બિહારના વૈશાલીમાં ચોરોને પકડવા ગયેલી પોલીસે ખુદ લાખો રૂપિયાના ઝવેરાત અને કૅશની ચોરી કરી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બિહારના વૈશાલીમાં ચોરોને પકડવા ગયેલી પોલીસે ખુદ લાખો રૂપિયાના ઝવેરાત અને કૅશની ચોરી કરી હતી. લાલગંજ થાણાની પોલીસને સૂચના મળી હતી કે રામપ્રીત સાહની અને તેની પત્ની મળીને ચોર ગૅન્ગ ચલાવે છે. આ માહિતીના આધારે પોલીસે રેઇડ પાડીને મહિલા આરોપીને પકડી લીધી હતી. જોકે તેની પાસેથી જપ્ત કરેલા સામાનમાંથી લાખો રૂપિયાનાં સોના-ચાંદી ગાયબ થઈ ગયાં હતાં. પોલીસે કાગળ પર માત્ર જૂનાં વાસણો, ટીવી અને કારતૂસ મળ્યાં હોવાનું દેખાડ્યું હતું અને બે કિલો સોનું અને છ કિલો ચાંદીના દાગીના ચોપડે નોંધ્યાં જ નહીં. આ વાતની જાણ ચોરને થઈ ત્યારે તેણે આ વાત સગાંસંબંધીઓને કરી અને બધાએ મળીને પોલીસની ચોરી ઉઘાડી પાડી દીધી. હવે આ બાબતે વૈશાલીના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે બે પોલીસ-અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.


