઈને થોડીક વાર માટે ભાન ભૂલીને આગળની કન્સિક્વન્સીઝનો વિચાર કરવાનું ચૂકી જાય છે. નવાઈની વાત એ છે કે આ સર્વેમાં ૧૮થી ૬૯ વર્ષના પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ ઉંમરના પુરુષોનું રીઍક્શન લગભગ એકસરખું હતું.
આવા અભ્યાસોથી એક વાત જરૂર સમજાય છે કે લોકો સુખી અને સેફ જાતીય જીવન માટે કૉન્ડોમની આવશ્યકતા કદાચ સમજ્યા હશે, પણ અનિવાર્યતા નથી સમજ્યા. એકમેકને વફાદાર પતિ-પત્ની જ્યારે સંબંધ દરમ્યાન કૉન્ડોમનો આગ્રહ રાખે છે ત્યારે તેઓ એકમેક પર અવિશ્વાસ નથી મૂકતાં પણ એકમેકની કાળજી લે છે. અનવૉન્ટેડ પ્રેગ્નન્સીથી ઊભા થતા સ્ટ્રેસથી તેઓ પરસ્પરને મુક્ત રાખે છે. કુંવારાં યુગલો, વન-નાઇટ સ્ટૅન્ડવાળા સંબંધો કે એક કરતાં વધુ પાર્ટનર્સ સાથેના સંબંધો તો વધુ જોખમી હોય છે જેમાં પ્રોટેક્શન ન રાખવાનો અથવા તો ન હોય તો ચાલી જાય એવું વિચારવાનો કોઈ અવકાશ જ ન હોવો જોઈએ.
તો પછી શા માટે સુંદરતા, સેક્સીપણું, સ્વચ્છતા કે આકર્ષક દેખાવ જેવી બાબતોમાં ભરમાઈને વ્યક્તિ પોતાનો જ જીવ જોખમમાં મૂકતી હશે? જ્યારે કોઈ નવા અને અજાણ્યા પાર્ટનર સાથે એકલ-દોકલ વાર જાતીય નિકટતા માણતા હો ત્યારે વ્યક્તિ સુંદર છે કે અસુંદર, આકર્ષક છે કે અનાકર્ષક, સ્વચ્છ છે કે અસ્વચ્છ, માસૂમ લાગે છે કે અનુભવી એ બધી બાબતોને મૂલવવાની જરૂર નથી. આમેય જ્યારે કોઈ અજાણી વ્યક્તિ સાથે માત્ર શારીરિક આવેગો માટે થઈને કોઈ આકર્ષાય છે ત્યારે સાચું-ખોટું, સારું-ખરાબ વગેરે વિચારવાની તર્કશક્તિ બુઠ્ઠી થઈ ગઈ હોય છે.
ઇંગ્લૅન્ડના વૈજ્ઞાનિકોએ પણ સર્વેમાં પહેલાં પુરુષોની તર્કશક્તિ બુઠ્ઠી કરવાનું કામ કર્યું અને પછી તેમને સવાલ પૂછ્યો. જેમ કે તેમને વિવિધ દેખાવવાળી કન્યાઓની તસવીરો દેખાડીને સૌથી પહેલાં પૂછવામાં આવેલું કે તમને આમાંથી કઈ કન્યા સૌથી વધુ અટ્રૅક્ટિવ લાગે છે? આકર્ષકતાના આધારે દરેકને તેમણે ગ્રેડ આપવાના હતા. એ પછી તરત તેમને પૂછવામાં આવ્યું કે આ કન્યાઓમાંથી કોઈકને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ હોવાની શક્યતાઓ કેટલી? ઑબ્વિયસ્લી માનવજાતનું સુંદરતા માટેનું ફેસિનેશન પેઢીઓ જૂનું રહ્યું છે એટલે સુંદર ચીજમાં કદી કોઈ ગરબડ હોય એવો તર્ક કરવો આપણને ગમતો નથી. અભ્યાસમાં પણ એવું જ થયું. છેલ્લે વૈજ્ઞાનિકોએ સવાલ પૂછ્યો કે આમાંથી કોની સાથે તમે કૉન્ડોમ વિના પણ જાતીય નજદીકી કેળવવા તૈયાર થઈ જાઓ? એે સવાલનો જવાબ તો સૌને ખબર છે જ.
જ્યારે જાતીય સંક્રામક ચેપની વાત આવે ત્યારે એ કોઈને પણ હોઈ શકે છે. આ શક્યતા માત્ર હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસના ચેપ સુધી જ અહીં સીમિત નથી રહેતી. સિફિલિસ, ગોનોરિયા અને એવા અનેક રોગો છે જે જાતીય સમાગમથી ફેલાય છે.
અહીં આટલુંબધું પિષ્ટપેષણ કરવાનો અર્થ તો જ સરશે જો યુગલો સેફ સેક્સ માટે કૉન્ડોમના વિકલ્પને ટાળવાનો વિચાર કોઈ પણ સંજોગોમાં ટાળતાં થાય.


