પ્રતિષ્ઠિત ગુજરાતી સામાયિક નવનીત સમર્પણના તંત્રી દીપક દોશી અને પત્રકાર-કટાર લેખક દિવ્યાશા દોશી એક એવું કપલ છે જેમાં સમજણ, હૂંફ, એકબીજાની સ્પેસને બહુ રસપ્રદ રીતે ઉગવા મળ્યું છે. દિવ્યાશા દોશી પોતાના કૉલેજના દિવસો યાદ રતાં કહે છે, “હું એસએનડીટીમાંથી કો-એડ કૉલેજમાં ગઇ હતી, મને વાંચવાનો બહુ જ શોખ હતો અને એક કોમન દોસ્તે દીપક સાથે ઓળખાણ કરાવી. અમે પહેલીવાર લાઇબ્રેરીમાં જ મળ્યા અને કલાકો સુધી પુસ્તકોની વાતો કરી. અમારો વાંચનનો શોખ તદ્દન સરખો, પસંદગીઓ પણ. એમાં મેં ત્યારે જ ગ્રામ્યલક્ષ્મી પુસ્તક વાંચ્યુ હતું અને એના નાયક સાથે દીપકની પર્સનાલિટી બિલકુલ મેળ ખાય. આદર્શવાદી, સિદ્ધાંતોને અનુસરે તેવો, ખાદીનાં કપડાં; મારા રોમેન્ટિસિઝમમાં એ પરફેક્ટલી ફિટ થઇ ગયો. મેં તો બીજા જ દિવસે મારા પ્રેમનો સ્વીકાર કર્યો અને પૂછ્યું કે શું આપણે પ્રેમ સંબંધમાં આગળ વધી શકીએ. સ્વાભાવિક છે કે ચોંકી ગયેલા દીપકે ત્યારે ના પાડી.”