ધીરુભાઈ અંબાણીના ગામ ચોરવાડની આજ કેવી છે?

ADVERTISEMENT
દેશની પ્રથમ હરોળની નામાંકિત અંબાણી ફૅમિલી બે દિવસ માટે ચોરવાડમાં રહી ગઈ. મોટા ભાગના બિઝનેસ-એક્સપર્ટ્સ અને સ્ટૉકમાર્કેટના નિષ્ણાતો એવી અપેક્ષા રાખતા હતા કે ચોરવાડમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સંયુક્તપણે એવી કોઈ મોટી જાહેરાત કરશે જેની સીધી અસર બન્ને ભાઈઓની કંપનીના શૅર પર પડશે અને શૅરના ભાવો વધશે. રિલાયન્સના શૅરહોલ્ડર પણ કંઈક આવું જ ઇચ્છતા હતા, પણ આ બધા વચ્ચે ધીરુભાઈ અંબાણીના ચોરવાડ ગામના લોકોની ઇચ્છા કંઈક જુદી હતી. ગામના લોકોના મનમાં હતું કે પંદર વર્ષો ફરીથી ચોરવાડમાં ભેગી થનારી અંબાણી ફૅમિલી તરફથી ગામને નવી સુવિધા મળે એ પ્રકારની જાહેરાત કરવામાં આવશે. એકલા ગામવાસીઓની નહીં, જૂનાગઢ જિલ્લાના સરકારી અધિકારીઓ પણ કંઈક આવી જ અપેક્ષા રાખીને બેઠા હતા. જૂનાગઢના તાલુકા વિકાસ અધિકારી એમ. જે. મયાત્રા sunday સરતાજને કહે છે, ‘અમને એમ હતું કે ગામના વિકાસ માટે સરકારી મદદ માગ્યા વિના કોઈ જાહેરાત અંબાણી ફૅમિલી કરશે, પણ એવું કંઈ થયું નથી એ ખેદની વાત કહેવાય. આ ગામમાં ધીરુભાઈ અંબાણી નાનપણથી કિશોરાવસ્થા સુધી રહ્યા. અહીંના ઘરને તેમણે આટલા ખર્ચે સ્મારક તરીકે આવું બનાવ્યું ત્યારે કોકિલાબહેન કે બેય ભાઈઓએ ગામની બીજી જરૂરિયાતને ધ્યાનમાં લેવી જોઈતી હતી. બીજું કંઈ નહીં તો એક ગેસ્ટહાઉસ બનાવવાની જાહેરાત કરવી હતી, જેનો લાભ એ લોકોને જ મળે એમ છે.’
વાત સાચી છે. ચોરવાડ ગામમાં હોટેલ તો શું, એક સામાન્ય ગેસ્ટહાઉસ પણ નથી. ગામમાં આવતા લોકોએ કાં તો ૧૭ કિલોમીટર દૂર આવેલા તાલુકામથક એવા માંગરોળ કે ૨૬ કિલોમીટર દૂર આવેલા વેરાવળની હોટેલમાં રાત રોકાવા જવું પડે છે. એવું નથી કે ખાલી અહીં હોટેલ કે ગેસ્ટહાઉસ ન હોય, ગામ પાસે બીજી પણ કેટલીયે પાયાની સુવિધા નથી. ગાર્ડનના નામે એક ઉજ્જડ થઈ ગયેલો બગીચો છે, રસ્તાઓ બિસ્માર છે, પીવાના પાણીની કાયમી તંગી છે, ઇલેક્ટ્રિસિટીના ધાંધિયા છે, ગામમાં માત્ર બે જ સ્કૂલ છે અને એક પણ કૉલેજ નથી. ચોરવાડ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ હીરાભાઈ ચુડાસમા sunday સરતાજને કહે છે, ‘અમને હતું કે આ વખતે ધીરુભાઈના એંસીમા જન્મદિવસે કદાચ અંબાણી ફેમિલી ગામને કૉલેજ કરી આપવાનું જાહેર કરશે, પણ એવું થયું નહીં. અમે આ બાબતની રજૂઆત પણ કરી હતી. જો અત્યારે ધીરુભાઈ હોત તો તેમણે એક કૉલેજ બનાવી દીધી હોત એ પાકું છે.’

બી. જી. ડાંગર મૂળ માંગરોળના છે અને એટલે તે ધીરુભાઈને વધુ નજીકથી ઓળખે છે. બી. જી. ડાંગર કહે છે, ‘ધીરુભાઈ ગામનું કોઈ કામ ક્યારેય માણસોને સોંપવાનું નહોતા કહેતા, એ બધું પોતે જ સાંભળતા અને કામ પૂરું પણ કરતા. ૧૯૯૪-૯૫ના અરસામાં ચોરવાડને પીવાના પાણીની તંગી હતી ત્યારે તેમણે છેક જૂનાગઢથી પાણીનાં ટૅન્કર લઈ આવીને ચોરવાડને પીવાનું પાણી પૂરુ પાડ્યું હતું. આ મેં મારી નરી આંખે જોયું છે. મને લાગે છે કે જેટલું મહત્વ ધીરુભાઈને પોતાના ગામનું હતું એટલું મહત્વ હવે તેમનાં સંતાનોને નથી રહ્યું.’

ખરેખર ચોરવાડને એનો ઉદ્ધારક જોઈએ છે.
એક સમયે ગુજરાત ટૂરિઝમમાં આગળ પડતા બની ગયેલા ચોરવાડનો બીચ દરિયાનાં મોજાંથી ભયજનક રીતે કોતરાઈ જતાં અહીં લોકો ડૂબી જવાની ઘટના બનવા લાગી જેને કારણે ચૌદ વર્ષ પહેલાં ગુજરાત સરકારે ચોરવાડનો બીચ-રિસોર્ટ બંધ કરી દીધો છે. હૉલિડે કૅમ્પના નામે ઓળખાતો આ રિસોર્ટ બંધ થયા પછી ટૂરિસ્ટોનું ચોરવાડ આવવાનું બંધ થઈ ગયું છે. માંગરોળ તાલુકાના વહીવટી અધિકારી આર. વી. પરમાર sunday સરતાજને કહે છે, ‘ચોરવાડ પાસે હવે બીજી એવી કોઈ ખાસિયત રહી નથી કે જેના આધારે આ ગામનો વિકાસ થાય. હવે ધીરુભાઈ અંબાણી સ્મૃતિભવન આવ્યું છે એટલે થોડી ઘણી આશા રાખી શકાય, પણ જો ગામની આવી જ બિસ્માર હાલત રહેશે તો સ્મૃતિભવન જોવા માટે જે ટૂરિસ્ટ આવશે તે અહીં હેરાન થશે અને ધીરુભાઈના નામને અસર થશે એ પાકું છે.’

ગામનું પ્રવેશદ્વાર ધીરુભાઈ અંબાણીના નામે છે. આ નામકરણ માટે કોઈ સહાય લેવામાં નથી આવી, પણ એ સિવાય ધીરુભાઈ અંબાણીએ ગામનો મુખ્ય રોડ બનાવી આપ્યો છે જેને તેમનાં માતુશ્રી જમનાબા અંબાણી માર્ગ નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ધીરુભાઈની જ આર્થિક સહાયથી ચોરવાડમાં કન્યાશાળા બની છે, જેને શ્રી હીરાચંદ ગોરધનદાસ અંબાણી કન્યા હાઈસ્કૂલ નામ આપવામાં આવ્યું છે.
એક પણ થિયેટર નહીં
ચોરવાડમાં એક પણ ટૉકીઝ છે નથી. ચોરવાડના તાલુકામથક એવા માંગરોળમાં એક થિયેટર હતું એ પણ હવે બંધ થઈ ગયું છે. ચોરવાડ આવેલાં કોકિલાબહેન અંબાણીએ એ થિયેટરને યાદ કરતાં કહ્યું હતું કે હું અને ધીરુભાઈ ત્યાં ફિલ્મ જોવા જતાં.
જરૂરિયાતના સામાનને બાદ કરતાં પ્રસંગોની ખરીદી માટે ગામે બધો મદાર માંગરોળ પર રાખવો પડે છે. ચોરવાડમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની ત્રણ દુકાન છે, પણ એય ચાલતી નથી એટલે એ જ દુકાનમાં મોબાઇલ રીચાર્જનાં વાઉચર પણ સાથે વેચવામાં આવે છે અને સેકન્ડ હૅન્ડ મોબાઇલનો પણ બિઝનેસ કરવામાં આવે છે. ચોરવાડમાં એક જ પેટ્રોલપમ્પ છે, બીજો પેટ્રોલપમ્પ ગડુ ગામ જવાના હાઇવે પર આવ્યો છે.
મિત્રો ભુલાયા કે શું?
મુંબઈ સ્થાયી થયા પછી ધીરુભાઈ દસેક વાર ચોરવાડ આવ્યા છે એવું ગામવાસીઓનું કહેવું છે. ગામના લોકો કહે છે કે ધીરુભાઈ જ્યારે પણ ચોરવાડ આવતા ત્યારે બધા ભાઈબંધોને મળવા માટે બોલાવતા, પણ આ વખતે એ બધા ભાઈબંધોની બાદબાકી થઈ ગઈ હોય એમ અંબાણી પરિવારના કાર્યક્રમમાં ધીરુભાઈના કોઈ ભાઈબંધને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. ધીરુભાઈના પાકા ભાઈબંધ ગણાતા અને ધીરુભાઈ અંબાણીને ગણિત શીખવવાનો જશ લઈ શકનારા ૮૧ વર્ષના વાઘજીભાઈ રાઠોડ sunday સરતાજને કહે છે, ‘મને હતું કે ધીરુભાઈના ઘરનું ઉદ્ઘાટન છે એમાં મને બોલાવશે, પણ એમાંય આવવાનું કોઈએ કહ્યું નથી.’
ચોરવાડ એટલે શું?
બહુ જૂજ લોકોને ખબર છે કે ચોરવાડ ગામ ખરેખર તો તડીપાર થયેલા લોકો દ્વારા બનાવવામાં આવેલું ગામ છે. લગભગ બસો વર્ષ પહેલાંની વાત છે. જૂનાગઢ રાજ્યમાં લૂંટફાટ અને ચોરીની ઘટના બહુ બનવા લાગી એટલે જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન (બીજા)એ ચોર અને લૂંટારાઓને તડીપાર કરવાના શરૂ કર્યા. તડીપાર થયેલા તે લોકોએ જૂનાગઢથી ૭૨ કિલોમીટર દૂર પોતાની રીતે વસવાટ શરૂ કર્યો, જેને કારણે એ વિસ્તાર ચોરવાડ તરીકે જાણીતો થયો. એક સમય હતો કે કોઈ ચોરવાડમાં રાત રોકાવાનું તો ઠીક, રાતે ત્યાંથી પસાર થવાનું પણ ટાળતું; પણ વણજારાઓને થયેલા કેટલાક સારા અનુભવો પછી આ બીક ધીમે-ધીમે નીકળી ગઈ. મોહબ્બત ખાન (બીજા) પછીના નવાબ બહાદુર ખાનજીએ ચોરવાડને ગામનો દરજ્જો આપ્યો અને એની વિધિવત્ સ્થાપના કરી. જોકે ગામનું નામ તો એ જ રાખ્યું, ચોરવાડ.

