કૅનેડાની આ મહિલા જેનું નામ જાહેર નથી કરવામાં આવ્યું તેના શરીરમાં ડેન્જરસ કહી શકાય એટલી હદે આલ્કોહૉલનું મૅન્યુફૅક્ચરિંગ થઈ રહ્યું છે.
અજબગજબ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કૅનેડાના ટૉરોન્ટોમાં રહેતી ૫૦ વર્ષની એક મહિલા છેલ્લાં બે વર્ષથી વિચિત્ર સમસ્યાથી ઝઝૂમી રહી છે. તેણે કદી દારૂને હાથ નથી અડાડ્યો, પણ તેના મોઢામાંથી દારૂની એટલી વાસ આવે છે જાણે તે પીને ટલ્લી થઈ ગઈ હોય. તેના શરીરમાં આલ્હોહૉલનું પ્રમાણ ૩૦થી ૬૦ મિલીમોલ્સ પ્રતિ લીટર જેટલું રહ્યા કરે છે. ધીમે-ધીમે તે એટલી નશામાં રહેવા માંડી કે હવે તે જ્યાં-ત્યાં સૂઈ જાય છે અને કિચનમાં રસોઈ બનાવતી હોય ત્યારે અહીં-તહીં માથું ભટકાતાં પડી જાય છે. છેલ્લાં બે વર્ષમાં ૭ વાર ઇમર્જન્સી રૂમમાં તેને દાખલ કરવી પડી છે અને ડૉક્ટરે તેને ઑટો બ્રુઅરી સિન્ડ્રૉમ હોવાનું નિદાન કર્યું છે. વિશ્વમાં લગભગ ૩૦૦ લોકો એવા છે જેમના જઠરમાં કાર્બોહાઇડ્રેટ યુક્ત ફૂડ જાય તો એમાંથી તેઓ આપમેળે આલ્કોહૉલ પેદા કરવા માંડે છે. સામાન્ય રીતે આ સિન્ડ્રૉમ ધરાવતા લોકોના લોહીમાં બેથી દસ મિલીમોલ્સ પ્રતિ લીટર જેટલો આલ્કોહૉલ હોય છે, પણ કૅનેડાની આ મહિલા જેનું નામ જાહેર નથી કરવામાં આવ્યું તેના શરીરમાં ડેન્જરસ કહી શકાય એટલી હદે આલ્કોહૉલનું મૅન્યુફૅક્ચરિંગ થઈ રહ્યું છે.