ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે સહેલીઓએ પતિઓને છોડીને કર્યાં લગ્ન, કહે છે કે પુરુષોથી નફરત થઈ ગઈ છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં ૧૩ મેએ આશા અને જ્યોતિ નામની બે સહેલીઓએ તેમના પતિઓને છોડીને એકબીજા સાથે લગ્ન કરી લીધાં હતાં. તેમણે કોર્ટ-પરિસરમાં સંખ્યાબંધ વકીલોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આશરે પાંચ કલાક માટે કોર્ટ-પરિસરમાં આ લગ્નની જોરદાર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ બન્નેએ મંદિરમાં જઈને ફૂલહાર પહેરાવીને આજીવન સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભારતમાં સમલૈંગિક લગ્નો ગેરકાનૂની છે છતાંય તેમણે લગ્ન કર્યાં છે.
બન્ને સહેલીઓનાં પહેલાં લગ્નની કહાની સરખી છે. તેમના પતિઓએ ધર્મ છુપાવીને તેમની સાથે લગ્ન કર્યાં હતાં અને લગ્ન બાદ અત્યાચાર કર્યા હતા. તેઓ દિલ્હીમાં એક ફૅક્ટરીમાં સાથે કામ કરતી હતી અને ત્યાં એકબીજાને મળ્યા બાદ સરખી કહાની હોવાથી તેમની વચ્ચે દોસ્તી થઈ હતી અને પછી તેમણે પતિઓને છોડીને લગ્ન કરીને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. તેમને પુરુષજાતથી નફરત થઈ ગઈ છે. બદાયૂંમાં લગ્ન બાદ તેઓ ઘરે જશે અને જો પરિવાર નહીં સ્વીકારે તો તેઓ પાછા દિલ્હી જઈને ત્યાં જ રહેશે.


