જોકે લિટરલી ઍની બડી એલ્સની લડાઈ એટલી આસાન નથી.
લિટરલી ઍની બડી એલ્સ
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં પ્રેસિડન્ટપદની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં એક તરફ ૮૧ વર્ષના વર્તમાન પ્રેસિડન્ટ જો બાઇડન છે તો સામા પક્ષે દેવાના ડુંગર તળે દબાયેલા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે. બે જૂના જોગીઓ વચ્ચે જ મુકાબલો હોવાથી ટેક્સસમાં રહેતા ૩૫ વર્ષના ડસ્ટિન ઈબેને આ બે ઉમેદવારો સામે ભારે રોષ છે અને આ બે ઉમેદવારો કરતાં બીજું કોઈ લડે એવી તેમની ભાવના છે એથી તેમણે પોતાનું નામ બદલીને લિટરલી ઍની બડી એલ્સ કરાવી દીધું છે. તેણે અમેરિકન આર્મીમાં પણ કામ કર્યું છે અને હાલમાં સ્ટુડન્ટ્સને મૅથ્સ ભણાવે છે. તેમણે પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ આ નામ બદલાવી નાખ્યું છે જેથી નામનો પુરાવો આપવામાં પણ કોઈ તકલીફ ન પડે. તેના માનવા મુજબ કેટલાય અમેરિકન મતદારો આ બે ઉમેદવાર સિવાય બીજું કોઈ વાઇટ હાઉસમાં આવે એવું ઇચ્છે છે. બે પાર્ટીઓ વચ્ચે હંમેશાં સત્તા મેળવવાની લડાઈ રહી છે પણ એમાં ૩૦ કરોડ અમેરિકન પ્રજાને અને સામાન્ય નાગરિકને કોઈ ફાયદો થયો નથી. અમેરિકન પ્રજાએ આવા લોકોની પસંદગી ન કરવી જોઈએ એથી લિટરલી ઍની બડી એલ્સ એટલે કે બીજા કોઈ વ્યક્તિની જરૂર છે અને એ જગ્યા હું ભરવા માગું છું.
જોકે લિટરલી ઍની બડી એલ્સની લડાઈ એટલી આસાન નથી. મે મહિનાના અંત સુધીમાં ટેક્સસ રાજ્યના નૉન-પ્રાઇમરી વોટર્સમાંથી તેને ૧,૧૩,૦૦૦ સહી જોઈશે અને એ પછી જ તેનું નામ મતપત્રકમાં આવી શકશે.