આ ચૉકલેટ કદાચ વિશ્વની સૌથી મોંઘી નથી, પરંતુ એ ખૂબ વૅલ્યુએબલ છે
ટોઆક ચૉકલેટ
ઇક્વાડોરમાં એક ખાસ પ્રકારના કોકો બીન્સમાંથી બનતી ટોઆક ચૉકલેટને તાજેતરમાં વિશ્વની સૌથી મોંઘેરી ચૉકલેટનું બિરુદ મળ્યું છે. આ ચૉકલેટ કદાચ વિશ્વની સૌથી મોંઘી નથી, પરંતુ એ ખૂબ વૅલ્યુએબલ છે, કેમ કે જેમાંથી એ બને છે એ નૅસિઓનલ કોકોનાં વૃક્ષ ઇક્વાડોરના માત્ર ૧૪ ખેતરોમાં જ ઊગે છે. વિશ્વમાં કૉસ્ટલીએસ્ટ ચૉકલેટ્સ બીજી ઘણી છે; જેમાં ટ્રફલ્સ, ગોલ્ડ વગેરે ઉમેરવામાં આવે છે, પણ ટોઆક ચૉકલેટમાં આવાં કોઈ જ ગિમિક નથી. એ નૅચરલ નૅસિઓનલ કોકોબીન્સમાંથી બનેલી સિલ્કી ચૉકલેટ છે. ટોઆક ચૉકલેટ બનાવતી કંપનીનો દાવો છે કે આ વિશ્વમાં મળતી ધ મોસ્ટ એક્સ્પેન્સિવ નૅચરલ ચૉકલેટ છે. ટેક્નિકલી એ સાચું પણ છે, કેમ કે આ ચૉકલેટનો ૧૦૦ ગ્રામનો એક બાર લગભગ ૯૯,૫૦૦ રૂપિયાનો છે. નૅસિઓનલ કોકો પ્લાન્ટ હવે લગભગ પૃથ્વી પરથી વિલુપ્ત થઈ રહ્યા છે ત્યારે આ કંપની ઇક્વાડોરની પિએડ્રા વૅલીમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલાં ખેતરોમાં ઊગતાં જિનેટિકલી પ્યૉર વૃક્ષોના કોકોબીન્સ જ વાપરતી હોવાનો દાવો કરે છે. પહેલાં તેઓ આ કોકોબીન્સની ઓરિજિનલિટી ટેસ્ટ કરાવે છે અને પછી જ વાપરે છે. જોકે એને કારણે તેઓ ખૂબ ઓછી માત્રામાં ચૉકલેટ બનાવી શકે છે અને એ બનાવવાનો ખર્ચ પણ સારોએવો છે. જેમ વ્હીસ્કી જેટલી જૂની એટલી વધુ સ્વાદિષ્ટ કહેવાય છે એમ આ ટોઆક ચૉકલેટ પણ ચોક્કસ સમય સુધી એજિંગ પ્રોસેસમાંથી પસાર થાય એ પછી જ એની ટિપિકલ ફ્લેવર ડેવલપ કરે છે.