દર વર્ષે પહેલી જૂને લોકો એને ઑફિશ્યલી સર કરવા નીકળી પડે છે.
બેન્ટન માઉન્ટન
આમ તો જપાનનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ ફ્યુજી ૩૭૭૮ મીટર ઊંચો છે, પણ અહીંનો સૌથી નાનો પર્વત આજકાલ ચર્ચામાં છે. તોકુશિમા પર્ફેક્ચર વિસ્તારમાં આવેલો એક ટેકરો બેન્ટન માઉન્ટન તરીકે ફેમસ થયો છે. ૬૦ મીટરનો વ્યાસ ધરાવતા આ પર્વતની ઊંચાઈ માત્ર ૬.૧ મીટર જ છે. સામાન્ય રીતે આપણે એને ટેકરો પણ ન ગણીએ, પરંતુ જપાનમાં એને માઉન્ટન જેવું માનપાન આપવામાં આવે છે. એક મિનિટથી પણ ઓછા સમયમાં તમે આ પર્વત સર કરી શકો છો એવા માર્કેટિંગ સાથે સ્થાનિક લોકોએ એનું પ્રમોશન કર્યું છે. એટલે સ્તો વર્ષે ૧૦,૦૦૦થી વધુ લોકો આ પર્વત ચડવા આવે છે. એનું કારણ ખાસ આસ્થા છે. આ ટેકરી પાસે બેન્ઝેઇટન નામની દેવીનું મંદિર છે જેને શાણપણની દેવી માનવામાં આવે છે. આ દેવીનાં દર્શન કરવા આવનારા લોકો આ બેન્ટન માઉન્ટનની પૂજા કરે છે. આ પર્વતને ઑફિશ્યલી જપાનના સૌથી નાના પર્વતનું બિરુદ આપવામાં આવ્યું છે અને દર વર્ષે પહેલી જૂને લોકો એને ઑફિશ્યલી સર કરવા નીકળી પડે છે. આ દિવસે ટેકરી પર ચડનારા લોકોને ખાસ સર્ટિફિકેટ આપવામાં આવે છે.

