ઇલૉન મસ્કને યુકે બેઝ્ડ એક ફોન કંપનીના સીઈઓ કાર્લ પેઇએ એક રમૂજભર્યું સજેશન આપ્યું છે.
કાર્લ પેઇ, ઇલૉન મસ્ક
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ટેસ્લાની ફૅક્ટરી નાખવા વિશેની વાતો થઈ રહી છે ત્યારે ઇલૉન મસ્કને યુકે બેઝ્ડ એક ફોન કંપનીના સીઈઓ કાર્લ પેઇએ એક રમૂજભર્યું સજેશન આપ્યું છે. વાત એમ છે કે નથિંગ ફોન નામની યુકે સ્થિત કંપનીના ચાઇનીઝ-સ્વીડિશ ઑન્ટ્રપ્રનર કાર્લ પેઇએ હમણાં જાહેરાત કરી છે કે તેમની કંપનીના ફોન ઇન્ડિયામાં બનશે. એનું મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડિયામાં થશે અને પાંચમી માર્ચથી એ ભારત અને વિશ્વમાં બીજે પણ એકસાથે લૉન્ચ થશે. જોકે આ અનાઉન્સમેન્ટ પહેલાં તેમણે સોશ્યલ મીડિયા એક્સ પર પોતાનું નામ ‘કાર્લ પેઇ’ને બદલે ‘કાર્લભાઈ’ કરી નાખ્યું હતું. આ વાતની નોંધ લેવાય એ માટે કાર્લભાઈએ ઇન્ડિયામાં ટેસ્લાની ફૅક્ટરી નાખવા મથી રહેલા ઇલૉન મસ્કને પણ સજેશન આપી દીધું છે કે ‘શું તમને લાગે છે કે ખરેખર તમારા નામની પાછળ ‘ભાઈ’ લગાવ્યા વિના ઇન્ડિયામાં ટેસ્લાની ફૅક્ટરી નાખી શકશો?’ બસ, પછી તો લોકોને મજાક સૂઝી. એક જણે કમેન્ટ કરી, ‘ઇલૉનદાદા પણ સારું લાગે છે.’ તો વળી બીજાએ કહ્યું, ‘ઇલૉનકાકા કેવું રહેશે?’


