ભારતમાં રવિવારે હવાઈ મુસાફરીનો વિક્રમ થયો હતો. રવિવારે એક જ દિવસમાં પાંચ લાખ લોકોએ વિમાનમાં મુસાફરી કરી હતી. એમાં પણ આ તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ હતી.
એક જ દિવસમાં પાંચ લાખ લોકોએ વિમાનમાં મુસાફરી કરી
ભારતમાં રવિવારે હવાઈ મુસાફરીનો વિક્રમ થયો હતો. રવિવારે એક જ દિવસમાં પાંચ લાખ લોકોએ વિમાનમાં મુસાફરી કરી હતી. એમાં પણ આ તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ હતી. ઉડ્ડયન મંત્રાલયે આ વિશે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે અને એમાં લખ્યું છે, ‘૧૭ નવેમ્બરે એક જ દિવસમાં ૫,૦૫,૪૧૨ લોકોએ ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી ત્યારે ભારતીય આકાશમાં ઐતિહાસિક માઇલસ્ટોન જોવા મળ્યો. ડોમેસ્ટિક મુસાફરોએ પહેલી વાર પાંચ લાખનો આંકડો પાર કર્યો છે.’
એક દિવસમાં પાંચ લાખથી વધુ મુસાફરોને લાવવા-લઈ જવા માટે કુલ ૩૧૭૩ ફ્લાઇટ્સ ઑપરેટ કરવામાં આવી હતી. દિવાળી, છઠપૂજા અને દેવદિવાળીના તહેવારો પછી લગ્નગાળો શરૂ થતાં મુસાફરોની સંખ્યા પાંચ લાખને ટપી ગઈ હોવાનું કહેવાય છે. એ સિવાય ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળતી ન હોવાને કારણે પણ લોકો વિમાનને પ્રાધાન્ય આપે છે. છઠ પછી હવાઈ મુસાફરોમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ૮ નવેમ્બરે ૪.૯ લાખ યાત્રીઓ હતા. એ પછી ૯ નવેમ્બરે ૪.૯૬ લાખ, ૧૪ નવેમ્બરે ૪.૯૭ લાખ, ૧૫ નવેમ્બરે ૪.૯૯ લાખ અને ૧૬ નવેમ્બરે ૪.૯૮ લાખ યાત્રીઓ નોંધાયા હતા.


