યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં જેનો સમાવેશ થાય છે એ મહાબલીપુરમ એશિયા પૅસિફિક ક્ષેત્રની પહેલી એવી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે
મામલ્લાપુરમ
તામિલનાડુના ચેન્નઈથી ૬૦ કિલોમીટર દૂર બંગાળની ખાડીના કિનારે આવેલું મામલ્લાપુરમ (મહાબલીપુરમ) ભારતનું પહેલું ‘ગ્રીન ડેસ્ટિનેશન’ બન્યું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં જેનો સમાવેશ થાય છે એ મહાબલીપુરમ એશિયા પૅસિફિક ક્ષેત્રની પહેલી એવી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જેને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે. નેધરલૅન્ડ્સ સ્થિત અને ગ્લોબલ સસ્ટેનેબલ ટૂરિઝમ કાઉન્સિલ દ્વારા માન્યતાપ્રાપ્ત ગ્રીન ડેસ્ટિનેશન્સ પ્રોગ્રામ એવાં સ્થળોને આ સન્માન આપે છે જે પર્યાવરણીય, સામાજિક અને સાંસ્કૃતિક બાબતોમાં સસ્ટેનેબલ પ્રૅક્ટિસ માટે સમર્પિત હોય.
મહાબલીપુરમને ડેટા કલેક્શન, ડૉક્યુમેન્ટેશન અને એક મુશ્કેલ મૂલ્યાંકનપ્રક્રિયાના આધારે ગ્રીન ડેસ્ટિનેશનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. એક વર્ષના મૂલ્યાંકન બાદ મહાબલીપુરમનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ડેસ્ટિનેશન સ્કોર ૬૫ ટકા નોંધાયો હતો. આગામી મહિનાઓમાં એક ઑડિટ બાદ મહાબલીપુરમ માટે ફાઇનલ અવૉર્ડ લેવલની જાહેરાત કરવામાં આવશે. મહાબલીપુરમની આ સિદ્ધિ અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ હેઠળ મામત ટ્રસ્ટના પ્રયાસોનું પરિણામ છે જેણે આ સર્ટિફિકેશન પ્રોજેક્ટને ફાઇનૅન્સ કર્યું છે. પલ્લવ રાજાએ બનાવેલું આ મંદિર ભારતનાં સૌથી પ્રાચીન મંદિરો પૈકીનું એક છે અને દ્રવિડ વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે.

