સિંગલ લોકોને જીવનસાથીની તલાશ માટે મૅચમેકિંગ કરી આપતી સર્વિસ હવે ખૂબ કૉમન થઈ ગઈ છે.
જો તમે બીજા સંબંધમાં જોડાવા માગતા હો તો એની સવલત આપતી ઍપ જપાનમાં તૈયાર થઈ છે
સિંગલ લોકોને જીવનસાથીની તલાશ માટે મૅચમેકિંગ કરી આપતી સર્વિસ હવે ખૂબ કૉમન થઈ ગઈ છે. મૉડર્ન સમયમાં જસ્ટ ફૉર ફન ડેટ કરવા કે ફ્લર્ટ માટે મળવું હોય તો એની ડેટિંગ ઍપ્સનો પણ રાફડો ફાટ્યો છે, પરંતુ લગ્ન કર્યા પછી જો તમે બીજા સંબંધમાં જોડાવા માગતા હો તો એની સવલત આપતી ઍપ જપાનમાં તૈયાર થઈ છે અને એ ખૂબ ઓછા સમયમાં બહુ પૉપ્યુલર થઈ ગઈ છે. આ ઍપનો હેતુ છે લગ્નજીવનમાં અસંતુષ્ટ લોકોને નવો ઑપ્શન આપવાનો. અલબત્ત, આ એવા લોકો માટે જ છે જેઓ પહેલાંનાં લગ્ન તોડીને ફરીથી લગ્ન કરવા માગે છે, પરંતુ બીજો ઑપ્શન ન મળે ત્યાં સુધી છૂટા થવા નથી માગતા. તમે નવા પાર્ટનરની શોધમાં છો એ વાતને આ ઍપ ખૂબ જ સીક્રેટ રાખે છે. હીલમેટ નામની આ ઍપ કોઈ પ્રચાર કે માર્કેટિંગ વિના જ ફેમસ થઈ ગઈ છે અને ૩.૫ લાખ યુઝર્સ એને ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ ઍપ થકી તમે ઓળખ છુપાવીને અફેર ચલાવી શકો છો. અનેક લોકો આવી ઍપને જસ્ટિફાય કરે છે, કેમ કે તેમનું કહેવું છે કે ઘણાં પરિણીત યુગલો પોતપોતાની ઑફિસના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમને સાથે બેસીને સમય ગાળવાનો કૉમન ટાઇમ જ નથી મળતો. એવામાં નવી વ્યક્તિ સાથે ગાળેલો થોડોક સમય પણ લોકોને બહુ ફીલગુડ કરાવે છે. અલબત્ત, હીલમેટ જેવી ઍપથી છૂટાછેડાનું પ્રમાણ વધી જશે એવું લોકોને લાગી રહ્યું છે.


