પોલીસ કુરકુરે લઈને ઘરે પહોંચી ગઈ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મધ્ય પ્રદેશના સિંગરોલી ગામનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પોલીસ રડતા છોકરાને કુરકુરે આપતી દેખાય છે. વાત એમ હતી કે ૧૦ વર્ષનો દીપક નામનો છોકરો નારાજ હતો. તેને કુરકુરે ખાવા હતા એટલે તેણે મમ્મી પાસે ૨૦ રૂપિયા માગ્યા. મમ્મીએ ચોખ્ખી ના પાડી દીધી. એમ છતાં દીપકે જીદ કરી તો મમ્મીએ તેને લપડાક લગાવીને ત્યાંથી કાઢી મૂક્યો. ગુસ્સે ભરાયેલા દીપકે ઇમર્જન્સી નંબર ૧૧૨ પર ફોન કરીને પોલીસને કહી દીધું કે તેની મમ્મી અને બહેને તેને દોરડાથી બાંધીને માર્યો હતો. પોલીસે પૂછ્યું, કેમ? તો તેણે માસૂમિયતથી કહી દીધું કે મેં કુરકુરેની જીદ કરી હતી એટલે. તરત જ થોડી વારમાં ઉમેશ વિશ્વકર્મા નામના પોલીસ-અંકલ દીપકે જ્યાંથી ફોન કર્યો હતો એનું લોકેશન ટ્રૅક કરીને તેના ઘરે પહોંચી જાય છે અને કુરકુરેનાં પૅકેટ આપે છે. ઉમેશ વિશ્વકર્માએ તેના પેરન્ટ્સને પણ સમજાવ્યા હતા અને દીકરાને પણ વારંવાર જીદ ન કરવા સમજાવ્યો હતો.


