જોકે દયારામ અને લાલ સિંહે એની પણ ચૅલેન્જ ઉપાડી લીધી. પહેલાં તો ગાયની પીઠ ફરતે બેઉ તરફ રસ્સી બાંધી દીધી અને એ રસ્સીઓ બે ભાઈઓએ પોતાના ખભે બાંધી દીધી હતી.
દયારામ અને લાલ સિંહ
હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં આવેલા ક્યારી ગુંડાહ નામના અંતરિયાળ ગામમાં દીપરામ શર્મા નામના ભાઈની ગાય માંદી પડી હતી. એ ઘણા દિવસથી ખાવાનું ખાતી નહોતી અને પગ પર ઊભી પણ નહોતી રહી શકતી. એવામાં તેને ડૉક્ટર પાસે લઈ જવાનું કામ કપરું હતું. ગામમાં પ્રાણીઓનો કોઈ ડૉક્ટર પણ નહોતો. આ ગાયને કેમેય કરીને બચાવી લેવા માટે એ જ ગામના દયારામ અને લાલ સિંહ નામના બે ભાઈઓએ એને ઊંચકીને હૉસ્પિટલ પહોંચાડવાનું બીડું ઝડપ્યું હતું. પહાડી ઉબડખાબડવાળા રસ્તાઓ પર ચડાણ અને ઉતરાણ કરીને ગાયને લઈ જવાની હતી અને અંતર લગભગ ૩ કિલોમીટર જેટલું કાપવાનું હતું. જોકે દયારામ અને લાલ સિંહે એની પણ ચૅલેન્જ ઉપાડી લીધી. પહેલાં તો ગાયની પીઠ ફરતે બેઉ તરફ રસ્સી બાંધી દીધી અને એ રસ્સીઓ બે ભાઈઓએ પોતાના ખભે બાંધી દીધી હતી. બન્ને ભાઈઓએ કદમથી કદમ મિલાવીને પહાડી રસ્તા પર ચડાણ કર્યું હતું. ગામલોકોએ આ ઘટનાનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. કૅપ્શનમાં લખ્યું હતું, ‘બે ભાઈઓ, ૨૦૦ કિલો વજનની એક માંદી ગાયને ખભે ઊંચકીને ૩ કિલોમીટરનો ઉબડખાબડ રસ્તો પાર કરીને હૉસ્પિટલ પહોંચ્યા. કેમ? કેમ કે ગાય તેમને વહાલી હતી. તેઓ કોઈ મદદ મળે એની રાહ જોઈને સમય ખોવા નહોતા માગતા. તેમણે કોઈ ફરિયાદ પણ નહોતી કરી. તેમણે જે કર્યું એમાં તેમનો પ્રેમ અને કરુણા જ હતાં. આને માનવતા કહેવાય. આદર, સલામ. ચાલો, આપણે પણ તેમના જેવા થઈએ.’


