આનો જીવંત દાખલો છે નેપાલની પ્રતિનિધિ જેન દીપિકા ગૅરેટ, જે મિસ યુનિવર્સ ૨૦૨૩માં ભાગ લેનારી પ્રથમ પ્લસ-સાઇઝ મહિલા છે

નેપાલની પ્રતિનિધિ જેન દીપિકા ગૅરેટ
સામાન્ય રીતે મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવી પ્રતિભા સ્પર્ધાઓમાં ઝીરો ફીગર મૉડલને પ્રાધાન્ય આપવામાં આવે છે, પણ હાલમાં આ સ્પર્ધામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એમ કહી શકાય કે લોકોની નજરમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આનો જીવંત દાખલો છે નેપાલની પ્રતિનિધિ જેન દીપિકા ગૅરેટ, જે મિસ યુનિવર્સ ૨૦૨૩માં ભાગ લેનારી પ્રથમ પ્લસ-સાઇઝ મહિલા છે. જોકે ટીકા કરનારાઓ કહે છે કે ઓબેસિટી હેલ્ધી નથી. જોકે મિસ યુનિવર્સ ૨૦૨૩ને આ સ્ટિરિયોટાઇપ્સને તોડવા માટે ચોક્કસપણે યાદ કરવામાં આવશે. મિસ નેપાલ જેન દીપિકા ગૅરેટ મિસ યુનિવર્સ સ્પર્ધામાં પ્રવેશનાર પ્રથમ પ્લસ-સાઇઝ મૉડલ છે. ૨૨ વર્ષની જેન ગૅરેટે હોલા મૅગેઝિનને જણાવ્યું હતું કે એક કર્વી મહિલા તરીકે જે અમુક સુંદરતાનાં કેટલાંક ધારાધોરણથી દૂર હોય એ તમામ મહિલાઓનું હું પ્રતિનિધિત્વ કરી રહી છું. ઇતિહાસમાં પ્રથમ વખત મિસ યુનિવર્સ ટ્રાન્સજેન્ડર, પ્લસ સાઇઝની મૉડલ અને માતાઓની ભાગીદારીની સાક્ષી બનશે. અલ સાલ્વાડોરમાં ૧૫ નવેમ્બરે યોજાયેલી પ્રારંભિક સ્પર્ધા દરમ્યાન અન્ય લોકોમાંથી ગૅરેટ બધાની પ્રિય તરીકે ઊભરી આવી હતી. જોકે ગૅરેટનો સમાવેશ તરત જ વિવાદાસ્પદ થઈ ગયો હતો. મિસ યુનિવર્સમાં તેની હાજરી તમામ આકાર અને કદમાં શરીરની સ્વીકૃતિની હિમાયત કરે છે. તેનું ધ્યેય સ્પષ્ટ છે કે વિશ્વભરની મહિલાઓને તેમના દેખાવ પર ગર્વ લેવા અને સૌંદર્યનાં પૂર્વસ્થાપિત ધોરણોને પડકારવા માટે પ્રેરણા આપવી.

