સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં સજાવટ કરેલા બગીચામાં એક શિંગડાવાળો ગેંડો શાંતિથી ટહેલતો જોવા મળે છે
ગેંડાભાઈ લગ્નમાં મહેમાન તરીકે આવી પહોંચ્યા
નેપાલમાં ચિતવન નૅશનલ પાર્ક પાસે આવેલા એક ગામમાં લગ્નસમારંભમાં એક અકલ્પનીય મહેમાનની હાજરીથી જાનૈયાઓમાં કુતૂહલ જન્મ્યું હતું. સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં સજાવટ કરેલા બગીચામાં એક શિંગડાવાળો ગેંડો શાંતિથી ટહેલતો જોવા મળે છે. લગ્નનો સમારોહ થોડેક દૂર ચાલી રહ્યો છે, પણ ગેંડાભાઈને એનાથી કોઈ લેવાદેવા નથી. ચિતવન નૅશનલ પાર્ક યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સ્થળ છે જે જૈવ વૈવિધ્ય અને એક શિંગડાવાળા ગેંડા માટે જાણીતું છે. આસપાસના લોકો પણ ગેંડા સાથે સહઅસ્તિત્વ ધરાવતા થઈ ગયા છે. સોશ્યલ મીડિયા પર વિડિયો જોઈને કમેન્ટમાં કોઈકે લખ્યું છે, ‘હવે વેડિંગ ફોટોગ્રાફર પણ વાઇલ્ડ-લાઇફ ફોટોગ્રાફર બની ગયા છે.’


