અમેરિકાના કૅન્સસમાં રહેતો સૉફ્ટવેર એન્જિનિયર ડેવિડ ફ્રીડમૅન કુલ ૧૦૦૦ સ્પર્ધકો વચ્ચે આ ઇનામ જીત્યો હતો

ડેવિડ ફ્રીડમૅન
સામાન્ય રીતે પૉપસ્ટાર અથવા ફિલ્મસ્ટાર્સના ગાંડા કહી શકાય એવા ફૅન હોય છે, પરંતુ સેલસેલ કંપની દ્વારા આયોજિત ઇન્ટરનૅશનલ સ્પર્ધામાં એક વ્યક્તિને સમગ્ર વિશ્વમાં ઍપલનો સુપરફૅનનો અવૉર્ડ મળ્યો છે. અમેરિકાના કૅન્સસમાં રહેતો સૉફ્ટવેર એન્જિનિયર ડેવિડ ફ્રીડમૅન કુલ ૧૦૦૦ સ્પર્ધકો વચ્ચે આ ઇનામ જીત્યો હતો. તેના ઘરમાં ઍપલના ૧૦૦ કરતાં વધુ ડિવાઇસ છે, જેની કિંમત ૩૬,૦૦૦ ડૉલર (અંદાજે ૨૯.૬૧ લાખ રૂપિયા) થાય છે. એટલું ઓછું હોય એમ તેણે પોતાની દીકરીનું નામ પણ ઍપલના કો-ફાઉન્ડરની દીકરીની જેમ લિસા રાખ્યું છે. તેણે કહ્યું કે ઍપલ મારા માટે એક કંપની કરતાં વધુ એક સમાજ એક ઇકોસિસ્ટમ છે, જે મારા જીવનનાં ઘણાં પાસાંઓને સ્પર્શે છે. ડેવિડ ફ્રીડમૅન ટીનેજર હતો ત્યારથી તે સ્ટીવ જૉબ્સને પત્ર લખતો હતો. જોકે સ્ટીવના પીએ દ્વારા મોકલેલો જવાબ એક દાયકા પહેલાં જે તેણે ખોઈ નાખ્યો હતો. ડેવિડ ફ્રીડમૅને પોતાના ઘરની દરેક રૂમ ઍપલના લોગોના ૬ રંગનો ઉપયોગ કરીને બનાવી છે. દરેક બારણાં, પંખા, લૉક, કૅમેરા અને ટીવીને ઍપલ હોમકિટ ટેક્નૉલૉજીની મદદથી કન્ટ્રોલ કરે છે. ઍપલ કંપની સપ્ટેમ્બરમાં વાર્ષિક કાર્યક્રમનુ આયોજન કરે છે ત્યારે ડેવિડ ફ્રીડમૅન ઑફિસમાંથી અચૂક રજા લે છે. ઍપલના સુપરફૅનનું બિરુદ મળતાં તે ઘણો ખુશ છે, પરંતુ તેને ગમતી જીવનસાથી મળવી મુશ્કેલ લાગે છે. તેણે કહ્યું કે હાલમાં તો હું સિંગલ છું. મારો પહેલો પ્રેમ ઍપલ છે. બીજા ક્રમે કોઈ આવવા તૈયાર થાય એ થોડું મુશ્કેલ લાગે છે. ઍપલની થીમ પર આધારિત સ્પર્ધા જીત્યા બાદ ડેવિડને ન્યુ સિરીઝ-૯ની ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી.