૫૦ કરતાં વધુ વર્ષથી જીવવિજ્ઞાનીઓ માની રહ્યા છે કે પ્રાચીન પ્રાણીઓ મહાસાગરમાં ૫૦ કરોડ વર્ષ પહેલાં જન્મ્યાં હતાં.

પૃથ્વી પર પહેલું પ્રાણી
આપણા પૂર્વજો વાનર હતા, પણ પૃથ્વી પર પહેલું પ્રાણી કયું? એ કોયડાનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. તેમના મતે આ પ્રાણી આજના જેલી ફિશ જેવું હશે. તમામ પ્રાણીઓ ધીમે-ધીમે વિકસિત થયાં છે, પણ ૭૦ કરોડ વર્ષ પહેલાં કોઈ એક જ પૂર્વજમાંથી તેઓ ધીમે-ધીમે વિકસિત થયાં છે. કૅલિફૉર્નિયાના-બર્કલે યુનિવર્સિટીના પ્રોફેસર ડૅનિયલ રોખસરના મતે પ્રાણીજગતના સૌથી પહેલાંના પૂર્વજ અંદાજે ૬૦થી ૭૦ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યાં હતાં. તેઓ કેવાં દેખાતાં હતાં એ જાણવું અઘરું છે. કારણ કે તેઓ કોમળ શરીરનાં પ્રાણી હતાં, તેમના શરીરમાં હાડકાં નહોતાં. વળી એના કોઈ અવશેષ મળે એવી શક્યતા નથી, પણ હાલનાં જીવંત પ્રાણીઓ સાથે સરખામણી કરી શકીએ છીએ. ૫૦ કરતાં વધુ વર્ષથી જીવવિજ્ઞાનીઓ માની રહ્યા છે કે પ્રાચીન પ્રાણીઓ મહાસાગરમાં ૫૦ કરોડ વર્ષ પહેલાં જન્મ્યાં હતાં. ડીએનએના મતે સૌથી પહેલાંનાં પ્રાણીઓ સેનોફોર અથવા તો કોમ્બ જેલી હતાં, જે હજી પણ સમુદ્રમાં ધ્રુવ પ્રદેશથી વિષવવૃત્ત સુધી તેમ જ ઊંડા સમુદ્રમાં ઠેર-ઠેર જોવા મળે છે. સેનોફોર્સમાંથી જળચર પ્રાણીઓ બન્યા ત્યાર બાદ અન્ય તમામ પ્રાણીઓ જેમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે એ ઇવોલ્વ થયાં હતાં. એકકોષી જીવ અંદાજે ૪૦૦ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા હતા. મનુષ્યો, કૃમિ, માખીઓ અને અન્ય પ્રાણીઓ અમુક સામાન્ય લક્ષણ ધરાવે છે, જેમાં મગજ ધરાવતું માથું, એક આંતરડું જે મોઢાથી લઈને ગુદા સુધી હોય છે. આ તમામ લાક્ષણિકતા ધરાવતાં પ્રાણીઓ ૫૦ કરોડ વર્ષ પહેલાં વિકસિત થઈ ચૂક્યાં હતાં.