વૉટ્સઍપ પરથી હવે અન્ય ઍપ્સ પર પણ મેસેજ કરી શકાશે : ઇન્ડિયામાં આ સર્વિસ શરૂ થશે કે નહીં એ હજી સવાલ છે
What`s Up!
પ્રતીકાત્મક તસવીર
વૉટ્સઍપ હવે યુનિફાઇડ મેસેજ એક્સ્પીરિયન્સ તરફ કામ કરી રહી છે. યુરોપ યુનિયન રેગ્યુલેશને હાલમાં કંપનીઓ માટે નવા નિયમ જાહેર કર્યા છે. દરેક મોબાઇલમાં યુનિવર્સલ ચાર્જરના નિયમ બાદ હવે યુનિવર્સલ મેસેજ ઍપ્લિકેશન માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ હેઠળ યુઝર કોઈ પણ મેસેજિંગ ઍપનો ઉપયોગ કરીને અન્ય પ્લૅટફૉર્મની ઍપ પર પણ મેસેજ કરી શકવો જોઈએ. ઉદાહરણ તરીકે યુઝર વૉટ્સઍપનો ઉપયોગ કરતો હોય ત્યારે તે ટેલિગ્રામ પર પણ મેસેજ કરી શકવો જોઈએ. એ માટે વૉટ્સઍપ હવે કામ કરી રહ્યું છે. આગામી મહિને એ વિશે વધુ માહિતી આપવામાં આવશે. જોકે હાલમાં તેમનો સૌથી મોટો પ્રૉબ્લેમ સિક્યૉરિટી અને પ્રાઇવસી છે. વૉટ્સઍપમાં બે યુઝર વચ્ચેની વાતચીત ઇન્ક્રિપ્ટેડ હોય છે એટલે કે ત્રીજી વ્યક્તિ એને વાંચી નથી શકતી.
વૉટ્સઍપ મુજબ અન્ય કંપનીઓએ પણ સ્ટાન્ડર્ડ પ્રોટોકૉલ અને ઇન્ક્રિપ્શનને ફૉલો કરવું પડશે. જોકે આ વિશે હજી સુધી ટેલિગ્રામ, સિગ્નલ અને ગૂગલ જેવી કોઈ પણ કંપનીએ કમેન્ટ નથી કરી. વૉટ્સઍપ આ માટે પોતે સેફ રહેવાનું પણ વિચારી રહી છે. તેઓ તેમની ઍપ્લિકેશનને ઓપન તો કરી રહ્યા છે, પરંતુ તેઓ બે ઑપ્શન રાખી રહ્યા છે. વૉટ્સઍપ–ટુ–વૉટ્સઍપ યુઝર માટે એક અલગ ચૅટબૉક્સ હશે તેમ જ અન્ય ઍપ્લિકેશન પર વાત કરનાર માટે થર્ડ પાર્ટી ચૅટબૉક્સ બનાવવામાં આવશે. વૉટ્સઍપ-ટુ-વૉટ્સઍપ યુઝર વચ્ચેની વાત સિક્યૉર રહેશે એની ખાતરી વૉટ્સઍપ લેશે, પરંતુ થર્ડ પાર્ટીને મેસેજ કરતી વખતે એને સિક્યૉર રાખવાની જવાબદારી પણ અન્ય કંપનીની રહેશે તેમ જ વૉટ્સઍપ દ્વારા જે-તે યુઝરે આ ફીચરનો ઉપયોગ કરવો કે નહીં એના નિર્ણયનો અધિકાર પણ યુઝરને આપવામાં આવશે. યુરોપ યુનિયન ડિજિટલ ઍક્ટ હેઠળ ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. એમાંનો એક આ છે કે આજે વધુ ને વધુ મેસેજિંગ ઍપ્લિકેશન બની રહી છે એ માટે યુઝરે અલગ-અલગ ઍપ્સ રાખવી પડે છે. એ સ્ટ્રેસફુલ રહેવાની સાથે મોબાઇલની સ્પેસ પણ એટલી જ રોકે છે. એનું પરિણામ પર્ફોર્મન્સ પર પણ જોવા મળે છે. એક ઍપ્લિકેશનથી દરેક સાથે વાત થઈ શકે એ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમને ઍપલ ફૉલો કરે કે નહીં એ પણ જોવું રહ્યું. જોકે યુનિવર્સલ ચાર્જર માટે તેમણે આ યુનિયન સામે ઝૂંકવું પડ્યું હતું તો આ માટે પણ ઝૂકવું પડે તો નવાઈ નહીં.