એન્જિનિયરની નોકરી છોડીને પુણેનો આ યુવક વૃદ્ધોને ટિફિન પહોંચાડે છે
દીપાંકર પાટીલ
માત્ર પચીસ વર્ષની ઉંમરે પુણેના દીપાંકર પાટીલે કંઈક અર્થપૂર્ણ કરવા માટે ગ્રાફિક ડિઝાઇનરની નોકરી છોડી દીધી હતી અને એકલા રહેતા વડીલોને તેમના ઘરે ટિફિન પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું હતું. હવે તે ૩૧ વર્ષનો છે અને આ કામ માટે તેણે ‘આર્ટ ઑફ હેલ્પિંગ ફાઉન્ડેશન’ શરૂ કર્યું છે. ૨૦૧૮માં સ્થપાયેલું આ એનજીઓ પુણેમાં સેંકડો વરિષ્ઠોને ફૂડ પૂરું પાડે છે અને હેલ્પ પણ કરે છે. દીપાંકરનું એનજીઓ એકલવાયું જીવન જીવતી વૃદ્ધ વ્યક્તિઓને નિયમિત ટિફિન પહોંચાડે છે. દીપાંકર સાથે જોડાયેલા સ્વયંસેવકોની ટીમ તેમને માત્ર પૌષ્ટિક ભોજન જ નથી પહોંચાડતી, પણ આવા વૃદ્ધ વ્યક્તિઓનાં ઘર માટે કરિયાણા, ધાબળા અને દવા જેવી વસ્તુઓ પણ પૂરી પાડે છે.
દીપાંકર માત્ર બે વર્ષનો હતો ત્યારે તેણે પિતા ગુમાવ્યા હતા. પિતા વગર તેણે ઘણી બધી સમસ્યા વેઠી હતી. તે કહે છે કે મમ્મીએ મારો અને મારી મોટી બહેનનો ઉછેર એકલા હાથે કર્યો હતો. અમે ઘણી વાર ભૂખ્યાં સૂઈ જતાં હતાં.’
ADVERTISEMENT
સ્વાભાવિક રીતે આવા કપરા સંજોગોમાં બાળપણ વિતાવ્યા બાદ ભૂખ અને લાચારી સાથે કેવી રીતે જીવન જીવાય છે એ બાબતે દીપાંકર ખૂબ જ સંવેદનશીલ હતો. જ્યારે તે કમાતો થયો ત્યારે તેણે પુણેના લાચાર વરિષ્ઠ નાગરિકોને ભોજન પહોંચાડવા સમય કાઢવાનું શરૂ કર્યું. જોકે દીપાંકર આટલેથી અટક્યો નહીં, બલકે સમય જતાં વડીલોની સેવામાં સંપૂર્ણ સમર્પિત થવા માટે તેણે પોતાની કારકિર્દી પણ છોડી દેવાનો નિર્ણય લઈ લીધો હતો. તમામ વૃદ્ધોને પોતાનાં દાદા-દાદીની જેમ જ સારવાર આપતા દીપાંકરે તેમના ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી હજારો લોકોને મફત ભોજન પૂરું પાડ્યું છે.
દીપાંકર એક વાર બીમાર પડ્યો હતો અને પોતે જઈ શક્યો નહોતો ત્યારે એક દાદીએ તેને કહ્યું હતું કે સેંકડોની ભૂખ ભાંગનાર વ્યક્તિને ભગવાન લાંબું આયુષ્ય આપે એ જરૂરી છે.

