મુકુલ અને તેનો મિત્ર એ જાણવા માગતા હતા કે સ્ટૅન ફોર્ડમાં એવી કઈ ખાસિયત છે જે એને આટલી પ્રતિષ્ઠિત બનાવે છે.
મુકુલ રુસ્તગી અને ભસ્વત અગરવાલ
દુનિયાની પ્રતિષ્ઠિત કૉલેજો કેવી હોય છે એ જોવાની ઇચ્છા ઘણા લોકોને થાય છે. ઑનલાઇન ટીચિંગ માટેની ઍપ ‘ક્લાસપ્લસ’ના કો-ફાઉન્ડર મુકુલ રુસ્તગી અને તેમના પાર્ટનર ભસ્વત અગરવાલને પણ આવી જ ઇચ્છા થઈ હતી એટલે બન્ને મિત્રો ચોરીછૂપી અમેરિકાની જાણીતી સ્ટૅન ફોર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર અટેન્ડ કરી આવ્યા હતા. મુકુલ અને તેનો મિત્ર એ જાણવા માગતા હતા કે સ્ટૅન ફોર્ડમાં એવી કઈ ખાસિયત છે જે એને આટલી પ્રતિષ્ઠિત બનાવે છે.
મુકુલે સોશ્યલ મીડિયા પર પોતાનો સાહસિક અનુભવ શૅર કરતાં કહ્યું કે ‘હું અને મારો મિત્ર અમેરિકાની જાણીતી સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં કલાસ અટેન્ડ કરી આવ્યા! સ્ટૅન ફોર્ડ અમારું સપનું હતું, પણ અમારી પાસે સારા ગ્રેડ અને પૈસા બન્ને નહોતા. અમે કૅમ્પસમાં પહોંચ્યા અને ચૂપચાપ ક્લાસમાં ઘૂસી ગયા હતા. અમે પ્રોફેસરને વિનમ્રતાથી પૂછ્યું કે શું અમે બેસી શકીએ? સદ્નસીબે તેમણે હા પાડી. ક્લાસમાં પ્રોફેસર ફાઇનૅન્સના પાઠ શીખવી રહ્યા હતા અને અમે ઍક્વિઝિશન અને મર્જરનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ શીખ્યા. ક્લાસમાંથી બહાર નીકળતી વખતે અમે સંભારણા તરીકે એક માર્કર પેન પણ લઈ આવ્યા હતા.’

